Nitin Gadkari : લોકસભા ચૂંટણી 2024 પહેલા ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને વિપક્ષના ઘણા નેતાઓએ કેમ્પ બદલવાની સલાહ આપી હતી. હવે વધુ એક ચોંકાવનારો દાવો નીતિન ગડકરીએ કર્યો છે. તેમણે નાગપુરમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી 2024 પહેલા એક વરિષ્ઠ વિપક્ષ નેતાએ તેમને વડાપ્રધાન પદની ઓફર કરી હતી, પરંતુ તેમણે આ પ્રસ્તાવને ઠુકરાવી દીધો કારણ કે આ તેમના વિચારધારા વિરુદ્ધ છે.
નાગપુરમાં પત્રકારત્વ સાથે જોડાયેલા એક એવોર્ડ કાર્યક્રમમાં બોલતા નીતિન ગડકરીએ કહ્યું કે, “વિપક્ષના એક વરિષ્ઠ નેતાએ વડાપ્રધાન પદની ઓફર સાથે મારો સંપર્ક કર્યો હતો. મને કહેવામાં આવ્યું હતું કે જો હું સંમતિ આપું છું, તો તેઓ મને વડા પ્રધાન બનાવવાનું કામ કરશે. “મેં તરત જ આ પ્રસ્તાવ ઠુકરાવી દીધો. મેં તે નેતાને સ્પષ્ટ રીતે કહ્યું હતું કે હું એક એવી વ્યક્તિ છું જે વિચારધારામાં વિશ્વાસ કરે છે. મેં હંમેશાં સિદ્ધાંતો પર કામ કર્યું છે અને તેમના અનુસાર જીવ્યું છે. ”
તેમણે વધુમાં કહ્યું, “મેં સ્પષ્ટ કરી દીધું કે મને ક્યારેય દેશના પીએમ બનવાની મહત્વાકાંક્ષા નહોતી. તેથી કોઈ પણ ઓફર સ્વીકારવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. મારો ઉછેર એવી રીતે થયો છે કે હું કેટલાક સિદ્ધાંતો અને માન્યતાઓ પર જીવું છું, જે નિર્વિવાદ છે. ”
નીતિન ગડકરી વિપક્ષના નેતાઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો માટે જાણીતા
ધ ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ નીતિન ગડકરી એ આ સમયગાળા દરમિયાન કોઈ પણ વિપક્ષી નેતાનું નામ કે અન્ય વિગતો શેર કરી નથી. ખુદ ભાજપમાં જ અનેક નેતાઓ માટે તેમણે કરેલો ખુલાસો ચોંકાવનારો હતો.
નીતિન ગડકરીની ગણતરી ભાજપના એવા નેતાઓમાં થાય છે, જેમના મૂળ આરએસએસમાં ભલે ઊંડા હોય, પરંતુ દેશમાં વિરોધી વિચારધારા ધરાવતા નેતાઓ સાથે પણ તેમના સૌહાર્દપૂર્ણ સંબંધો છે. મહારાષ્ટ્રમાં નીતિન ગડકરીને પોતાના વર્તમાન પ્રતિસ્પર્ધી ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર સાથે પણ સારા સંબંધો છે. ગડકરી ઘણીવાર અનેક સામાજિક કાર્યક્રમોમાં શરદ પવાર સાથે સ્ટેજ શેર કરતા જોવા મળ્યા છે.





