/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/delhi-NCR-rain.jpg)
દેશમાં ચોમાસાનું આગમન થયું છે - photo- ANI
Monsoon Arrives In Kerala: દેશમાં ચોમાસાનું આગમન થયું છે. ભારતીય હવામાન વિભાગે (આઇએમડી)જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું શનિવારે કેરળમાં પહોંચ્યું હતું. સામાન્ય રીતે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કેરળમાં 1 જૂન સુધીમાં આવે છે અને 8 જુલાઈ સુધીમાં સમગ્ર દેશને આવરી લે છે. તે 17 સપ્ટેમ્બરની આસપાસ ઉત્તર પશ્ચિમ ભારતથી પરત ફરવાનું શરૂ કરે છે અને 15 ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણપણે પાછું જાય છે.
2009 પછીનું ચોમાસાનું આ સૌથી વહેલું આગમન
પરંતુ આ વખતે ચોમાસાના આઠ દિવસ પહેલા આવી ગયું છે. 2009 પછીનું આ સૌથી વહેલું આગમન છે. તે વર્ષે 23 મેના રોજ ચોમાસું રાજ્યમાં પહોંચ્યું હતું. કેરળમાં છેલ્લા અઠવાડિયામાં વરસાદમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
આઇએમડીના આંકડા મુજબ ગયા વર્ષે દક્ષિણના રાજ્યમાં 30 મેના રોજ ચોમાસું પહોંચ્યું હતું. 2023 માં 8 જૂને, 2022માં 29 મેના રોજ, 2021 માં 3 જૂને, 2020માં 1 જૂનના રોજ, 2019માં 8 જૂને અને 2018માં 29 મેના રોજ ચોમાસાનું આગમન થયું હતું.
હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર સમગ્ર દેશમાં ચોમાસાની શરૂઆતની તારીખ અને મોસમ દરમિયાનના કુલ વરસાદ વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. કેરળમાં ચોમાસાના વહેલા અથવા મોડા આગમનનો અર્થ એ નથી કે તે આ જ રીતે દેશના અન્ય ભાગોમાં પહોંચશે. એક અધિકારીએ કહ્યું કે તે મોટા પાયે પરિવર્તનશીલતા અને વૈશ્વિક, પ્રાદેશિક અને સ્થાનિક લાક્ષણિકતાઓ દ્વારા વર્ગીકૃત થયેલ છે.
આ પણ વાંચો - નીતિ આયોગની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું – વિકાસની ઝડપ વધારવી પડશે
એપ્રિલમાં આઇએમડીએ 2025ની ચોમાસાની સિઝનમાં સામાન્યથી વધુ સંચિત વરસાદની આગાહી કરી હતી, જેમાં ભારતીય ઉપખંડમાં સામાન્યથી ઓછા વરસાદ સાથે સંકળાયેલા અલ નીનોની સંભાવનાને નકારી કાઢી હતી.
છેલ્લા કેટલાક વર્ષોમાં કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું આગમન
| વર્ષ | ચોમાસાની તારીખ | વર્ષ | ચોમાસાની તારીખ |
| 2025 | 24 મે | 2016 | 8 જૂન |
| 2024 | 30 મે | 2015 | 5 જૂન |
| 2023 | 8 જૂન | 2014 | 6 જૂન |
| 2022 | 29 મે | 2013 | 1 જૂન |
| 2021 | 3 જૂન | 2012 | 4 જૂન |
| 2020 | 1જૂન | 2011 | 2 જૂન |
| 2019 | 8 જૂન | 2010 | 31 મે |
| 2018 | 29 મે | 2009 | 23 મે |
| 2017 | 30 મે |
ચોમાસું ક્યારે આવે છે?
સામાન્ય રીતે કેરળમાં 1 જૂન સુધીમાં ચોમાસું આવી જાય છે. છેલ્લે 2001 અને 2009 માં ચોમાસું કેરળમાં આટલું વહેલું પહોંચ્યું હતું. ત્યારે 23મી મે ના રોજ કેરળમાં ચોમાસાએ પ્રવેશ કર્યો હતો.
ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
હવામાન વિભાગે હળવા અને ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસો સુધી 15 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. બિહાર, ઝારખંડ અને ઓડિશામાં 26 મે સુધી ભારે વરસાદ પડી શકે છે.
આઇએમડીએ દેશના ત્રણ રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ખરાબ મોસમની ચેતાવણી સાથે કર્ણાટકના ઉત્તરા કન્નડ, ઉડુપી, દક્ષિણ કન્નડ, કોડાગુ, શિવમોગા અને ચિકમંગલુર જિલ્લામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કેરળના ઘણા જિલ્લાઓમાં 27 મે સુધી ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ભારે વરસાદની ચેતવણી સાથે ગોવામાં 25 મે સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us