Who is Balen Shah : નેપાળ હાલમાં ભારે વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા છે. લાખો વિદ્યાર્થીઓ અને યુવાનો રસ્તા પર ઉતર્યા છે. નેપાળમાં તેને Gen Z આંદાલન નામ આપવામાં આવ્યું છે. આ કારણે આખરે વડા પ્રધાન કેપી શર્મા ઓલીને તેમના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. આ સમગ્ર ઘટનાના કેન્દ્રમાં એક નામ ઉભરી આવ્યું છે તે છે બાલેન્દ્ર શાહ, જે બાલેન શાહ તરીકે પણ ઓળખાય છે.
કાઠમંડુ મેટ્રોપોલિટન સિટીના મેયર બાલેન શાહે Gen Z પ્રદર્શનકારીઓને ચાલી રહેલી અશાંતિ વચ્ચે સંયમ રાખવાની હાકલ કરી છે. સોશિયલ મીડિયા પર શેર કરેલા એક સંદેશમાં બાલેન શાહે દેશભરમાં વધતા તણાવ વચ્ચે શાંતિ જાળવવાની અપીલ કરી છે. તેમણે લખ્યું કે હવે તમારે અને મારે સંયમ રાખવો પડશે. તમારી પેઢીએ હવેથી દેશનું નેતૃત્વ કરવું પડશે. તૈયાર રહો.
બાલેન શાહનો રાજકારણમાં પ્રવેશ
બાલેન શાહ કાઠમંડુના મેયર છે. રાજકારણમાં પ્રવેશતા પહેલા બાલેન શાહે રેપર અને કલાકાર તરીકે ઓળખ બનાવી હતી. તેમણે હંમેશા પોતાના રેપમાં સામાજિક મુદ્દાઓ, યુવાનોની મુશ્કેલીઓ અને ભ્રષ્ટાચારને અવાજ આપ્યો હતો. આ જ કારણ છે કે તે ધીમે ધીમે યુવાનોના હૃદયમાં પ્રવેશવા લાગ્યા. આ ઉપરાંત તેમણે સિવિલ એન્જિનિયરિંગમાં કારકિર્દી બનાવી હતી.
2022માં બાલેન શાહે અપક્ષ ઉમેદવાર તરીકે કાઠમંડુમાં મેયરની ચૂંટણી જીતી હતી. તેમને ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરન્સ, શહેરની શેરીઓની સફાઈ, સરકારી સ્કૂલોમાં સુધારો કરવો અને કરચોરી કરતી ખાનગી સંસ્થાઓ પર કડક કાર્યવાહી જેવા સુધારાઓ રજૂ કરવા માટે જાણીતા છે.
બાલેન શાહની પારિવારિક પૃષ્ઠભૂમિ
જ્યારે બાલેન્દ્ર શાહ કાઠમંડુના મેયરની ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે તેમના પિતરાઈ ભાઈ પ્રશાંત શાહે કાઠમંડુ પોસ્ટ અખબારને જણાવ્યું હતું કે બાલેન નાનપણથી જ કાઠમંડુના વહીવટથી અસંતુષ્ટ હતા. પ્રશાંત શાહના જણાવ્યા અનુસાર, બાલેન કહેતા હતા કે કાઠમંડુ એક સુંદર શહેર છે અને તેને જીવવા યોગ્ય બનાવી શકાય છે. પ્રશાંતના જણાવ્યા અનુસાર ચૂંટાયેલા રાજકારણીઓની નિષ્ફળતાને કારણે બાલેન મેયરની ચૂંટણી લડવા માટે પ્રેર્યા હતા.
આ પણ વાંચો – નેપાળના પીએમ કેપી શર્મા ઓલીનું રાજીનામું, પ્રદર્શનકારીઓના કબજામાં સંસદ ભવન
બાલેનનો પરિવાર મૂળ મહોતરી જિલ્લાનો છે. બાલેનનો જન્મ 27 એપ્રિલ 1990ના રોજ કાઠમંડુના નારાદેવી વિસ્તારમાં થયો હતો. તેમના પિતા ડો.રામ નારાયણ શાહ આયુર્વેદિક ડોક્ટર છે. હાલમાં તેમનો પરિવાર ત્રિભુવન એરપોર્ટ નજીક ગેરીગાંવમાં રહે છે. બાલેન શાહે વર્ષ 2018માં સબીના કાફલે સાથે લગ્ન કર્યા હતા, જે જાહેર આરોગ્ય ક્ષેત્રે કામ કરે છે.
ટાઇમ મેગેઝિનમાં મળ્યું હતું સ્થાન
બાલેન શાહે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઘણું ધ્યાન ખેંચ્યું છે. ટાઇમ મેગેઝિને તેમને ટોચના 100 ઉભરતા નેતાઓની યાદીમાં સામેલ કર્યા છે, જ્યારે ન્યૂયોર્ક ટાઇમ્સે તેમની પારદર્શિતા અને જમીની સ્તરની રાજનીતિના વખાણ કર્યા છે. બાલેને સમગ્ર આંદોલનને પોતાનું સમર્થન આપ્યું હતું. વડા પ્રધાન કેપી શર્મા ઓલીના નામ પછી બાલેનનું નામ વિકલ્પ તરીકે સામે આવી રહ્યું છે. લોકો કહી રહ્યા છે કે પરંપરાગત રાજકારણમાં ફેરફાર કરવાનો અને પ્રામાણિક અને યુવા નેતૃત્વને તક આપવાનો સમય આવી ગયો છે.