નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન, 19 લોકોના મોત

Nepal protest : નેપાળ વડાપ્રધાન કેપી ઓલીની સરકારે 4 સપ્ટેમ્બરથી દેશમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વોટ્સએપ, રેડિટ અને એક્સ જેવી 26 સોશિયલ મીડિયા એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો છે જેના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન થઇ રહ્યા છે. પ્રદર્શનકારીઓનું ટોળું આજે સંસદમાં ઘૂસી ગયું હતું

Written by Ashish Goyal
Updated : September 08, 2025 19:52 IST
નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન, 19 લોકોના મોત
નેપાળમાં સોશિયલ મીડિયા પરના પ્રતિબંધના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. હિંસક ઘટનામાં પણ બની છે (તસવીર - સોશિયલ મીડિયા)

Nepal protest : નેપાળ વડાપ્રધાન કેપી ઓલીની સરકારે 4 સપ્ટેમ્બરથી દેશમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વોટ્સએપ, રેડિટ અને એક્સ જેવી 26 સોશિયલ મીડિયા એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો છે જેના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન થઇ રહ્યા છે. પ્રદર્શનકારીઓનું ટોળું આજે સંસદમાં ઘૂસી ગયું હતું. વિરોધ પ્રદર્શનમાં હિંસક ઘટના પણ સામે આવી હતી. જેમાં 19 લોકોના મોત થયા છે અને ઘણા ઇજાગ્રસ્ત થયા છે.

નેપાળમાં સોશિયલ મીડિયા પરના પ્રતિબંધના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. હજારો યુવાનોએ આજે કાઠમંડુ સહિત અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન સોશિયલ મીડિયા પર પ્રતિબંધ, ભ્રષ્ટાચાર અને આર્થિક મંદીના વિરોધમાં છે. વડાપ્રધાન કેપી શર્મા ઓલીની સરકાર સામે Gen-Z ક્રાંતિ શરૂ થઈ છે. વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓ આજે સંસદ ભવનમાં પ્રવેશી ગયા હતા.

પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને કાઠમંડુના કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. વિરોધ પ્રદર્શન દરમિયાન અનેક લોકો ઘાયલ થયા છે તેમજ એક પ્રદર્શનકારીનું ગોળી વાગવાથી મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે.

નેપાળમાં વડા પ્રધાન કેપી ઓલીની સરકારે 4 સપ્ટેમ્બરના રોજ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વોટ્સએપ, રેડિટ અને એક્સ જેવી 26 સોશિયલ મીડિયા એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારે અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બ્લોક કર્યા બાદ સોમવારે રાજધાની કાઠમંડુ સહિત અનેક શહેરોમાં પોલીસ બેરિકેડ્સ તોડીને અને દરવાજા કૂદીને ગુસ્સે ભરાયેલા યુવાનો સંસદ સંકુલમાં ઘૂસી ગયા હતા.

આ પણ વાંચો – ભારતના આ પાડોશી દેશમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને X ને બ્લોક કરવાનો આદેશ

વિરોધીઓએ અગાઉ શાંતિ જાળવવાની પ્રતિજ્ઞા લીધી હતી, પરંતુ પરિસ્થિતિ કાબૂ બહાર ગઈ હતી કારણ કે પોલીસે તેમને વિખેરવા માટે અશ્રુવાયુ અને વોટર ગનનો ઉપયોગ કર્યો હતો. આ પ્રદર્શનમાં સ્કૂલ યુનિફોર્મમાં Gen-Z પણ સામેલ થઇ છે. તેઓ સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ દૂર કરવા, ભ્રષ્ટાચાર, નોકરીઓ અને ઇન્ટરનેટ એક્સેસને સમાપ્ત કરવાની માંગ કરી રહ્યા છે.

26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ

નેપાળ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ અનુસાર, સોશિયલ મીડિયા કંપનીઓને 28 ઓગસ્ટથી નોંધણી કરવા માટે સાત દિવસનો સમય આપવામાં આવ્યો હતો. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે બુધવારે રાત્રે સમયની સમાપ્તિ સુધીમાં, મેટા (ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ), આલ્ફાબેટ (યુટ્યુબ), એક્સ (અગાઉ ટ્વિટર), રેડિટ અને લિંક્ડઇન સહિતના કોઈ પણ મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મે નોંધણી અરજી સબમિટ કરી ન હતી. જેને લીધે 26 જેટલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મુકાયો છે.

વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ શું કહ્યું?

નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ રવિવારે દેશમાં નોંધાયેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂકવાના તેમની સરકારના નિર્ણયનું સમર્થન કરતા કહ્યું હતું કે દેશને નબળો પાડવાના પ્રયત્નો ક્યારેય સહન કરવામાં આવશે નહીં. ઓલીની આ ટિપ્પણી તેમની સરકારના નિર્ણયને લઈને વિવિધ જૂથોના વિરોધ વચ્ચે આવી છે. સત્તારૂઢ નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટી (યુનિફાઇડ માર્ક્સવાદી-લેનિનિસ્ટ)ના સંમેલનના અંતિમ દિવસે પાર્ટીના નેતાઓને સંબોધિત કરતા ઓલીએ કહ્યું હતું કે તેમનો પક્ષ હંમેશા અહંકાર અને અસંગતતાઓનો વિરોધ કરશે અને દેશને નબળો પાડે તેવા કોઈ પણ કૃત્યને સહન કરશે નહીં. તેમણે વિરોધીઓ અને આંદોલનકારી અવાજોને “કઠપૂતળીઓ” ગણાવ્યા હતા જે ફક્ત વિરોધ કરવા ખાતર વિરોધ કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ