/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/National-Education-Day-2024.jpg)
National Education Day 2024: ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ દિન 11 નવેમ્બરે ઉજવાય છે. (Photo: Freepik)
National Education Day 2024: રાષ્ટ્રીય શિક્ષણ દિન દર વર્ષે 11 નવેમ્બરે ઉજવાય છે. ભારતમાં દેશના પ્રથમ શિક્ષણમંત્રી મૌલાના અબુલ કલામ આઝાદના સમ્માનમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ઉજવાય છે. તેઓ શિક્ષણ મંત્રી હોવા ઉપરાંત તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (આઈએનસી)ના સૌથી નાની ઉંમરના પ્રમુખ પણ હતા. માત્ર તેમની નેતાગીરીની કુશળતા જ નહીં, પરંતુ તેમના દીર્ઘદૃષ્ટા વિચારો અને વિચારસરણીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી) અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)ની સ્થાપના સાથે આધુનિક ભારતને આકાર આપ્યો.
મૌલાના અબુલ કલામ આઝાદ કોણ છે?
ભારત સરકારે દેશની શિક્ષણ વ્યવસ્થામાં મૌલાના અબુલ કલામ આઝાદના યોગદાનની યાદમાં સપ્ટેમ્બર 2008માં 11 નવેમ્બર રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી. મૌલાના અબુલ કલામ આઝાદનો જન્મ વર્ષ 1888માં 11 નવેમ્બરના રોજ સાઉદી અરબ મક્કામાં થયો હતો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/aulana-abul-kalam-azad.jpg)
National Education Day 2024: આઈઆઈટી અને યુજીસીની સ્થાપના
રાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણી મૌલાના અબુલ કલામ આઝાદના માનમાં કરવામાં આવે છે, જેઓ એક પ્રખ્યાત ભારતીય વિદ્વાન, સ્વાતંત્ર્ય સેનાની અને કેળવણીકાર હતા. ભારતની સ્વતંત્રતા અને રાષ્ટ્રનિર્માણમાં તેમનું પ્રદાન ઘણું મોટું હતું અને તેમનો વારસો વિવિધ ક્ષેત્રોમાં જળવાઈ રહ્યો છે. એવું કહેવામાં આવે છે કે તેઓ સ્વતંત્ર ભારતના અગ્રણી ઘડવૈયા છે અને આઈઆઈટી અને યુજીસીની સ્થાપનામાં મુખ્ય વ્યક્તિ રહ્યા છે.
National Education Day 2024: જામિયા મિલિયા ઈસ્લામિયાની સ્થાપના
શિક્ષણ મંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે મૌલાના અબુલ કલામ આઝાદના યોગદાનને માન આપવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 1920માં તેઓ ઉત્તર પ્રદેશના અલીગઢમાં જામિયા મિલિયા ઈસ્લામિયાની સ્થાપના માટે ફાઉન્ડેશન કમિટીમાં ચૂંટાયા હતા. બાદમાં 1934માં યુનિવર્સિટી કેમ્પસને નવી દિલ્હી ખસેડવામાં તેમની મહત્વની ભૂમિકા રહી હતી અને આજે કેમ્પસના મુખ્ય પ્રવેશદ્વાર પર તેમનું નામ અંકિત છે.
National Education Day 2024: ગરીબો અને કન્યાઓના શિક્ષણ માટે પ્રયાસ
ભારતના પ્રથમ શિક્ષણ પ્રધાન તરીકે, તેમણે આઝાદી પછીના ભારતમાં ગ્રામીણ ગરીબો અને કન્યાઓને શિક્ષણ આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમની પ્રાથમિકતાઓમાં પ્રૌઢ સાક્ષરતાને પ્રોત્સાહન આપવું, 14 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની ખાતરી કરવી, સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણનું વિસ્તરણ કરવું અને વ્યાવસાયિક તાલીમ પર ભાર મૂકવાની સાથે માધ્યમિક શિક્ષણમાં વિવિધતા લાવવાનો સમાવેશ થાય છે.
મૌલાના અબુલ કલામ આઝાદનું પ્રદાન સ્વાતંત્ર્ય ચળવળથી ઘણું આગળ હતું. શિક્ષિત, બિનસાંપ્રદાયિક અને એકીકૃત ભારત માટેની તેમની દીર્ઘદૃષ્ટિ દેશની પ્રગતિને અનેક રીતે આકાર આપે છે. ઉલ્લેખનીય છે કે, મૌલાના અબુલ કલામ આઝાદને તેમના અમૂલ્ય યોગદાન માટે 1992માં મરણોત્તર ભારત રત્ન, ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us