Nepal Gen Z Protest : નેપાળના Gen Z પ્રદર્શનકારીઓએ વાતચીત માટે પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીને પોતાના વચગાળાના નેતા પ્રસ્તાવિત કર્યા છે. લગભગ ચાર કલાક ચાલેલી વર્ચ્યુઅલ બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
સુશીલા કાર્કીએ 11 જુલાઈ 2016ના રોજ નેપાળના ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા હતા. તેમનો જન્મ 7 જૂન 1952ના રોજ બિરાટનગરમમાં થયો હતો. તેમના પતિ દુર્ગા સુબેદી નેપાળી કોંગ્રેસના નેતા છે. સુશીલા કાર્કીએ વારાણસીની કાશી હિન્દુ યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં એમ.એ. કર્યું છે. તેમણે બીએ અને એલએલબીનો અભ્યાસ અનુક્રમે મહેન્દ્ર મોરાંગ કેમ્પસ અને ત્રિભુવન યુનિવર્સિટી માંથી કર્યું છે.
સુશીલા કાર્કીએ 1979માં બિરાટનગર કોર્ટમાં વકીલ તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. 2007માં તેઓ સિનિયર એડવોકેટ બન્યા હતા. 2009માં તેઓ સુપ્રીમ કોર્ટના અસ્થાયી ન્યાયાધીશ બન્યા હતા. 18 નવેમ્બર 2010ના રોજ તેઓ સુપ્રીમ કોર્ટના કાયમી ન્યાયાધીશ બન્યા હતા. 7 જૂન, 2017 ના રોજ તેઓ નેપાળની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિવૃત્ત થયા હતા.
કેપી શર્મા ઓલીનું પીએમ પદેથી રાજીનામું
નેપાળમાં ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ સહિત અન્ય ઘણા સોશિયલ મીડિયા પર પ્રતિબંધ સામે હજારો યુવાનોએ વડાપ્રધાન કેપી શર્મા ઓલીની સરકાર સામે મોરચો ખોલ્યો છે. ભારે વિરોધ પ્રદર્શન થતા કેપી શર્મા ઓલીએ પીએમ પદેથી રાજીનામું આપી દીધું છે.
આ પણ વાંચો – નેપાળમાં ફસાયેલા ભારતીય પ્રવાસીની આપવીતી, વીડિયો શેર કરી મદદ માંગી
ભારત નેપાળના ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યું છે
વિદેશ મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે ભારત નેપાળમાં વિરોધ પ્રદર્શન દરમિયાન અનેક યુવાનોના મોતથી ખૂબ દુઃખી છે અને આશા રાખે છે કે મુદ્દાઓ શાંતિપૂર્ણ રીતે ઉકેલાશે. મંત્રાલયે એમ પણ કહ્યું કે ભારત પડોશી દેશમાં થયેલા ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યું છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે એક નજીકના મિત્ર અને પાડોશી તરીકે અમને આશા છે કે બધા પક્ષો સંયમ રાખશે અને શાંતિપૂર્ણ માધ્યમો અને વાતચીત દ્વારા કોઈપણ મુદ્દાનો ઉકેલ લાવશે.