PM Modi Letter to Sunita Williams : ભારતીય-અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સની સ્વદેશ પરત ફરવાની સફર શરૂ થઈ ગઈ છે. તેમણે આજે સવારે 10.30 વાગ્યે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી પૃથ્વી પર ઉડાન ભરી હતી. બુધવારે સવારે 3.27 વાગ્યે તેમનું સ્પેસએક્સ ડ્રેગન લેન્ડ કરશે. સુનીતા વિલિયમ્સની સલામત વાપસીની આખી દુનિયા રાહ જોઈ રહી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુનિતા વિલિયમ્સને પરત ફરતા પહેલા લખેલો પત્ર સામે આવ્યો છે.
પીએમ મોદીએ આ પત્ર 1 માર્ચે લખ્યો હતો
પીએમ મોદીએ આ પત્ર 1 માર્ચે સુનીતા વિલિયમ્સને લખ્યો હતો. આ પત્રમાં તેમણે સુનિતાને સુરક્ષિત પરત ફરવાની શુભેચ્છા પાઠવી છે અને તેમને ભારતની પુત્રી ગણાવી છે. આ પત્ર વડાપ્રધાને સુનીતા વિલિયમ્સને જાણીતા અવકાશયાત્રી માઇક મેસિમિનો દ્વારા મોકલ્યો હતો. આ પત્ર કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે શેર કર્યો છે.
સુનીતા વિલિયમ્સને લખેલા આ પત્રમાં પીએમ મોદીએ લખ્યું છે કે હું તમને ભારતની જનતા તરફથી શુભકામનાઓ પાઠવું છું. આજે એક કાર્યક્રમમાં, હું મહાન અવકાશયાત્રી માઇક મેસિમિનોને મળ્યો. તેમની સાથે વાતચીત દરમિયાન તમારો ઉલ્લેખ થયો અને તેના પર ચર્ચા કરી કે અમને તમારા અને તમારા કાર્ય પર ગર્વ છે. આ વાતચીત પછી હું તમને આ પત્ર લખતા રોકી શક્યો નહીં. જ્યારે હું અમેરિકાની મારી મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને રાષ્ટ્રપતિ બિડેનને મળ્યો હતો, ત્યારે મેં તમારા ખબરઅંતર પૂછ્યા હતા.
ભારતના 1.4 અબજ લોકોને તમારી સિદ્ધિઓ પર હંમેશા માટે ગર્વ છે – પીએમ મોદી
પીએમ મોદીએ પત્રમાં લખ્યું છે કે ભારતના 1.4 અબજ લોકોને તમારી સિદ્ધિઓ પર હંમેશા માટે ગર્વ છે. તમે અમારાથી હજારો માઇલ દૂર છો, પરંતુ તમે અમારા હૃદયની નજીક છો. ભારતના લોકો તમારા સારા સ્વાસ્થ્ય અને તમારા મિશનની સફળતા માટે પ્રાર્થના કરે છે. બોની પંડ્યા તમારી આતુરતાથી રાહ જોતા હશે અને મને ખાતરી છે કે સ્વર્ગસ્થ દીપકભાઈની પ્રાર્થના તમારી સાથે છે.
મને યાદ છે કે 2016માં યુએસની મુલાકાત દરમિયાન અમે તમને મળ્યા હતા. તમારી વાપસી પછી અમને તમારા ભારત આવવાની રાહ જોઈ જોઇશું. પોતાની પુત્રીની ભારતમાં યજમાની કરવી અમારા માટે આનંદની વાત હશે. હું માઇકલ વિલિયમ્સને પણ મારી શુભકામનાઓ પાઠવું છું. તમારી અને બેરી વિલ્મરની સુરક્ષિત વાપસી માટે શુભેચ્છાઓ.
કેન્દ્રીય મંત્રી ડોક્ટર જિતેન્દ્ર સિંહે આ પત્ર શેર કર્યો
આ પત્રને શેર કરતા કેન્દ્રીય મંત્રી ડોક્ટર જિતેન્દ્ર સિંહે કહ્યું કે એવા સમયે જ્યારે આખી દુનિયા સુનીતા વિલિયમ્સની સુરક્ષિત વાપસીની રાહ જોઈ રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભારતની પુત્રીની સલામત વાપસીની આશા છે. અવકાશયાત્રી માઇક મેસિમિનો દ્વારા પીએમ મોદીએ સુનિતા વિલિયમ્સને લખેલો પત્રમાં 1.4 અબજ ભારતીયોના ગૌરવને પ્રતિબિંબિત કરે છે.
થોડા દિવસ પહેલા પીએમ મોદીએ એક કાર્યક્રમમાં મેસિમિનો સાથે મુલાકાત કરી હતી અને ભારતીયો તરફથી આ પત્ર સુનિતા વિલિયમ્સને મોકલવાની વિનંતી કરી હતી. આ પત્રમાં પીએમ મોદીએ સુનીતાને સુરક્ષિત પરત ફરવાની શુભેચ્છા પાઠવી હતી, તેમને ભારતની પુત્રી ગણાવી હતી. જ્યારે સુનિતાએ આ માટે પીએમ મોદી અને ભારતનો આભાર માન્યો હતો.