Omar Abdullah : કોંગ્રેસ પાર્ટીએ 14 ડિસેમ્બર 2025ના રોજ દિલ્હીના રામલીલા મેદાન ખાતે એક મોટી રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીનું નામ ‘વોટ ચોર ગદ્દી છોડ’ રાખવામાં આવ્યું હતું. આ રેલીમાં કોંગ્રેસના નેતાઓએ ભાજપ અને ચૂંટણી પંચ પર પ્રહારો કર્યા હતા. બીજી તરફ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કોંગ્રેસે લગાવેલા આરોપોથી પોતાને દૂર કરી દીધા છે. તેમણે કહ્યું કે ઈન્ડિયા બ્લોકને તેની સાથે કોઈ લેવા દેવા નથી.
ઉમર અબ્દુલ્લાની પાર્ટી ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છે
ઉમર અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ વિપક્ષી ઈન્ડિયા બ્લોકનો ભાગ છે, જેમાં લોકસભામાં વિપક્ષી સાંસદોની સંખ્યાની દ્રષ્ટિએ કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી છે. કોંગ્રેસના પ્રચાર અને ચૂંટણી અનિયમિતતાના આક્ષેપો પર પૂછવામાં આવેલા સવાલના જવાબમાં ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનને તેની સાથે કોઈ લેવા દેવા નથી. દરેક રાજકીય પક્ષ પોતાનો એજન્ડા નક્કી કરવા માટે સ્વતંત્ર છે. કોંગ્રેસે ‘વોટ ચોરી’ અને એસઆઈઆરને તેનો મુખ્ય મુદ્દો બનાવ્યો છે. અમે તેમને બીજું કંઈ કહેવા વાળા કોણ છીએ?
કોંગ્રેસે શું આરોપો લગાવ્યા છે?
કોંગ્રેસે દાવો કર્યો છે કે તેમણે કથિત “વોટ ચોરી” સામે લગભગ છ કરોડ હસ્તાક્ષરો ભેગા કર્યા છે અને તેને ભારતના રાષ્ટ્રપતિને સોંપવાની યોજના છે. આ પહેલા જ્યારે બિહાર ચૂંટણી દરમિયાન સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) ચાલી રહ્યું હતું, ત્યારે અબ્દુલ્લાએ દાવો કર્યો હતો કે બિહારની જનતા ‘વોટ ચોરી’ના આરોપોને લઈને ચૂંટણી પંચથી અસંતુષ્ટ છે. અબ્દુલ્લાએ કહ્યું હતું કે ચૂંટણી પંચે સ્વતંત્રતા અને નિષ્પક્ષતાના આદર્શો પર ખરું ઉતરવું જોઈએ.
આ પણ વાંચો – કોંગ્રેસના ધારાસભ્યનો દાવો – ડી કે શિવકુમાર 6 જાન્યુઆરીએ કર્ણાટકના મુખ્યમંત્રી બનશે
બિહાર ચૂંટણી પર ઉમર અબ્દુલ્લાનું નિવેદન
બિહાર ચૂંટણીમાં આરજેડીની આગેવાની હેઠળના મહાગઠબંધનનો પરાજય થયો હતો. અબ્દુલ્લાએ કહ્યું હતું કે બિહાર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ તેમના માટે બડગામ પેટાચૂંટણીમાં તેમની પાર્ટીની હાર કરતાં વધુ આઘાતજનક હતું. તેમણે કહ્યું કે નીતિશ કુમારે સત્તા વિરોધી લહેરને સત્તા તરફી લહેરમાં ફેરવી દીધી હતી. નીતિશ કુમારે જાતિના રાજકારણને બાજુએ મૂકીને મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને એવી યોજનાઓ શરૂ કરી જે તેમને રાજકીય રીતે પણ ફાયદો પહોંચાડે છે. જ્યારે કોંગ્રેસે તેના ‘વોટ ચોરી’ અભિયાનથી ઉત્સાહિત થઈને ઇન્ડિયા બ્લોકના ભાગીદારો વચ્ચે બેઠકોની વહેંચણી વધુ મુશ્કેલ બનાવી દીધી હતી.





