Mumbai Rain: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ભારે વરસાદે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. ભારે વરસાદના કારણે લોકલ ટ્રેન સેવા પણ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. મોનોરેલ સર્વિસ ઉપર પણ અસર પડી છે. ભક્તિ પાર્ક અને મૈસુર કોલોની વચ્ચે ચાલતી મોનોરેલ અચાનક અટકી ગઇ હતી. ટ્રેનની અંદર મોટી સંખ્યામાં મુસાફરો પણ હાજર હતા. ક્રેન સાથે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને મુસાફરોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.
એસી બંધ થવાને કારણે મુસાફરો પરેશાન
આ ઘટના મંગળવારે સાંજે 6:15 વાગ્યાની આસપાસ બની હતી. મોનોરેલ એલિવેટેડ ટ્રેક પર બંધ થઇ જતા જ તેનું એસી પણ તરત જ બંધ થઇ ગયું હતું. થોડા સમય સુધી એસી ચાલુ ન થતાં અંદર બેઠેલા મુસાફરોને ગૂંગળામણ થવા લાગતાં તેઓ અકળાવા લાગ્યા હતા. મોનોરેલના દરવાજા બંધ છે અને એસી પણ બંધ છે. આવી સ્થિતિમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. પ્રશાસન દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. ઘણા મુસાફરો કાચ તોડીને બહાર નીકળવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે પ્રવાસીઓની સલામતી અમારી ટોચની પ્રાથમિકતા છે અને હું તમામ એજન્સીઓના સંપર્કમાં છું. તેમણે કહ્યું કે આ ઘટનાના કારણોની તપાસ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મોનોરેલ ટેકનિકલ ખામીને કારણે અટવાઇ ગઇ છે અને તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવશે.
આ પણ વાંચો – મુંબઈમાં ભારે વરસાદથી પાણી જ પાણી, જુઓ 10 તસવીરોમાં કેવી છે સ્થિતિ
ટ્રેનમાં ઓછામાં ઓછા 500 મુસાફરો હતા
મુસાફરોને બચાવવામાં બીએમસી, ફાયર વિભાગ અને પોલીસની ટીમો કામે લાગી છે. એક મુસાફર સુનિલે જણાવ્યું હતું કે હું સાંજે 5:30 વાગ્યાથી ટ્રેનમાં હતો. એક કલાક બાદ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ થયું હતું. ટ્રેનમાં ઓછામાં ઓછા 500 મુસાફરો હતા. આ ટ્રેન 30 મિનિટના અંતરાલમાં આવી હતી, તેથી આખી ટ્રેન મુસાફરોથી ભરેલી હતી.
મોનોરેલથી બચાવવામાં આવેલા એક મુસાફરે જણાવ્યું હતું કે મુસાફરો ધૈર્યવાન હતા. ઘણા વરિષ્ઠ નાગરિકો અને બાળકો ટ્રેનમાં છે અને તેઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રેનની અંદર ગૂંગળામણ એ મુખ્ય સમસ્યા હતી.





