Russian woman found with kids in Karnataka cave : કર્ણાટકના ગોકર્ણ જંગલમાં એક ગુફામાંથી 40 વર્ષીય રશિયન મહિલા નીના કુટીનાને તેના બે બાળકો સાથે બચાવી લેવામાં આવી હતી. પેટ્રોલિંગ પોલીસ અધિકારીઓ એક પર્યટન સ્થળ નજીક રાઉન્ડ કરી રહ્યા હતા ત્યારે કુટીના તેની બે પુત્રીઓ સાથે 11 જુલાઈના રોજ કુમતા તાલુકાના રામતીર્થ ટેકરીઓમાં એક એકાંત ગુફામાં રહેતી મળી આવી હતી. જ્યાં તે લગભગ બે મહિનાથી સંપૂર્ણ એકાંતમાં રહેતી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ત્રણેય પાસે ભારતમાં રહેવા માટે માન્ય દસ્તાવેજો ન હતા અને તેમને દેશનિકાલ કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવાની અપેક્ષા છે.
પોલીસના જણાવ્યા અનુસાર મહિલા રશિયાથી બિઝનેસ વિઝા પર ભારત આવી હતી અને ગોવા થઈને ગોકર્ણ પહોંચી હતી. પરિવારો ગાઢ જંગલો અને ઢાળવાળી જમીન વચ્ચે એક કુદરતી ગુફા બનાવી હી. જોકે કુટીના અને તેના બાળકો સાપ અને જંગલી પ્રાણીઓથી ભરેલા ગાઢ જંગલમાં ગુફામાં કેવી રીતે રહેવા આવ્યા તેને લઇને એક ચોક્કસ રહસ્ય છે.
નીના કુટીના કોણ છે?
નીના કુટીના 40 વર્ષીય મહિલા છે અને રશિયાની રહેવાસી છે. તેની બે પુત્રીઓ છ અને પાંચ વર્ષની છે. ગોકર્ણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રીધર એસઆરએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે કુટીના 2016 માં બિઝનેસ વિઝા પર ભારત આવી હતી અને તેણે ગોવા અને ગોકર્ણામાં એક વર્ષ મુસાફરી કરી હતી. 2017 માં તેના વિઝાની મુદત પૂરી થઈ ગઈ હતી પરંતુ તે દેશમાં જ રહી, ફક્ત નેપાળની ટૂંકી યાત્રા કરી અને પછી ભારત પાછી આવી હતી. 2018માં કુટીના કર્ણાટકના દરિયાકાંઠાના જંગલોમાં ગાયબ થઈ ગઈ હતી.
પોલીસે મહિલાને કેવી રીતે શોધી?
પોલીસની ટીમ ભૂસ્ખલનથી ગ્રસ્ત જંગલમાં ફરતા પ્રવાસીઓની તપાસ કરી રહી હતી ત્યારે કુટીના અને તેની પુત્રીઓ મળી આવી હતી. ત્યાં તેમને એક ગુફા તરફ જતા પગલાઓ મળ્યા. આ પરિવાર એક પથ્થરની ગુફામાં રહેતો હતો, જે પ્લાસ્ટિકના તાડપત્રીથી ઢંકાયેલી હતી અને પ્રવેશદ્વાર પર દેવતાઓના ફોટા હતા. કુટીના તેની એક પુત્રી સાથે ઊંઘી રહી હતી જ્યારે બીજી પુત્રી બહાર રમી રહી હતી. પોલીસે જણાવ્યું હતું કે ત્રણેય લગભગ બે મહિનાથી ત્યાં રહેતા હતા. પોલીસે તેમને અહીંથી બહાર આવવા સમજાવી કારણ કે આ વિસ્તાર જીવલેણ ભૂસ્ખલનનો શિકાર હતો અને સાપથી ભરેલો હતો. આના પર તેણે જવાબ આપ્યો હતો કે સાપ અમારા મિત્રો છે અને જ્યાં સુધી અમે તેમને હેરાન ન કરીએ ત્યાં સુધી તેઓ અમને નુકસાન કરતા નથી.
આ પણ વાંચો – ગુફામાં રહેતી રશિયાની મહિલાએ કહ્યું – પ્રાણીઓએ અમારા પર હુમલો કર્યો નથી, અમે માણસોથી ડરતા હતા
ગુફામાં ત્રણેય કેવી રીતે બચી ગયા?
તપાસ દરમિયાન પોલીસે શોધી કાઢ્યું કે નીના કુટીના ગુફામાં પોતાના જીવ બચાવવા માટે કરિયાણાનો સંગ્રહ કરતી હતી. પરંતુ તેમની પાસે મીણબત્તીઓ ન હતી. પરિવાર કૃત્રિમ પ્રકાશ પર આધાર રાખતો ન હતો, તેના બદલે કુદરતી પ્રકાશ પર આધાર રાખતા હતા. એવું પણ જાણવા મળ્યું કે મહિલા કરિયાણા ખરીદવા માટે શહેરમાં આવતી અને તે વખતે પોતાનો ફોન ચાર્જ કરતી હતી અને તેનો ભાગ્યે જ ઉપયોગ કરતી હતી. તે ઘણીવાર તેના બાળકોને ગોકર્ણ અને અન્ય સ્થળોએ લઈ જતી હતી પરંતુ હંમેશા ગુફામાં પાછી ફરતી હતી.
નીનાની દીકરીઓનો પિતા કોણ છે?
નીના કુટીનાએ ભારતમાં રોકાણ દરમિયાન બંને પુત્રીઓને જન્મ આપ્યો હતો. પાછળથી ખબર પડી કે તેમની બે પુત્રીઓના પિતા બ્રાર ગોલ્ડસ્ટિયન નામનો ઇઝરાયલી પુરુષ છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા ગોલ્ડસ્ટિયનએ કહ્યું કે કુટીનાએ ઓક્ટોબર 2024થી તેમને તેમની પુત્રીઓ સાથે સંપર્ક કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે મહિલાને અગાઉના સંબંધથી બે છોકરાઓ હતા અને તે તેમાંથી એકની સંભાળ રાખતો હતો કારણ કે બીજાનું ગયા વર્ષે ઓક્ટોબરમાં અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ઇઝરાયલી પુરુષે ડિસેમ્બર 2024 માં કુટીનાની વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી. જેમાં તેના પર શારીરિક હુમલો કરવાનો, હિંસક વર્તન કરવાનો અને તેની પાસેથી પૈસા “ઉપાડ” લેવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
નીના કુટીના માટે આગળ શું?
નીનાને તેની પુત્રીઓ સાથે ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ (FRRO) ડિટેન્શન સેન્ટરમાં ખસેડવામાં આવી છે. ગુફા નજીક જ પોલીસને તેનો પાસપોર્ટ મળી આવ્યો હતો અને તેને રશિયા મોકલવાની કાર્યવાહી ચાલી રહી છે. આ દરમિયાન તેની બે પુત્રીઓ માટે અનિશ્ચિતતાનો માહોલ છે કારણ કે તેના પિતાએ ચાલુ કાનૂની કાર્યવાહી વચ્ચે કસ્ટડીની માંગ કરી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે દેશનિકાલ પ્રક્રિયા લાંબી અને જટિલ હોઈ શકે છે. કુટીનાને ઘણા પૈસા ખર્ચવાની જરુર છે. ભારત અને રશિયન સરકારો ત્રણેયની મુસાફરી માટે ભંડોળ પૂરું પાડે તેવી શક્યતા ઓછી છે.





