Baba Siddique shot dead in Mumbai : મહારાષ્ટ્રની રાજધાની મુંબઈથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. એનસીપીના અજીત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીને ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તેમના બાંદ્રા વિસ્તારમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું, તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હતું. રિપોર્ટ્સ અનુસાર, તેમના પર 5થી 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી તેમને ત્રણ ગોળીઓ વાગી હતી. તેમને તાત્કાલિક લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતા પરંતુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર બાબા સિદ્દીકીને બાંદ્રા વિસ્તારમાં પોતાના પુત્ર ઝીશાન સિદ્દીકીની ઓફિસમાંથી બહાર નીકળતી વખતે ખેરવાડી સિગ્નલ પાસે ત્રણ ગોળી મારવામાં આવી હતી. પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બે લોકો ઝડપાયા હોવાની માહિતી મળી છે.
ફાયરિંગ દરમિયાન આરોપીઓ ફટાકડા પણ ફોડી રહ્યા હતા
રિપોર્ટ અનુસાર બાબા સિદ્દીકી રાત્રે લગભગ 9.15 વાગ્યે ઓફિસથી નીકળ્યા હતા. ફાયરિંગ દરમિયાન આરોપીઓ ફટાકડા પણ ફોડી રહ્યા હતા. આ દરમિયાન એક કારમાંથી આવેલા ત્રણ લોકોએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે ત્રણેય બદમાશોએ મોઢા પર રૂમાલ બાંધેલો હતો. જાણકારી અનુસાર એક ગોળી બાબા સિદ્દીકીના સહયોગીના પગમાં પણ વાગી હતી.
દેવેન્દ્ર ફડણવીસ લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે લીલાવતી હોસ્પિટલ પહોંચી ગયા છે. બીજી તરફ ભાજપના નેતા કિરીટ સોમૈયાએ કહ્યું કે બાબા સિદ્દીકીની હત્યા ચિંતાનો વિષય છે. સરકારે એક ખાસ ટીમ બનાવીને તેની તપાસ કરવી જોઈએ. તે ખૂબ મોટું કાવતરું લાગે છે. કડક કાર્યવાહી થવી જોઈએ.
આ પણ વાંચો – આરએસએસ ચીફ મોહન ભાગવતે કહ્યું – ભારત દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે
અજિત પવારે તમામ કાર્યક્રમો રદ કર્યા
બાબા સિદ્દીકીના હત્યાના સમાચારે મહારાષ્ટ્રના રાજકારણ અને બોલિવૂડ બંનેને હચમચાવી દીધા છે કારણ કે તેઓ ખૂબ જ લોકપ્રિયતા ધરાવતા હતા. એનસીપી નેતા અજિત પવારે પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે અને તેઓ મુંબઈ પરત ફરી રહ્યા છે.
કોણ હતા બાબા સિદ્દીકી?
બાબા સિદ્દિકી વિશે વાત કરીએ તો તેમનું પૂરું નામ બાબા ઝિયાઉદ્દીન સિદ્દીકી હતું. તેઓ વિદ્યાર્થી જીવનમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. બાબાએ એમએમકે કોલેજ, મુંબઈ ખાતે અભ્યાસ કર્યો હતો. કોંગ્રેસ પક્ષમાં જોડાયા બાદ બાબાએ નગરપાલિકાના કોર્પોરેટર તરીકે બે વખત કામ કર્યું હતું. આ પછી બાબા મહારાષ્ટ્ર વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટીમાંથી ત્રણ વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. બાબાને મુંબઈમાં જનનેતા તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષની શરૂઆતમાં બાબા સિદ્દીકીએ કોંગ્રેસ છોડી દીધી હતી અને અજિત પવાર જૂથના નેતૃત્વમાં એનસીપીમાં જોડાયા હતા.





