Nobel Peace Prize 2025 : વર્ષ 2025 માટે નોબલ શાંતિ પુરસ્કારની જાહેરાત 10 ઓક્ટોબર (2025) ના રોજ કરવામાં આવી છે. આ વર્ષનું શાંતિ નોબલ પુરસ્કાર વેનેઝુએલાની મારિયા કોરિનાને મળ્યું છે. આ એવોર્ડ મારિયા કોરિના મચાડોને વેનેઝુએલામાં લોકશાહી અધિકારો સ્થાપિત કરવા અને સરમુખત્યારશાહીથી લોકશાહી સુધી ન્યાયી અને શાંતિપૂર્ણ પરિસ્થિતિ બનાવવા માટેના તેમના સંઘર્ષ માટે આપવામાં આવ્યો છે. દર વર્ષે નોર્વેની રાજધાની ઓસ્લોમાં શાંતિ પુરસ્કાર આપવામાં આવે છે.
આવી સ્થિતિમાં દરેકના મનમાં સવાલ ઉઠી શકે છે કે જ્યારે વિજ્ઞાન, સાહિત્ય અને અન્ય તમામ નોબલ સ્વીડનમાં આપવામાં આવે છે તો પછી નોર્વેમાં શાંતિ પુરસ્કાર શા માટે આપવામાં આવે છે?
શાંતિ માટે નોબલ પુરસ્કાર માત્ર નોર્વેમાં જ કેમ આપવામાં આવે છે?
હકીકતમાં, નોબલ શાંતિ પુરસ્કાર એવી વ્યક્તિઓ અથવા સંસ્થાઓને આપવામાં આવે છે જેમણે વિશ્વમાં શાંતિને પ્રોત્સાહન આપવા, સંઘર્ષો ઉકેલવા અને માનવ અધિકારોને આગળ વધારવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. નોબલ પુરસ્કાર નોર્વેમાં એટલા માટે આપવામાં આવે છે કારણ કે નોબલ પુરસ્કારના સ્થાપક આલ્ફ્રેડ નોબલે પોતાના વસિયતનામામાં લખ્યું હતું કે, શાંતિ પુરસ્કારનું આયોજન અલગથી કરવામાં આવે અને નોર્વેમાં આ આયોજન કરવામાં આવે. ત્યારબાદથી દર વર્ષે સ્વીડનમાં અન્ય ઇનામો આપવામાં આવે છે, પરંતુ નોબલનો શાંતિ પુરસ્કાર નોર્વેમાં આપવામાં આવે છે.
નોબલ નોર્વેને શાંતિપ્રિય દેશ માનતા હતા
નોબલ શાંતિ પુરસ્કાર આલ્ફ્રેડ નોબલની મોટી અને પ્રેરણાદાયી વિચારસરણીનું પ્રતીક છે. નોબલ એ જ વ્યક્તિ હતા જેમણે ડાયનેમાઇટ જેવી શક્તિશાળી વસ્તુની શોધ કરી હતી, પરંતુ પાછળથી તેમને સમજાયું કે માનવતાની વાસ્તવિક તાકાત વિનાશમાં નહીં, પરંતુ શાંતિમાં છે, તેથી તેમણે પોતાની વસિયતનામામાં કહ્યું હતું કે આ સન્માન તે લોકોને આપવું જોઈએ જે દેશો અને સમાજો વચ્ચે શાંતિ, ભાઈચારો અને સહકારને પ્રોત્સાહન આપે છે અને તે નોર્વેમાં આ પુરસ્કાર આપવાનું કારણ એ હતું કે તેઓ નોર્વોને શાંતિ પ્રિય દેશ માનતા હતા.
નોર્વેની સમિતિ જ આ પુરસ્કાર કેમ આપે છે?
Nobelpeaceprize.org અનુસાર, નોર્વેજીયન નોબેલ કમિટીના ભૂતપૂર્વ સચિવ અને નોબેલ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ગેર લુન્ડેસ્ટાડે તેમના એક લેખમાં કહ્યું છે કે, નોર્વેજીયન નોબલ કમિટી દ્વારા આપવામાં આવતા શાંતિ પુરસ્કાર પાછળ નોબલે કોઈ સ્પષ્ટિકરણ કર્યું નથી. અન્ય ચાર એવોર્ડ સ્વીડિશ કમિટીઓ દ્વારા આપવામાં આવે છે. કેટલાક સંશોધકો માને છે કે નોબલ, જેમણે તેમના જીવનનો મોટાભાગનો સમય વિદેશમાં વિતાવ્યો હતો અને જેમણે પેરિસમાં સ્વીડિશ-નોર્વેજીયન ક્લબમાં પોતાનું વસિયતનામું લખ્યું હતું, તે એ હકીકતથી પ્રભાવિત થયા હતા કે 1905 સુધીમાં નોર્વે સ્વીડન સાથે એકતામાં હતું.