/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/one-nation-one-election.jpg)
મોદી સરકારે કેબિનેટની બેઠકમાં વન નેશન વન ઈલેક્શનના બિલને મંજૂરી આપી દીધી (ફાઇલ ફોટો)
one nation one election : વન નેશન, વન ઈલેક્શન પર પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં બનાવવામાં આવેલી કમિટી દ્વારા આપવામાં આપેલા રિપોર્ટને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી છે. વિવિધ ન્યૂઝ ચેનલોએ સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે. સમાચાર છે કે સરકાર શિયાળુ સત્રમાં આના પર બિલ પણ લાવી શકે છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના વડપણ હેઠળની આ સમિતિએ લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલાં માર્ચમાં 'વન નેશન, વન ઇલેક્શન' પર પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો.
રામનાથ કોવિંદની કમિટીએ શું ભલામણ કરી હતી?
રામનાથ કોવિંદના નેતૃત્વવાળી સમિતિએ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની એક સાથે ચૂંટણી કરાવવાની ભલામણ કરી હતી. ત્યારબાદ 100 દિવસની અંદર એક સાથે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી કરાવવાની ભલામણ કરવામાં આવી હતી.
સમિતિએ ભલામણોના અમલીકરણની દેખરેખ માટે 'અમલીકરણ જૂથ' સ્થાપવાની દરખાસ્ત પણ કરી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે એક સાથે ચૂંટણીઓ યોજવાથી સંસાધનોની જાળવણી, વિકાસ અને સામાજિક એકતાને પ્રોત્સાહન આપવામાં, લોકશાહીના પાયાને મજબૂત કરવામાં અને ભારતની આકાંક્ષાઓને સાકાર કરવામાં મદદ મળશે.
કમેટીએ રાજ્યના ચૂંટણી અધિકારીઓ સાથે પરામર્શ કરીને ભારતના ચૂંટણી પંચ દ્વારા સામાન્ય મતદાર યાદી અને મતદાર ઓળખકાર્ડ તૈયાર કરવાની પણ ભલામણ કરી હતી. હાલ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજવાની જવાબદારી ભારતના ચૂંટણી પંચની છે, જ્યારે મહાનગરપાલિકાઓ અને પંચાયતોની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવે છે.
સમિતિએ 18 બંધારણીય સુધારાઓની ભલામણ કરી હતી જેમાંથી મોટા ભાગનાને રાજ્યની વિધાનસભાઓ દ્વારા બહાલીની જરૂર નહીં પડે. જોકે આ માટે કેટલાક બંધારણીય સુધારા ખરડાની જરૂર પડશે, જેને સંસદે પસાર કરવાની જરૂર પડશે. મતદારયાદી અને મતદાર ઓળખકાર્ડને લગતા કેટલાક સૂચિત ફેરફારોને ઓછામાં ઓછા અડધા રાજ્યો દ્વારા બહાલીની જરૂર પડશે.
આ પણ વાંચો - આતિશી દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી બનશે, જાણો અત્યાર સુધીના દિલ્હીના સીએમની યાદી
આ ઉપરાંત લો કમિશન એક સાથે ચૂંટણી યોજવા અંગે પણ ટૂંક સમયમાં પોતાનો રિપોર્ટ રજૂ કરી શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક સાથે ચૂંટણીઓના પ્રબળ સમર્થક રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે વિવિધ આયોગ સરકારના ત્રણ સ્તરો - લોકસભા, રાજ્ય વિધાનસભાઓ અને સ્થાનિક સંસ્થાઓ જેવી કે નગરપાલિકાઓ અને પંચાયતોની 2029માં એક સાથે ચૂંટણીઓ કરાવવાની અને ત્રિશંકુ સદન જેવા કેસોમાં એકતા સરકાર બનાવવાની જોગવાઈની ભલામણ કરી શકે છે.
કમિટીએ 62 રાજકીય પક્ષોની સલાહ લીધી હતી
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી આ સમિતિએ 62 રાજકીય પક્ષોની સલાહ લીધી હતી. જેમાંથી 32 પક્ષાએ એક દેશ, એક ચૂંટણીને ટેકો આપ્યો હતો. જોકે 15 પાર્ટીઓ તેની વિરુદ્ધમાં હતી. 15 પક્ષો એવા હતા જેમણે કોઈ જવાબ આપ્યો ન હતો.
કેન્દ્રની એનડીએ સરકારમાં ભાજપ ઉપરાંત ચંદ્રાબાબુ નાયડુની ટીડીપી, નીતિશ કુમારની જેડીયુ અને ચિરાગ પાસવાનની એલજેપી(આર) મુખ્ય પાર્ટીઓ છે. જેડીયુ અને એલજેપી (આર) એક દેશ, એક ચૂંટણી માટે તૈયાર છે, જ્યારે ટીડીપીએ આ અંગે કોઈ જવાબ આપ્યો નથી. જેડી(યુ) અને એલજેપી (આર)એ વન નેશન વન ઇલેક્શનની તરફેણ કરતાં કહ્યું હતું કે તેનાથી સમય અને નાણાંની બચત થશે. બીજી તરફ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી, સીપીએમ અને બસપા સહિત 15 પાર્ટીઓએ તેનો વિરોધ કર્યો હતો. જ્યારે ઝારખંડ મુક્તિ મોરચા, ટીડીપી, ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ સહિત 15 પક્ષોએ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us