navkar maha diwas : નવકાર મહામંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે 9 એપ્રિલના રોજ ભારત સહિત વિશ્વભરમાં સામૂહિક નવકાર મહામંત્રના જાપ થશે. આ વિશેષ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હીના વિજ્ઞાન ભવનથી જોડાશે. આ પ્રસંગે પીએમ મોદી ત્યાં હાજર લોકોને પણ સંબોધિત કરશે. વિશ્વભરના 108થી વધુ દેશોના લોકો વિશ્વ શાંતિ અને આત્મશુદ્ધિની ભાવના સાથે સામૂહિક રીતે સવારે 8:01 થી 9:36 સુધી નવકાર મહામંત્રનો જાપ કરશે.
JITO(જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન) અમદાવાદ તથા જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પને જન જન સુધી પહોંચાડવા 9 એપ્રિલે વિશ્વ નવકાર મહામંત્ર દિવસનું અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ કલ્યાણના અર્થે આ મહત્વપૂર્ણ આયોજન જૈન સમાજ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં એક સાથે 25 હજાર જૈનો નવકારમંત્રનું સામુહિક પઠન કરશે.
9 એપ્રિલ વિશ્વ નવકાર મહામંત્ર દિવસ નિમિત્તે વિશ્વ કલ્યાણના હેતુથી 100થી વધુ દેશોના શહેરોમાંથી ત્રણ લાખથી વધુ લોકો એક સાથે નવકાર મંત્રનો દોઢ કલાક જાપ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જૈન સાધુ-સાધ્વી ભગવંત સહિત સંતો-મહંતો પણ હાજર રહેશે. જીએમડીસી ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાશે.
પીએમ મોદી નવકાર મહામંત્રનું જાપ કરશે
આ ખાસ દિવસે સમગ્ર વિશ્વમાં નવકાર મંત્રનો સામૂહિક રીતે એક સાથે જાપ કરવામાં આવશે. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી નવકાર મહામંત્રનો જાપ પણ કરશે. ‘નમોકાર મહામંત્ર દિવસ’ આધ્યાત્મિક સમરસતા અને નૈતિક ચેતનાનો એક અનુપમ ઉત્સવ છે. આ દિવસ જૈન ધર્મના સૌથી પવિત્ર અને સાર્વભૌમિક મંત્ર – ‘નમોકાર મહામંત્ર’ ના સામૂહિક જાપ દ્વારા વિશ્વભરના લોકોને એક કરવાનો પ્રયાસ છે.
આ પણ વાંચો – ચમત્કારી છે નવકાર મંત્ર, જાણો અર્થ અને ગૂઢ રહસ્યો
108થી વધુ દેશોના લોકો જાપમાં સામેલ થશે
આ મંત્ર અહિંસા, વિનમ્રતા અને આધ્યાત્મિક વિકાસના મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત છે. તે જાગૃત આત્માઓના ગુણોને નમન કરે છે અને મનુષ્યોને આંતરિક શુદ્ધિ, સહિષ્ણુતા અને સામૂહિક કલ્યાણના માર્ગ પર અગ્રેસર હોવાની પ્રેરણા આપે છે. આ દિવસ તમામ વ્યક્તિઓને સ્વ-શુદ્ધિ, સહિષ્ણુતા અને સામૂહિક કલ્યાણના મૂલ્યો પર ચિંતન કરવા પ્રેરણા આપે છે. વિશ્વના 108થી વધુ દેશોના લોકો આ વૈશ્વિક શાંતિ અને એકતાના જાપમાં સંમેલન હશે.