Nobel Peace Prize 2024, શાંતિ નોબેલ પ્રાઇઝ 2024 : 1945માં હિરોશિમા અને નાગાસાકીમાં અણુબોમ્બ વિસ્ફોટ થયા હતા. લાખો લોકો આનાથી પ્રભાવિત થયા હતા. આ સાથે જ બચી ગયેલા લોકોએ એક સંગઠનની રચના કરી, જેનું નામ નિહોન હિડાનક્યો રાખવામાં આવ્યું હતું. હવે આ સંગઠનને પરમાણુ હથિયારો વિરુદ્ધ સક્રિયતા માટે શુક્રવારે શાંતિનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. નોર્વેની નોબેલ કમિટીના પ્રમુખ જોર્જેન વાટને ફ્રાઇડનેસે કહ્યું હતું કે પરમાણુ શસ્ત્રોના ઉપયોગ સામે પ્રતિબંધો દબાણ હેઠળ હોવાથી આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
નોબેલ પ્રાઇઝ સમિતિએ કહ્યું કે નિહોન હિડાનક્યોએ હજારો સાક્ષીઓની વિગતો આપી છે. પ્રસ્તાવ અને જાહેર અપીલો જારી કરી છે અને વિશ્વને પરમાણુ નિઃશસ્ત્રીકરણની તત્કાલ જરૂરિયાતની યાદ અપાવવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં વાર્ષિક પ્રતિનિધિમંડળ અને વિવિધ શાંતિ સંમેલનો મોકલ્યા છે.
નિહોન હિડાનક્યો શું છે?
નિહોન હિડાનક્યો એ હિરોશિમા અને નાગાસાકી (હિબાકુશા તરીકે પણ ઓળખાય છે)ના અણુબોમ્બથી બચી ગયેલા લોકોનું એક જમીની સ્તરનું આંદોલન છે, જે ઓગસ્ટ 1945ના અણુ બોમ્બ હુમલાના જવાબમાં ઉભર્યું હતું. વિશ્વભરમાં વ્યાપક સંઘર્ષ વચ્ચે નોર્વેની નોબેલ સમિતિએ જણાવ્યું હતું કે આ પુરસ્કાર “પરમાણુ પ્રતિબંધ” નામના માનદંડને કાયમ રાખવાનું પ્રતીક છે. નોબેલ કમિટીએ પોતાની પ્રેસ રિલીઝમાં લખ્યું છે કે માનવ ઇતિહાસની આ ક્ષણમાં આપણે પોતાની જાતને એ યાદ અપાવવું જરૂરી છે કે પરમાણુ શસ્ત્રો શું છે? તે વિશ્વમાં અત્યાર સુધીમાં જોવામાં આવેલા સૌથી વિનાશક શસ્ત્રોમાંથી એક છે.
આ પણ વાંચો – અમેરિકાના વૈજ્ઞાનિકોને મળ્યો મેડિસિનનો નોબેલ પુરસ્કાર, કરી હતી ખાસ શોધ
ગયા વર્ષે ઇરાની કાર્યકર નર્ગેસ મોહમ્મદીને ઇરાનમાં મહિલાઓના દમન સામે લડત અને બધા માટે માનવાધિકારો અને સ્વતંત્રતાઓને પ્રોત્સાહન આપવાની તેમની લડત માટે નોબેલ શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. શાંતિ પુરસ્કારોથી વિપરીત, ચિકિત્સા, ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના ક્ષેત્રોમાં નોબેલ પારિતોષિકો વૈજ્ઞાનિકોના સંશોધન કાર્યની અસરને અસરકારક રીતે માપવા માટે પ્રકાશિત થયાના ઘણા વર્ષો પછી આપવામાં આવે છે.
નોબેલ પ્રાઇઝ સાથે 1.1 મિલિયન ડોલરની ઇનામી રકમ અપાય છે
નોબેલ પ્રાઇઝ સાથે 11 મિલિયન સ્વીડિશ ક્રાઉન (1.1 મિલિયન ડોલર)ની ઇનામી રકમ આપવામાં આવે છે. જો તે એક કરતા વધારે હોય તો તેને વિજેતાઓમાં વહેંચવામાં આવે છે. જો આ એવોર્ડ કોઈ સંસ્થાને આપવામાં આવે તો આ રકમ સંસ્થાને જ આપવામાં આવે છે.





