National Herald Case: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ નેશનલ હેરાલ્ડ કેસમાં મની લોન્ડરિંગના આરોપમાં કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય લોકો સામે ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં કોંગ્રેસના નેતા સામ પિત્રોડા અને સુમન દુબે પણ આરોપી તરીકે સામેલ છે. ચાર્જશીટ પર સંજ્ઞાન લેવા માટે સુનાવણી 25 એપ્રિલે નક્કી કરવામાં આવી છે. આ મામલામાં ઈડીએ 64 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી લીધી છે.
મની લોન્ડરિંગનો ગુનો કર્યો છે
ઇડી દ્વારા રાહુલ, સોનિયા ગાંધી અને અન્યો સામે પીએમએલએની કલમ 44 અને 45 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં આરોપ મુકવામાં આવ્યો છે કે આરોપી વ્યક્તિઓએ કલમ 3 હેઠળ મની લોન્ડરિંગનો ગુનો કર્યો છે.
કોર્ટે ઇડીને આગામી સુનાવણી પહેલા ફરિયાદની ક્લીન કોપી અને સંબંધિત કાગળો અને ઓસીઆર કોપી કોર્ટમાં જમા કરાવવાનો આદેશ આપ્યો હતો. હાલમાં આ કેસની સુનાવણી દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટની એસીજેએમ-03 કોર્ટમાં ચાલી રહી છે. આ કોર્ટમાં આ કેસની સુનાવણી એટલા માટે થઈ રહી છે કે જ્યારે કોઈ કેસ મની લોન્ડ્રિંગ અને ક્રાઈમ સાથે જોડાયેલો હોય ત્યારે બંને કેસની સુનાવણી એક જ કોર્ટમાં કરવાની હોય છે.
મામલાની સુનાવણી હવે 25 એપ્રિલે થશે
આ મામલાની સુનાવણી હવે 25 એપ્રિલે નક્કી કરવામાં આવી છે. આ દિવસે સરકારી વકીલ અને તપાસ અધિકારીને કેસ ડાયરી સાથે કોર્ટમાં હાજર રહેવાનું રહેશે.
આ પણ વાંચો – કોણ છે રામપાલ કશ્યપ, જેમને પીએમ મોદીએ પહેરાવ્યા શુઝ, એક પ્રતિજ્ઞાના કારણે 14 વર્ષથી ઉઘાડા પગે હતા
સુબ્રમણ્યમ સ્વામીએ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, તેમની સહયોગી કંપનીઓ અને અન્યો સામે ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ ગુરુગ્રામ જમીન મામલે આજે ઈડીની ઓફિસમાં પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની પૂછપરછ કરવામાં આવી હતી.





