Nepal Gen Z Protest Updates : નેપાળમાં સતત બીજા દિવસે પ્રદર્શનકારીઓના પ્રદર્શન યથાવત્ છે. મંગળવારે પ્રદર્શનકારીઓએ સાર્વજનિક રુપથી એકત્ર થવા પર લાગેલા પ્રતિબંધોનો વિરોધ કરીને “વિદ્યાર્થીઓને ન મારો” જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. મોટાભાગના પ્રદર્શનકારીઓ વિદ્યાર્થીઓ છે. ભારે વિરોધ પ્રદર્શનના કારણે નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપ્યું છે. પ્રદર્શન દરમિયાન અત્યાર સુધીમાં 19 લોકોના મોત થયા છે. 400 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.
વિરોધને કારણે નેપાળી સરકાર ઝૂકી
આ પહેલા નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ મોડી રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાદવામાં આવેલ પ્રતિબંધ હટાવી લીધો હતો. નેપાળના સંચાર મંત્રી પૃથ્વી સુબ્બા ગુરુંગે પીએમ સાથે ઉચ્ચ સ્તરીય કટોકટી બેઠક સમાપ્ત થયા બાદ પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે સરકારે જનતાની લાગણીઓ અને દેશની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.
ભારત નેપાળના ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યું છે
વિદેશ મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે ભારત નેપાળમાં વિરોધ પ્રદર્શન દરમિયાન અનેક યુવાનોના મોતથી ખૂબ દુઃખી છે અને આશા રાખે છે કે મુદ્દાઓ શાંતિપૂર્ણ રીતે ઉકેલાશે. મંત્રાલયે એમ પણ કહ્યું કે ભારત પડોશી દેશમાં થયેલા ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યું છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે એક નજીકના મિત્ર અને પાડોશી તરીકે અમને આશા છે કે બધા પક્ષો સંયમ રાખશે અને શાંતિપૂર્ણ માધ્યમો અને વાતચીત દ્વારા કોઈપણ મુદ્દાનો ઉકેલ લાવશે.
આ પણ વાંચો – નેપાળમાં પ્રદર્શન કરનાર કોણ છે Gen Z? અહીં જાણો આ ‘ડિજીટલ જનરેશન’ વિશે બધી જ માહિતી
નેપાળના ભૂતપૂર્વ વડા પ્રધાન માધવ નેપાળના ઘરને આગ લગાવી દીધી
નેપાળમાં ઝેડ જી વિરોધ દરમિયાન ભૂતપૂર્વ વડા પ્રધાન માધવ કુમાર નેપાળના ઘરને આગ લગાવી દેવામાં આવી હતી. નેપાળી અખબાર નાગરિક દૈનિકે માધવ નેપાળના ક્ષતિગ્રસ્ત ઘરના ચિત્રો શેર કર્યા છે. માધવ નેપાળ નેપાળ સીપીએન-યુનિફાઇડ સોશિયાલિસ્ટના કમ્યુનિસ્ટ જૂથના પ્રમુખ છે.
પીએમ કેપીએસ ઓલીના નિવાસસ્થાને આગ લગાવવામાં આવી
લલિતપુરના ભૈસપતિમાં હેલિકોપ્ટર ઉડતા જોવા મળ્યા હતા. આંદોલનકારીઓએ ભક્તપુરના બાલકોટમાં પ્રધાનમંત્રી ઓલીના નિવાસસ્થાને આગ લગાવી દીધી હતી. ઓલી હાલમાં બલવતારમાં પ્રધાનમંત્રી નિવાસસ્થાને છે.
લલિતપુરના ખુમલતારમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ના નિવાસસ્થાને પણ પ્રદર્શનકારીઓએ તોડફોડ કરી હતી. પૂર્વ પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉબાના ઘરની સામે પણ વિરોધ પ્રદર્શન થયા હતા.