અમેરિકાની અંતિરક્ષ સંશોધન કરતી સંસ્થા NASA એ તેના ચંદ્ર અને તેનાથી આગળ માનવ અવકાશ ઉડાન મિશનને તૈયાર કરવામાં મદદ કરવા માટે વોશિંગ્ટન સ્થિત તેના હેડક્વાર્ટરમાં મુન – ટુ – માર્સ પ્રોગ્રામ ઓફિસની (ચંદ્રથી મંગળ પ્રોગ્રામ ઓફિસ ) સ્થાપના કરી છે.
NASAના એડમિનિસ્ટ્રેટરના જણાવ્યા મુજબ, આ નવી ઓફિસ ચંદ્ર પર પ્રથમ માનવ ઉતરાણ સહિત મોટા મિશન હાથ ધરવામાં મદદ કરશે. આ વિભાગને ચંદ્ર પર લાંબા ગાળાની હાજરી સ્થાપિત કરવામાં મદદ કરવાનું કામ પણ સોંપવામાં આવ્યું છે.
મૂન ટુ માર્સ પ્રોગ્રામ ઓફિસ હાર્ડવેર ડેવલપમેન્ટ, મિશન ઇન્ટિગ્રેશન અને પ્રોગ્રામ્સ માટે રિસ્ક મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરશે જે નાસાના અવકાશ સંશોધનની કામગીરી માટે મહત્વપૂર્ણ હશે.
આ વિભાગમાં સ્પેસ લોંચ સિસ્ટમ (SLS) રોકેટ, ઓરિયન સ્પેસક્રાફ્ટ અને આર્ટેમિસ પ્રોગ્રામની ગ્રાઉન્ડ સપોર્ટ સિસ્ટમ્સ, માનવ લેન્ડિંગ સિસ્ટમ્સ, સ્પેસસુટ્સ અને ઘણી બધી કામગીરીઓ થશે. આ નવું મિશન મંગળ પર માનવ અસ્તિત્વના મિશનને ટેકો આપવા હેતુસર વિકાસ યોજન અને વિશ્લેષણની આગેવાની પણ કરશે.
આ વિભાગના વડા તરીકે ભારતીય મૂળના અમિત ક્ષત્રિયની નિમણુંક
નાસાએ તેના મૂન – ટુ – માર્સ મિશનની જવાબદારી ભારતીય મૂળના અમિત ક્ષત્રિયને સોંપી છે. નાસાએ કોમન એક્સપ્લોરેશન ડેવલપમેન્ટમાં કાર્યકારી ડેપ્યુટી એસોસિયેટ એડમિનિસ્ટ્રેટર તરીકે ફરજ બજાવતા અમિત ક્ષત્રિય આ નવી પ્રોગ્રામ ઓફિસના હેડ ઓફિસર તરીકે નિમણુંક કર્યા છે.
વર્ષ 2022માં NASA એ 30 દિવસ માટે મંગળ પર અવકાશયાત્રીઓ મોકલવાની યોજનાની ઘોષણા કરી હતી. અમેરિકાની અવકાશ એજન્સી વર્ષ 2030ના દાયકાના અંતમાં અથવા 2040ના દાયકાની શરૂઆતમાં લાલ ગ્રહ પર અવકાશયાત્રીઓને મોકલવાનું લક્ષ્ય રાખે છે, જે એક પડકારજનક કામગીરી છે.
જો પુરતા પ્રમાણમાં ભંડોળ મળે અને ટેકનોલોજી એડવાન્સ બને તો પણ પૃથ્વીથી મંગળ અને તેનાથી આગળના પ્રવાસમાં 500 દિવસ કરતા વધારે સમય લાગશે. રાસાયણિક અને ઇલેક્ટ્રિક પ્રોપલ્શન બંને દ્વારા સંચાલિત હાઇબ્રિડ રોકેટ સ્ટેજનો ઉપયોગ કરીને નાસાએ વિશાળ અવકાશયાનનો ઉપયોગ કરવાની કલ્પના કરી છે.
પ્રવાસ માટે વપરાતું વિશાળ અવકાશયાન એક મકાન જેવું હોવું જોઈએ જેથી અવકાશયાત્રીઓ ધરતી પરથી ઉડાન ભરે ત્યારથી લઈને પરત ધરતી પર આવે ત્યાં સુધી સલામત, સ્વસ્થ અને આરામદાયક મુસાફરી કરી શકે તેવી સુવિધા હોવી જોઇએ.
વાસ્તવિક મિશન શરૂથવાની પહેલાં નાસા એક અલગ રોબોટિક મિશન મોકલશે જે ઘણા બધી આવશ્યક સામગ્રીઓ – ચીજવસ્તુઓ મંગળ ગ્રહ પર પહોંચાડશે. આ રોબટ મિશન મંગળ પર અવકાશયાત્રીઓ ઉતરે ત્યાં સુધી રાહ જોશે. તેમાં અવકાશયાત્રીઓને મંગળની સપાટી પરથી ઉતરવા અને ગ્રહની આસપાસની ભ્રમણકક્ષામાં ફરવામાં મદદ કરવા માટે એક વ્હીકલ સામેલ થઈ શકે છે.