Mumbai Hoarding Collapse | મુંબઈ હોર્ડિંગ કોલેપ્સ : ઘાટકોપર હોર્ડિંગ કેસના મુખ્ય આરોપી ભાવેશ ભીંડેની ઉદયપુરથી ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ પોલીસે ભાવેશ ભીંડેની રાજસ્થાનના ઉદયપુરથી ધરપકડ કરી છે. ઘાટકોપરમાં અકસ્માત બાદ તે ફરાર થઈ ગયો હતો. મુંબઈ પોલીસની 9 ટીમો સાત અલગ-અલગ રાજ્યોમાં તેને શોધવામાં વ્યસ્ત હતી. આજે સવારે તેને મુંબઈ લાવવામાં આવ્યો હતો, જ્યાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
ઈસ્ટ એક્સપ્રેસ વે પર ઘાટકોપરમાં પેટ્રોલ પંપની બાજુમાં ઈગો મીડિયા કંપની દ્વારા મુકવામાં આવેલ એક મોટું હોર્ડિંગ સોમવારે તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં 16 લોકોએ જીવ ગુમાવ્યા અને ઘણા ઘાયલ થયા. ઈગો કંપનીના માલિક ભાવેશ ભીંડે અને આ કંપનીના તમામ ડાયરેક્ટર, અધિકારીઓ, કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ મૃત્યુના આરોપનો પંતનગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના બાદ ભીંડેએ પોતાનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધો અને વારંવાર લોકેશન બદલતો રહ્યો હતો.
ઉદયપુરની એક હોટલમાંથી ધરપકડ
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ભાવેશ ઉદયપુરની એક હોટલમાંથી મળી આવ્યો હતો. મુંબઈમાં ઈગો મીડિયા કંપનીના ઘણા હોર્ડિંગ્સ છે. તેમની કંપની વિરુદ્ધ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ હેઠળ ઘણા કેસ નોંધાયેલા છે. રાજકીય નેતાઓની નજીક રહેલા ભીડે વિરુદ્ધ જાન્યુઆરીમાં મુલુંડ પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો. ભિડે આ કેસમાં જામીન પર છે અને પોલીસે આ કેસમાં ચાર્જશીટ પણ દાખલ કરી છે. ભિડેએ મુલુંડ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી પણ લડી હતી.
ગેરકાયદે હોર્ડિંગ્સ હટાવવાના પ્રયાસો શરૂ કરાયા
13 મેના રોજ હોર્ડિંગ પડી ગયા બાદની હવે રેસક્યુ કામગીરી બંધ કરી દેવામાં આવી છે. આ અકસ્માતને કારણે મુંબઈના લોકો ભારે દહેશતમાં છે. રેલવેની જમીન ઉપરાંત શહેરમાં નાના-મોટા 1025 હોર્ડિંગ્સ છે. BMC એ તમામ ગેરકાયદેસર અને મોટા કદના હોર્ડિંગ્સ હટાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે.
આ પણ વાંચો – મુંબઈમાં અચાનક વાતાવરણમાં પલટો, ભારે વરસાદ, ધૂળની ડમરીઓ ઉડી, હોર્ડિંગ ધરાશાયી
મ્યુનિસિપલ કોર્પોરેશને મધ્ય રેલ્વે અને પશ્ચિમ રેલ્વેને તેમની જમીનો પરના તમામ ગેરકાયદે હોર્ડિંગ્સને તાત્કાલિક ઓળખવા અને દૂર કરવા માટે નોટિસ પણ મોકલી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ BMC કમિશનર ભૂષણ ગગરાણી અને મુંબઈ પોલીસને અકસ્માતની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.





