One Nation One Election Bill Union Cabinet: મોદી સરકારે કેબિનેટની બેઠકમાં વન નેશન વન ઈલેક્શનના બિલને મંજૂરી આપી દીધી છે. સંસદમાં ચાલી રહેલા શિયાળુ સત્રમાં સરકાર આ બિલ રજૂ કરે તેવી શક્યતા છે. સૌથી પહેલા આ બિલ સંયુક્ત સંસદીય સમિતિ પાસે જશે અને ત્યારબાદ તેના પર તમામ રાજકીય પક્ષોના સૂચનો લેવામાં આવશે. અંતે આ બિલ સંસદમાં લાવવામાં આવશે અને તેને પાસ કરવામાં આવશે. વન નેશન વન ઇલેક્શન ભારતીય જનતા પાર્ટી દ્વારા તેના લોકસભા ચૂંટણી ઢંઢેરામાં આપેલા મુખ્ય વચનોમાંથી એક છે.
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના વડપણ હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણોનો સ્વીકાર કર્યા બાદ મોદી સરકારે આ પગલું ભર્યું છે. સમિતિએ લોકસભા, રાજ્યોની વિધાનસભાઓ અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ તબક્કાવાર રીતે એક સાથે યોજવાનું સૂચન કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ પગલાનો કોંગ્રેસ સહિત ઇન્ડિયા ગઠબંધનની પાર્ટીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે આનાથી કેન્દ્રમાં શાસક પક્ષને ફાયદો થશે. નીતિશ કુમારની જેડીયુ અને ચિરાગ પાસવાન જેવા એનડીએના મહત્વના સાથી પક્ષોએ એક સાથે ચૂંટણીનું સમર્થન કર્યું છે.
કેન્દ્ર સરકારે સર્વસંમતિ બનાવવી પડશેઃ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
આ મુદ્દે સમિતિનું નેતૃત્વ કરી રહેલા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે કેન્દ્ર સરકારે સર્વસંમતિ બનાવવી પડશે. આ મુદ્દો કોઈ પક્ષના હિતમાં નથી પરંતુ રાષ્ટ્રના હિતમાં છે. આ એક રાષ્ટ્ર, એક ચૂંટણી ગેમ-ચેન્જર હશે. આ મારો અભિપ્રાય નથી પરંતુ અર્થશાસ્ત્રીઓનો અભિપ્રાય છે, જે માને છે કે આ લાગુ થયા પછી દેશના જીડીપી 1 થી 1.5 ટકાનો વધારો થશે.
આ પણ વાંચો – અતુલ સુભાષ અને નિકિતાએ કર્યા હતા લવ મેરેજ, કેવી રીતે થઇ હતી મુલાકાત, કેમ બગડ્યો સંબંધ? જાણો
વન નેશન વન ઇલેક્શન એટલે શું?
વન નેશન વન ઇલેક્શનનો ઉદ્દેશ દેશભરમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની એક સાથે ચૂંટણી કરાવવાનો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી લાંબા સમયથી તેના સમર્થક રહ્યા છે. હાલ લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી અલગ-અલગ થાય છે.
વન નેશન વન ઇલેક્શનનો ઇતિહાસ
એક સાથે ચૂંટણીઓનો ખ્યાલ 1951-52માં યોજાયેલી પ્રથમ સામાન્ય ચૂંટણીઓથી શરૂ થયો હતો, એટલે કે અગાઉની ચૂંટણીઓ કેન્દ્ર અને રાજ્યો માટે એક સાથે યોજાતી હતી. 1957, 1962 અને 1967માં કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે એક સાથે ચૂંટણી યોજાઈ હતી.
1967માં ઉત્તર પ્રદેશમાં ચૌધરી ચરણ સિંહના બળવાને કારણે સીપી ગુપ્તાની સરકાર પડી ભાંગી અને અહીંથી એક સાથે ચૂંટણી કરાવવાનું ગણિત પણ બગડ્યું હતું. આ પછી વર્ષ 1968 અને 1969માં કેટલાક રાજ્યોની સરકારો સમય પહેલા ભંગ કી નાખવામાં આવી હતી. 1971ના યુદ્ધ બાદ લોકસભા ચૂંટણી પણ સમય પહેલા જ યોજાઈ હતી. આનાથી ચૂંટણી ગણિત બગડ્યું હતું.