Odisha Next Chief Minister : ઓડિશા વિધાનસભામાં ભાજપને મોટી જીત મળી છે. નવીન પટનાયકે બુધવારે ઓડિશાના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે રાજ્યપાલ રઘુબર દાસને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. રાજ્યની 147 બેઠકોમાંથી ભાજપે 79 બેઠકો જીતી હતી. પટનાયકના બીજુ જનતા દળ (બીજેડી)એ 51 બેઠકો જીતી હતી. હવે સવાલ એ છે કે ઓડિશાના નવા મુખ્યમંત્રી કોણ બનશે?
ઓડિશાના આગામી સીએમ કોણ બનશે?
બીજેડીની ચૂંટણીમાં હાર બાદ હવે બધાની નજર ઓડિશાના આગામી મુખ્યમંત્રી પર છે. અટકળો વચ્ચે પ્રદેશ ભાજપ અધ્યક્ષ મનમોહન સામલે બુધવારે કહ્યું કે પાર્ટીનું સંસદીય બોર્ડ એક-બે દિવસમાં આ અંગે નિર્ણય લેશે.
સામાચાર એજન્સી પીટીઆઈના મતે સામલે જણાવ્યું હતું કે વડા પ્રધાન દ્વારા નક્કી કરવામાં આવેલા માપદંડોના આધારે મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે ઓડિયા વ્યક્તિ જે રાજ્યની સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખશે તે ઓડિશાના આગામી મુખ્યમંત્રી હશે.
કયા નામોની ચર્ચા થાય છે?
1.ધર્મેન્દ્ર પ્રધાન
મુખ્યમંત્રીની યાદીમાં સૌથી ઉપર ધર્મેન્દ્ર પ્રધાનનું નામ ચાલી રહ્યું છે. ધર્મેન્દ્ર પ્રધાને સંબલપુર લોકસભા બેઠક પર બીજેડીના પ્રણવ પ્રકાશ દાસ સામે 1 લાખથી વધુ મતોના અંતરથી જીત મેળવી હતી.
2.ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બૈજયંત પાંડા
બૈજયંત પાંડાએ ઓડિશાની કેન્દ્રપારા લોકસભા સીટ પર જીત મેળવી છે. તેઓ એક વખત રાજ્યસભાના સાંસદ અને બે વાર બીજેડીથી લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે. તેઓ છ વર્ષ પહેલા ભાજપમાં જોડાયા હતા અને 2019ની લોકસભાની ચૂંટણી કેન્દ્રપાડા લોકસભા બેઠક પરથી લડ્યા હતા જ્યાં તેઓ હારી ગયા હતા.
આ પણ વાંચો – 23 વર્ષમાં પહેલીવાર, ગઠબંધન સરકાર ચલાવવી મોદી-શાહની કાર્યશૈલીથી વિપરીત
3.ભુવનેશ્વરના સાંસદ અપરાજિતા સારંગી
અપરાજિતા સારંગીએ ભુવનેશ્વર બેઠક પર કોંગ્રેસના નેતા યાસિર નવાઝ અને બીજેડી નેતા મનમથ રાઉત્રે સામે જીત મેળવી હતી. મુખ્યમંત્રી પદ માટે પણ તે પણ મહત્વનું નામ માનવામાં આવે છે.
4.બાલાસોરના સાંસદ પ્રતાપ સારંગી
પ્રતાપ સારંગી બાલાસોરના હાલના સાંસદ છે. આ લિસ્ટમાં તેમનું નામ પણ છે.
5.પૂર્વ કેન્દ્રીય આદિજાતિ મંત્રી જુએલ ઓરાંવ
63 વર્ષીય જુએલ પાંચ વખત સાંસદ અને એક વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ ઓડિશામાં ભાજપના પ્રારંભિક સભ્યોમાંથી એક હતા. ઓક્ટોબર 1999માં ઓરાંવને પ્રથમ કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમણે લોકસભાની ચૂંટણીમાં સુંદરગઢ લોકસભા મત વિસ્તારમાંથી જીત મેળવી હતી.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા
સંબિત પાત્રાએ પુરી લોકસભા બેઠક પર બીજેડી નેતા અરૂપ પટનાયક અને કોંગ્રેસના ઉમેદવાર જય નારાયણ પટનાયક સામે જીત મેળવી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં બીજેડીના પિનાકી મિશ્રાએ સંબિતક પાત્રાને હરાવીને જીત મેળવી હતી.