NEET UG Paper Leak: બિહાર સરકારના આર્થિક અપરાધ એકમ (EOU)એ શનિવારે કેન્દ્રને સુપરત કરેલા પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે તેની તપાસમાં સ્પષ્ટ પણે દેખાય છે કે નીટ-યુજી પરીક્ષામાં પેપર લીક થયું હતું. ઇન્ડિયન એક્સપ્રેસને આ માહિતી મળી છે.
કેન્દ્રએ ઇઓયુ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો, જેણે 5 મેના રોજ પરીક્ષા પછી તરત જ ચાર ઉમેદવારો સહિત 13 લોકોની ધરપકડ બાદ તપાસનો હવાલો સંભાળ્યો હતો. ઇઓયુ ટીમની આગેવાની એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ એન.એચ. ખાન કરી રહ્યા છે.
સૂત્રોએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગને મોકલવામાં આવેલા અમારા અહેવાલમાં વ્યાપકપણે ત્રણ મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે – અત્યાર સુધીના પુરાવાના આધારે પેપર લીક થયાનો સ્પષ્ટ સંકેત, આંતર-રાજ્ય ગેંગની સંભવિત સંડોવણી અને બિહારની કુખ્યાત સોલ્વર ગેંગ ની શંકાસ્પદ ભૂમિકા.
આ ધ ઇન્ડિયન એક્સપ્રેસના અગાઉના અહેવાલને અનુરૂપ છે. “અમે અમારી તપાસ દરમિયાન મળેલા કેટલીક સંપર્કો પર કામ કરી રહ્યા છીએ જે પેપર લીકનો સંકેત આપે છે.
કેન્દ્ર સરકારને મોકલવામાં આવેલા 6 પાનાના ઇઓયુ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, કથિત પ્રશ્નપત્રની ફોટોકોપીના સળગેલા અવશેષો જપ્ત કરવા, આરોપીઓની પૂછપરછ અને કબૂલાતનામા નિવેદનો અને અન્ય બે પરીક્ષાર્થીઓની પૂછપરછ લીક થવાનો સંકેત આપે છે.
આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, કેવી રીતે તમામ આરોપીઓએ પોલીસ સમક્ષ જુબાની આપી હતી કે ધરપકડ કરાયેલા ચાર ઉમેદવારોએ રાજબંશી નગરમાં એક સ્થળે રહીને લીક થયેલા પ્રશ્નપત્રના જવાબો યાદ રાખ્યા હતા. આખરે ચારેયને 720માંથી 581, 483, 300 અને 185 માર્કસ મળ્યા હતા.
આ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઝારખંડમાં મૂળ ધરાવતી આંતર-રાજ્ય ગેંગની સંડોવણીના પુરાવા પણ મળ્યા છે, જેણે બિહારમાં ‘સોલ્વર ગેંગ’ સાથે નજીકથી કામ કર્યું હતું. ઇઓયુ એ તાજેતરમાં ઝારખંડના ચાર લોકોની અટકાયત કરી હતી અને નાલંદાના સંજીવ મુખિયાની ધરપકડ કરી હતી, જે કથિત રીતે ‘સોલ્વર ગેંગ’નો કિંગપિન છે.
ઇઓયુને શંકા છે કે નાલંદાની ‘સોલ્વર ગેંગ’ના સભ્યોએ પ્રશ્નપત્ર ઝારખંડથી ખરીદ્યું હતું અને નિષ્ણાંતોની મદદથી તેને સોલ્વ કર્યું હતું અને ત્યારબાદ તેને અન્ય બે આરોપીઓ પટનાના નીતિશ કુમાર અને ખગડિયાના અમિત આનંદને સોંપ્યું હતું. દાનાપુર મ્યુનિસિપલ કાઉન્સિલના જુનિયર એન્જિનિયર સિકંદર પી.યાદવન્દુ, જેઓ આ કેસના અન્ય મુખ્ય આરોપી છે, તેમણે કથિત રીતે આ ચારેય ઉમેદવારોને નીતિશ અને અમિતના સંપર્કમાં લાવ્યા હતા.
પેપર લીકનું ષડયંત્ર અને પુરાવા
4 મેની રાત્રે જ્યારે નીટના ચાર ઉમેદવારો કથિત રીતે સોલ્વ કરેલા પેપર યાદ કરી રહ્યા હતા. પટના પોલીસને ઝારખંડના એક પોલીસ અધિકારીનો ફોન આવ્યો હતો કે બીજા દિવસની પરીક્ષા લીક થઈ શકે છે. તપાસ અધિકારીઓએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે પટણા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી, પરંતુ તેઓ તરત જ આરોપીઓના ઠેકાણા શોધી શક્યા ન હતા.
બીજા દિવસે બિહારના 27 મથકો પર પરીક્ષા લેવામાં આવી હતી. 5 મેની બપોર સુધીમાં, શાસ્ત્રી નગર પોલીસ સ્ટેશનને રાજબંશી નગરના એક મકાનમાં કેટલાક શકમંદો એકઠા થવાની ચોક્કસ કડીઓ મળી હતી. ત્રણ ટીમો બનાવવામાં આવી – એકે ઘરમાં દરોડા પાડીને સળગેલા પ્રશ્નપત્રને જપ્ત કર્યું હતું. બીજી ટીમે આ વિસ્તારના એક પરીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી અને એક ઉમેદવાર અને તેના પિતાની ધરપકડ કરી હતી. અને ત્રીજી ટીમે મુખ્ય આરોપી જુનિયર એન્જિનિયર યાદવેન્દુને શોધવાનું શરૂ કર્યું.
યાદવેન્દુએ વધુ શકમંદોના નામ અને ઠેકાણાનો ખુલાસો કર્યા બાદ પોલીસે વધુ ત્રણ ઉમેદવારો તેમજ નીતિશ અને અમિત સહિત ચાર ‘સેટર્સ’ની ધરપકડ કરી હતી. 5 મેના રોજ સબ-ઇન્સ્પેક્ટર તેજ નારાયણ સિંહ સમક્ષ 13 આરોપીઓના કબૂલાતભર્યા નિવેદનો નોંધવામાં આવ્યા હતા.
7 મેના રોજ ધરપકડ જાહેર થઈ – ત્યાં સુધીમાં તમામ 13 આરોપીઓને ગુનાહિત વિશ્વાસઘાત અને ગુનાહિત કાવતરાના આરોપ હેઠળ ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. પટણા પોલીસે શરૂઆતમાં તેને પેપર લીક કહેવાનું ટાળ્યું હતું, જોકે કબૂલાતભર્યા નિવેદનો સૂચવે છે કે તે પેપર લીક હતું. દબાણ વધતાં બિહાર સરકારે 11 મેના રોજ સ્વતંત્ર તપાસ એજન્સી ઇઓયુને તપાસ સોંપી હતી.
ઇઓયુએ વધુ સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે સળગેલા પ્રશ્નપત્રો અને પોસ્ટ-ડેટેડ ચેક જેવા પુરાવાના આધારે પેપર લીક થયું હતું. પોલીસને આપેલા કબૂલાતભર્યા નિવેદનમાં નીતીશે કહ્યું હતું કે તેમણે યાદવેન્દુ પાસેથી દરેક વિદ્યાર્થી માટે 30 લાખ રૂપિયાની માંગ કરી હતી, જ્યારે યાદવેન્દુએ કથિત રીતે દરેક ઉમેદવાર પાસેથી 40 લાખ રૂપિયાની માંગ કરી હતી.
આ પણ વાંચો | પ્રદીપ સિંહ કરોલા NTAના નવા ડિરેક્ટર, કેન્દ્ર સરકારે સુબોધ કુમાર સિંહને હટાવ્યા
ઇઓયુએ વધુ નવ પરીક્ષાર્થીઓને પણ કારણદર્શક નોટિસ ફટકારી છે, જેઓ આ લીકના કથિત લાભાર્થીઓ હોવાની શંકા છે. નવમાંથી બે અત્યાર સુધીમાં યુનિટ સમક્ષ હાજર થયા છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે, “અમે આખી વાર્તાને ફરીથી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ … સળગેલું પ્રશ્નપત્ર હજારીબાગ પરીક્ષા કેન્દ્રનું હોઈ શકે છે. ખાનની આગેવાની હેઠળની ઇ.ઓ.યુ.યુ.ની એક ટીમ પણ શિક્ષણ મંત્રાલયને કેસની પ્રગતિ વિશે માહિતી આપવા દિલ્હી ગઈ હતી.