Mumbai Attacks Accused Tahawwur Rana Extradition Case: મુંબઈ 26/11ના હુમલાના આરોપી તહવ્વુર રાણા ભારતને સોંપવામાં આવી શકે છે. તહવ્વુર રાણા ભારતને પ્રત્યાર્પણની દિશામાં એક ડગલું આગળ વધી રહ્યા છે કારણ કે અમેરિકાની સુપ્રીમ કોર્ટે તેમની ઇમરજન્સી સ્ટે અરજી ફગાવી દીધી છે. હવે તેમના વકીલે સીધા અમેરિકાના ચીફ જસ્ટિસ જ્હોન રોબર્ટ્સને અપીલ કરી છે.
તહવ્વુર રાણા એ અમેરિકાની ટોચની અદાલતમાં અરજી દાખલ કરીને ભારત પ્રત્યાર્પણ પર ઇમરજન્સી સ્ટે મૂકવાની માગણી કરી હતી અને દલીલ કરી હતી કે તેની ધાર્મિક ઓળખ અને સામાજિક પૃષ્ઠભૂમિને કારણે ભારતમાં તેની સતામણી અને હત્યા કરવામાં આવી શકે છે. જસ્ટિસ એલેના કેગેને તેની અરજી નકારી કાઢી હતી, જે પછી તેના વકીલે ચીફ જસ્ટિસને સીધી અપીલ કરી હતી.
રાણાની અરજીમાં કહેવામાં આવ્યું છે કે તે પાકિસ્તાની મૂળનો મુસ્લિમ છે અને પાકિસ્તાન આર્મીનો પૂર્વ સભ્ય છે, જેના કારણે કસ્ટોડિયલ ટોર્ચર થઈ શકે છે અને તેની તબિયતની સ્થિતિને કારણે તેનું મોત થઈ શકે છે. કારણ કે તે અનેક બીમારીઓથી પીડિત છે.
વકીલે એવી પણ દલીલ કરી હતી કે, ભારતમાં સરકાર વધુને વધુ નિરંશુક બની રહી છે અને તેમણે હ્યુમન રાઇટ્સ વોચ 2023 વર્લ્ડ રિપોર્ટને ટાંક્યો હતો, જેમાં ભાજપના નેતૃત્વવાળી સરકાર પર ધાર્મિક લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમો સાથે ભેદભાવ રાખવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ પર ટ્રમ્પની ઘોષણા
તહવ્વુર રાણા પાકિસ્તાની-અમેરિકન આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીનો જાણીતો સાથી છે, જે 26 નવેમ્બર, 2008ના રોજ થયેલા મુંબઈ હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંનો એક હતો. મુંબઇ હુમલામાં 174 લોકો માર્યા ગયા હતા. પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબા (એલઈટી)ને સમર્થન આપવા બદલ તેને અમેરિકામાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને ભારત લાંબા સમયથી તેના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું છે.
ગયા મહિને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાણાના ભારત પ્રત્યાર્પણની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતું કે તહવ્વુર રાણા ભારત પાછા જશે, જ્યાં તેમને ન્યાયનો સામનો કરવો પડશે. પીએમ મોદીએ આ પગલા માટે ટ્રમ્પનો આભાર પણ માન્યો હતો.
ભારત લાવવામાં આવ્યા બાદ તહવ્વુર રાણાને વિશેષ રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે, જેના પગલે એજન્સી પૂછપરછ માટે તેની કસ્ટડી માંગશે. ભારતીય એજન્સીઓ અને સરકાર માટે પ્રત્યાર્પણને મોટી સફળતા તરીકે જોવામાં આવી રહ્યું છે.
તહવ્વુર રાણાને ડેનમાર્કમાં નિષ્ફળ હુમલા માટે લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો, પરંતુ તે ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાંથી નિર્દોષ છૂટી ગયો હતો. જિલ્લા અદાલતે તહવ્વુર રાણાને 14 વર્ષની જેલની સજા ફટકારી હતી. આતંકી ડેવિડ હેડલીએ પણ કોર્ટમાં તહવ્વુર રાણા વિરુદ્ધ ગવાહી આપી હતી.





