મ્યાનમારમાં ભૂકંપથી 144 લોકોના મોત, થાઇલેન્ડમાં પણ તબાહી, ભારતીય દૂતાવાસે ઇમરજન્સી નંબર જાહેર કર્યો

Earthquake in Myanmar Thailand: મ્યાનમાર અને થાઈલેન્ડમાં જોરદાર ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઇ છે. મ્યાનમારમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.7 માપવામાં આવી હતી

Written by Ashish Goyal
Updated : March 28, 2025 22:25 IST
મ્યાનમારમાં ભૂકંપથી 144 લોકોના મોત, થાઇલેન્ડમાં પણ તબાહી, ભારતીય દૂતાવાસે ઇમરજન્સી નંબર જાહેર કર્યો
થાઇલેન્ડના બેંગકોકમાં ભૂકંપની બિલ્ડિંગ ધરાશાયી થઇ હતી (તસવીર - સોશિયલ મીડિયા)

Earthquake in Myanmar Thailand: મ્યાનમાર અને થાઈલેન્ડમાં જોરદાર ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઇ છે. મ્યાનમારમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.7 માપવામાં આવી હતી. મ્યાનમારમાં ભૂકંપને કારણે 144 લોકોના મોત થયાના અહેવાલ છે. આ સિવાય 500થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે. ભૂકંપ પછીના આંચકાઓને કારણે પણ ગભરાટ ફેલાયો છે. ઘણા વિસ્તારોમાં બચાવ કામગીરી ચાલી રહી છે.

જ્યારે થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં ભૂકંપ પછી નિર્માણાધીન 30 માળની ઇમારત ધરાશાયી થતાં 3 કામદારોના મોત થયા છે અને 81 લોકો કાટમાળમાં ફસાયા છે. થાઇલેન્ડના નાયબ વડા પ્રધાન ફુમથામ વેચાયચાઇએ જાણકારી આપી કે મ્યાનમારમાં 7.7 ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપને કારણે આ થયું છે. રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ભૂકંપનું કેન્દ્રબિંદુ મ્યાનમારમાં હતું, પરંતુ તેની અસર બેંગકોક સહિત ઘણા વિસ્તારોમાં અનુભવાઈ હતી. અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધી શકે છે અને બચાવ કામગીરી વધુ ઝડપી બનાવી દેવામાં આવી છે.

થાઇલેન્ડમાં ભારતીય દૂતાવાસે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો

થાઇલેન્ડમાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ બેંગકોકમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે એક ઇમરજન્સી નંબર જાહેર કર્યો છે. ભારતીય દૂતાવાસે કહ્યું કે અમે થાઈ અધિકારીઓ સાથે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ, અત્યાર સુધી કોઈપણ ભારતીય નાગરિકના જાનહાનિના કોઈ અહેવાલ નથી. બેંગકોકમાં ભારતીય દૂતાવાસ અને ચિયાંગ માઈમાં કોન્સ્યુલેટ જનરલના બધા સભ્યો સુરક્ષિત છે.

ભારતીય નાગરિકોને સતર્ક રહેવા અને જરૂર પડ્યે દૂતાવાસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. ઇમરજન્સી સંપર્ક નંબર: +66 618819218 છે. થાઇલેન્ડમાં ફસાયેલા ભારતીય નાગરિકો કોઈપણ કટોકટીની સ્થિતિમાં આ નંબર પર સંપર્ક કરી શકે છે.

આ પણ વાંચો – મ્યાનમાર થાઇલેન્ડમાં ભૂકંપ, કેમ આવે ધરતીકંપ છે અને શા માટે જમીન ધ્રુજે છે?

પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી, ભારતે મદદની ઓફર કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ આપદા પર અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી અને X પર પોસ્ટ કરીને કહ્યું કે ભારત તમામ શક્ય મદદ પૂરી પાડવા તૈયાર છે. તેમણે લખ્યું કે હું દરેકની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું, ભારત તમામ સંભવ સહાય પૂરી પાડવા માટે તૈયાર છે. આ સંદર્ભમાં અમે અમારા અધિકારીઓને તૈયાર રહેવા કહ્યું છે. સાથે વિદેશ મંત્રાલયને મ્યાનમાર અને થાઇલેન્ડની સરકારો સાથે સંપર્કમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ