Monsoon 2024 Start Rains reached Kerala : ભારતીય હવામાન વિભાગ (IMD) એ જાહેરાત કરી છે કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુરુવારે કેરળમાં તેની સામાન્ય તારીખ 1 જૂનની તારીખ કરતાં બે દિવસ વહેલા આવી ગયું છે. આ સાથે દેશમાં ચાર મહિના સુધી ચાલનારી મુખ્ય ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે.
તો, ઉત્તરપૂર્વ ભારતના કેટલાક ભાગોમાં પણ ચોમાસું પણ વહેલું આવી ગયું છે, જ્યાં તે સામાન્ય રીતે 2 થી 5 જૂનની વચ્ચે આવે છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડી ઉપર ચોમાસાની બંને શાખાઓ પૂરતી મજબૂત હોવાથી કેરળ અને પૂર્વ ભારતના વિસ્તારોમાં એક સાથે આગળ વધવું શક્ય બન્યું છે.
એક સપ્તાહ પહેલા IMD એ કેરળમાં 31 મેના રોજ ચોમાસાના આગમનની આગાહી કરી હતી. જો કે કેરળમાં છેલ્લા પખવાડિયાથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ગંભીર પૂર અને કેટલાક જળાશયોમાંથી પાણી છોડવામાં આવ્યું છે.
IMD ચોમાસાના આગમનની ઘોષણા કરવા માટેના કેટલાક નિયમોનું પાલન કરે છે. વરસાદ ઉપરાંત, કેરળ પર આઉટગોઇંગ લોંગ વેવ રેડિયેશન, દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના પવનોની ઊંડાઈ અને તીવ્રતાને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે આ બધાને સંતોષકારક રીતે જોડવામાં આવે છે, ત્યારે જ કેરળમાં ચોમાસાના આગમનની જાહેરાત કરવામાં આવે છે.
ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે?
જો ગુજરાતની વાત કરીએ તો, કેરળમાં બે દિવસ વહેલુ ચોમાસું પહોંચતા હવે મહારાષ્ટ્રમાં પણ 7-8 તારીખ સુધીમાં ચોમાસું વરસાદ પહોંચી શકે છે. આ અંતર્ગત ગુજરાતમાં 15 જૂનને બદલે 10 થી 13 તારીખ સુધીમાં ચોમાસાની પધરામણીના સંકેત મળી રહ્યા છે.
તેવી જ રીતે, ‘ગંભીર’ ચક્રવાત રેમાલ ની અસર આ અઠવાડિયાની શરૂઆતમાં પૂર્વ ભારતમાં જોવા મળી હતી, જેના કારણે ભારે વરસાદ અને ભૂસ્ખલન થયું હતું, જેના પરિણામે બે ડઝનથી વધુ લોકોના મોત થયા છે.
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દેશના 70 ટકાથી વધુ વરસાદ લાવે છે. દેશની વરસાદ આધારિત ખરીફ ખેતી અને જળાશયો અને ડેમની ભરપાઈ માટે જૂનથી સપ્ટેમ્બરનો સમયગાળો મહત્વપૂર્ણ છે.
IMD એ આગામી પાંચ દિવસમાં કેરળ, લક્ષદ્વીપ, માહે, આંદામાન અને અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને ગંગાના પશ્ચિમ બંગાળમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે.
ચોમાસું 2024 સારૂ રહેશે
2024ની ચોમાસાની સિઝન માટે, IMD એ ‘સામાન્યથી ઉપર’ એટલે કે સારા વરસાદનો અંદાજ મૂક્યો છે અને માત્રાત્મક રીતે, તે લાંબા-ગાળાની સરેરાશ સાથે (LPA) ના 106 ટકા વરસાદ રહેવાની ધારણા છે, જે 880.6 mm છે (1971-2020ના ડેટાના આધારે)..
કયા રાજ્યોમાં સામાન્યથી વધારે વરસાદ પડશે
કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, ઝારખંડના ઉત્તરીય વિસ્તારો, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને આસામ, બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબમાં સામાન્ય અથવા સામાન્યથી વધુ અને ઉત્તરાખંડમાં વધુ વરસાદની અપેક્ષા છે.
આ પણ વાંચો – Explained : ચોમાસું ક્યાં પહોંચ્યું? કેવી રીતે નક્કી થાય છે? સમજો ચોમાસાની શરૂઆત’નો અર્થ?
કયા રાજ્યોમાં સામાન્યથી ઓછો વરસાદ રહેવાની સંભાવના
તો જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, ઓડિશા અને પશ્ચિમ બંગાળના દક્ષિણ વિસ્તારોમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવના છે. જો આવું થાય તો, પૂર્વીય ભારતીય રાજ્યોમાં સતત સાતમી સિઝનમાં વરસાદની ખાધ જોવા મળશે, એમ IMD વરસાદના ડેટામાં જણાવાયું છે.





