Nepal Gen Z protest : નેપાળની રાજધાની કાઠમાંડૂમાં ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ સહિત અન્ય ઘણા સોશિયલ મીડિયા પર પ્રતિબંધ સામે હજારો યુવાનોએ વડાપ્રધાન કેપી શર્મા ઓલીની સરકાર સામે મોરચો ખોલ્યો છે. આ પ્રદર્શન દરમિયાન ઘણા લોકો સંસદ ભવનમાં પણ ઘુસી ગયા હતા. સાથે જ આ પ્રદર્શનને જોતા સરકારે કાઠમાંડૂમાં પણ કર્ફ્યૂ લગાવી દીધો છે.
વિરોધ પ્રદર્શનમાં કોણ કોણ સામેલ છે?
રાજધાની કાઠમાંડૂમાં હજારો લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જેમાં મોટાભાગના યુવાનો છે. આ જ કારણ છે કે આ પ્રદર્શનને ‘જેન-ઝેડ રિવોલ્યુશન'(Gen-Z Revolution) નામ આપવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ અને ખાસ કરીને નવી પેઢીના યુવાનો સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે.
શું છે સમગ્ર મામલો?
ઓલી સરકારે 4 સપ્ટેમ્બરના રોજ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વોટ્સએપ, રેડિટ અને એક્સ જેવી કુલ 26 સોશિયલ મીડિયા એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારથી યુવાનો આ એપ્સ પરનો પ્રતિબંધ દૂર કરવાની માગણી કરી રહ્યા હતા. જો કે સરકાર દ્વારા કોઇ કાર્યવાહી ન કરવામાં આવતા સોમવારે રાજધાની કાઠમાંડૂ સહિત અનેક શહેરોમાં હજારો યુવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજધાનીમાં ઘણા પ્રદર્શનકારીઓ પોલીસ બેરિકેડ્સ તોડીને અને દરવાજા કૂદીને સંસદ સંકુલમાં પ્રવેશ્યા હતા.
આ પણ વાંચો – નેપાળ સંસદમાં ઘૂસ્યા પ્રદર્શનકારી, સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન
કોણ છે Gen Z?
Gen Z એ એક જનરેશન એટલે કે પેઢી છે. જેમને Generation Z કહેવામાં આવે છે. તેમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેમનો જન્મ 1997થી 2012 વચ્ચે થયો છે. એટલે કે આજના સમયમાં આ લોકો મોટાભાગે ટીનએજ અને યુવાનો જ હોય છે. જનરલ ઝેડ લોકો ડિજિટલ ટેકનોલોજી, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા અને સ્માર્ટફોન સાથે મોટા થયા છે. આ પેઢીના લોકો સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ રહે છે.
Gen Z લોકોની શું છે ખાસિયત?
- Gen Z વાળા યુવાનો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએંસર હોય છે. એટલે કે તેમનું બાળપણ મોબાઇલ, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા અને ગેમિંગ સાથે વીત્યું છે.
- તેમને સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ બનાવવું, નવા આઇડિયા વિચારવા અને આર્ટિસ્ટિક કાર્ય કરવું ગમે છે. આ લોકો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબ જેવા ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની ક્રિએટિવિટી બતાવે છે.
- Gen Z લિંગ સમાનતા સહિતના ઘણા મુદ્દાઓ પર પોતાનો અવાજ ઉઠાવે છે અને સમાજમાં પરિવર્તન લાવવા માટે ઓનલાઇન ઝુંબેશ અને આંદોલન ચલાવે છે.
- તેઓ સોશિયલ મીડિયા દ્વારા પોતાની સંસ્કૃતિને સ્થાપિત કરી રહ્યા છે, દરરોજ નવી વસ્તુઓ અપનાવી રહ્યા છે અને નવા ટ્રેન્ડ સેટ કરી રહ્યા છે.
- Gen Z લોકો ક્રિએટિવ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે અને પોતાના પ્રેઝનટેશન સ્કિલને સતત અપડેટ કરે છે.
- ટેકનોલોજીમાં જનરલ ઝેડ યુવાનો સૌથી આગળ છે.
Gen Z નેપાળમાં આક્રમક કેમ થઈ રહ્યા છે?
નેપાળી સરકારે કુલ 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવ્યા બાદ હજારો યુવાનો રોષે ભરાયા છે. તેમનું કહેવું છે કે નેપાળમાં યુવાનોને નોકરી મળી રહી નથી. યૂટ્યૂબથી હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ એપ પર પ્રતિબંધ લગાવ્યા બાદ તેમનો અભ્યાસ પણ ઠપ્પ થઇ ગયો છે. કેટલાક કહે છે કે ઘણા લોકો સોશિયલ મીડિયા દ્વારા સારી કમાણી કરી રહ્યા હતા, પરંતુ પ્રતિબંધ પછી, હવે તે શક્ય બનશે નહીં.