Nitin Gadkari Lok Sabha: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દેશમાં થઈ રહેલા માર્ગ અકસ્માતો પર ચિંતા વ્યક્ત કરી હતી. ગડકરીએ કહ્યું કે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી 2024 સુધીમાં માર્ગ અકસ્માતોમાં 50% ઘટાડો કરવાની વાત કરી હતી. પરંતુ અકસ્માતોમાં ઘટાડો થયો નથી, પરંતુ પરિસ્થિતિ પહેલા કરતા વધુ ખરાબ થઈ ગઈ છે.
ચર્ચા દરમિયાન લોકસભામાં બોલતા ગડકરીએ કહ્યું કે અકસ્માતોની સંખ્યા ઘટાડવાનું ભૂલી જાવ, મને એ સ્વીકારવામાં કોઈ સંકોચ નથી કે તેમાં વધારો થયો છે. જ્યારે હું આંતરરાષ્ટ્રીય પરિષદોમાં ભાગ લેવા જાઉં છું જ્યાં માર્ગ અકસ્માતોની ચર્ચા થાય છે ત્યારે હું મારો ચહેરો છુપાવવાનો પ્રયત્ન કરું છું.
આ એક જ વિષય છે, જેમાં અમારા વિભાગને સફળતા મળી નથી – ગડકરી
ગડકરીએ પ્રશ્નકાળ દરમિયાન કહ્યું હતું કે જ્યાં સુધી માર્ગ સલામતીમાં સુધારો કરવા માટે માનવીય વર્તન, સામાજિક દ્રષ્ટિકોણ અને કાયદાના શાસન માટે આદર ન હોય ત્યાં સુધી આને રોકવું ખૂબ મુશ્કેલ છે. તેમણે કહ્યું કે આ એક જ વિષય છે, જેમાં અમારા વિભાગને સફળતા મળી નથી. ગડકરીએ કહ્યું કે અમે તમારા બધાના સહકારથી માર્ગ અકસ્માતો ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
નીતિન ગડકરીએ આ સમયગાળા દરમિયાન એક વ્યક્તિગત કિસ્સો શેર કર્યો હતો. તેમણે કહ્યું કે ઘણાં વર્ષો પહેલાં હું મહારાષ્ટ્રમાં વિરોધ પક્ષનો નેતા હતો. જ્યારે મારા પરિવાર સાથે મોટો અકસ્માત થયો હતો. તે સમયે મારો પરિવાર ટ્રકના ટાયર નીચે આવી ગયો હતો. જેમાં મારો પરિવાર લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યો હતો. પણ ઈશ્વરની કૃપાથી હું અને મારો પરિવાર બચી ગયા. તેથી હું તેના પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છું.
આ પણ વાંચો – દિલ્હી ચૂંટણી : કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, કેજરીવાલની સીટ પર સંદીપ દીક્ષિતને ટિકિટ
ગડકરીએ કહ્યું કે ટ્રકોનું ખોટું પાર્કિંગ અને લેન શિસ્તનો અભાવ એ માર્ગ અકસ્માતોના સૌથી મોટા કારણો છે. તેમણે કહ્યું કે રસ્તાઓ પર અવ્યવસ્થિત રીતે પાર્ક કરેલી ટ્રકોને કારણે ઘણા અકસ્માતો થાય છે. સલામતીની ચિંતાઓને દૂર કરવા માટે, તેમણે બસ બોડી ડિઝાઇનમાં આંતરરાષ્ટ્રીય ધોરણો અપનાવવાના નિર્દેશોની જાહેરાત કરી હતી, જેમાં અકસ્માતો દરમિયાન કટોકટીમાંથી બહાર નીકળવા માટે બારીઓ નજીક હથોડાનો લગાવવો સામેલ છે.
દર વર્ષે 1.78 લાખ લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે
ભારતમાં માર્ગ સલામતનું ગંભીર ચિત્ર રજૂ કરતાં મંત્રીએ માહિતી આપી હતી કે દર વર્ષે 1.78 લાખ લોકો માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવે છે, જેમાંથી 60 ટકા લોકો 18-34 વર્ષની વયજૂથના હોય છે.
રાજ્યોમાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 23,000 થી વધુ મૃત્યુ નોંધાયા છે, જે કુલ માર્ગ અકસ્માતમાં થયેલા મૃત્યુના 13.7% છે. આ પછી તમિલનાડુ (18,000 મૃત્યુ, કે 10.6%) મહારાષ્ટ્ર (15,000 મૃત્યુ કે 9%) અને મધ્ય પ્રદેશમાં (13,000 મૃત્યુ કે 8%) નો ક્રમ આવે છે. શહેરોની વાત કરીએ તો દિલ્હી 1,400 થી વધુ મૃત્યુ સાથે આ યાદીમાં ટોચ પર છે, ત્યારબાદ બેંગલુરુ (915 મૃત્યુ) અને જયપુર (850 મૃત્યુ) નું સ્થાન છે.