Mumbai Local Train Blasts Case: વર્ષ 2006 મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટ કેસમાં અંદાજે 19 વર્ષ બાદ બોમ્બે હાઈકોર્ટે આજે નીચલી કોર્ટ દ્વારા દોષિત જાહેર કરાયેલા તમામ 12 લોકોને છોડી મૂકવા આદેશ કર્યો છે. આ બ્લાસ્ટમાં 189 લોકોના મોત થયા હતા અને 800થી વધુ લોકો ઘાયલ થયા હતા. અહીં નોંધનિય છે કે, વર્ષ 2015 માં નીચલી કોર્ટે આ તમામ 12 આરોપીઓને દોષી ઠેરવ્યા હતા અને એમાંના પાંચ આરોપીઓને મોતની સજા અને બાકીનાને આજીવન કેદની સજા સંભળાવી હતી.
મુંબઈ સહિત દેશને હચમચાવી દેનારા આ સિરિયલ બ્લાસ્ટ કેસ સંદર્ભે બાર એન્ડ બેન્ચના એક રિપોર્ટ અનુસાર, જસ્ટિસ અનિલ કિલોર અને જસ્ટિસ શ્યામ ચાંડકની બેન્ચે કહ્યું કે, પ્રોસિક્યૂશન આ કેસમાં આરોપ સાબિત કરવામાં અસફળ રહ્યું છે. એટલું જ નહીં કોર્ટે પ્રોસિક્યૂશનના તમામ સાક્ષીઓના નિવેદનોને પણ અવિશ્વસનિય ગણાવ્યા. કોર્ટે કથિત રીતે ટાંક્યું કે, ધમાકાના 100 દિવસ બાદ ટેક્સી ડ્રાઇવર તેમજ અંદર હાજર લોકો માટે આરોપીઓને યાદ રાખવાનું કોઇ નહીં નથી.
શું છે મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસ?
આ કેસ વિશે વાત કરીએ તો 11 જુલાઈ 2006 ના રોજ સિરિયલ બ્લાસ્ટ થયા હતા. જેમાં 189 લોકોના મોત થયા હતા અને 824 જેટલા લોકો ઘાયલ થયા હતા. જે સંદર્ભે મકોકા અંતર્ગત લાંબી સુનાવણી બાદ સ્પેશિયલ કોર્ટે ઓક્ટોબર 2015 માં પાંચ આરોપીઓને મોતની સજા અને સાત આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી હતી.
નીચલી કોર્ટે મોતની સજા સંભળાવી હતી
મકોકા હેઠળ ચાલેલા આ કેસમાં સ્પેશિયલ કોર્ટે કમાલ અંસારી, મોહમ્મદ ફૈસલ અતાઉર રહમાન શેખ, એહતેશામ કુતુબુદ્દીન સિદ્દીકી, નવીદ હુસૈન ખાન અને આસિફ ખાનને બોમ્બ લગાવવા મામલે દોષિત ઠેરવી મોતની સજા સંભળાવી હતી. જોકે કમાલ અંસારીનું 2021માં જેલમાં કોવિડને લીધો મોત થયું હતું.
સાતને આજીવન કેદ સંજા સંભળાવી હતી
સ્પેશિયલ કોર્ટે આ કેસમાં સાત આરોપીને દોષી માની આજીવન કેદની સજા સંભળાવી હતી. જેમાં તવનીર અહમદ અંસારી, મોહમ્મદ મજીદ શફી, શેખ મોહમ્મદ અલી આલમ, મોહમ્મદ સાજિદ મરગૂબ અંસારી, મુજમ્મિલ અતાઉર રહમાન શેખ, સુહેલ મહમૂદ શેખ અને મજીર અહમદ લતીફુર રહમાન શેખનો સમાવેશ હતો.





