NDA Government Formation Updates : લોકસભા ચૂંટણીમાં એનડીએની બહુમતી બાદ ગઠબંધને આજે ભાજપના નેતા અને પીએમ નરેન્દ્ર મોદીને પોતાના નેતા તરીકે ચૂંટી કાઢ્યા હતા. જે પછી રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ તેમને સરકાર બનાવવાનું આમંત્રણ મોકલ્યું છે. પીએમ મોદીનો શપથ ગ્રહણ સમારોહ 9 જૂને સાંજે 7.15 વાગ્યે થશે. રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પછી પીએમ મોદીએ મીડિયાકર્મીઓ સાથે વાત કરતા કહ્યું છે કે 18મી લોકસભા ઝડપથી કામ કરશે અને વૈશ્વિક મંચ પર દેશની તાકાત પણ જોવા મળશે.
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને મળ્યા બાદ નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આજે તેઓ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિએ તેમને વડાપ્રધાન પદ માટે નામાંકિત કર્યા અને શપથ ગ્રહણ સમારંભ માટે આમંત્રણ આપ્યું છે. અમે તેમને કહ્યું છે કે 9 જૂન અમારા માટે શપથ લેવા માટે યોગ્ય દિવસ રહેશે.
દેશની અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે
નિયુક્ત પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે 10 વર્ષના આ કાર્યકાળમાં ભારત વિશ્વબંધુ તરીકે ઉભરી આવ્યું છે. તેનો સૌથી વધારે લાભ હવે મળવાનો શરુ થઇ રહ્યો છે. મને વિશ્વાસ છે કે આવનારા 5 વર્ષ વૈશ્વિક વાતાવરણમાં પણ ભારત માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે. વિશ્વ અનેક સંકટ, અનેક તણાવ, આપત્તિમાંથી પસાર થઈ રહ્યું છે.
આ પણ વાંચો – જેડીયુ નેતાએ વિપક્ષ પર કર્યો પ્રહાર, કહ્યું – INDIA ના કન્વીનર બનાવવા તૈયાર ન હતા અને હવે આપી રહ્યા છે પીએમની ખુરશી
આપણે ભારતીયો ભાગ્યશાળી છીએ કે આટલી મોટી કટોકટીઓ છતાં આજે આપણે વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વિકસતા અર્થતંત્ર તરીકે જાણીતા છીએ. વિકાસ માટે વિશ્વમાં આપણી પ્રશંસા થઈ રહી છે.
ત્રીજી વખત જનતાએ એનડીએને તક આપી
પીએમ મોદીએ કહ્યું છે કે આઝાદીના અમૃત મહોત્સવ બાદ આ પહેલી ચૂંટણી છે. ત્રીજી વખત એનડીએ સરકારને લોકોએ દેશની સેવા કરવાની તક આપી છે. હું દેશની જનતાને વિશ્વાસ અપાવું છું કે ગત બે ટર્મમાં જે ઝડપે દેશ આગળ વધ્યો છે, દરેક ક્ષેત્રમાં પરિવર્તન દેખાઈ રહ્યા છે. 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવાની ક્ષણ દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ છે. એનડીએ સરકાર તેનાથી પણ વધુ ઝડપથી કામ કરશે.