Operation Sindoor : ભારતે 6-7 મે ના રોજ રાત્રે પાકિસ્તાનમાં જોરદાર એર સ્ટ્રાઇક કરી હતી. આ એર સ્ટ્રાઇકમાં ભારતે પાકિસ્તાનમાં અને તેના કબજાવાળા પીઓકેમાં ચાલી 9 આતંકી અડ્ડાઓને નષ્ટ કરી દીધા હતા. ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી આ મોટી કાર્યવાહીનું તમામ રાજકીય પક્ષોએ જોરદાર સમર્થન કર્યું છે. પાકિસ્તાન અને પીઓકેમાં કરવામાં આવેલી આ એર સ્ટ્રાઇક ભારતીય સેનાની ત્રણેય પાંખ દ્વારા સંયુક્ત રીતે કરી હતી.
2019માં બાલાકોટ એર સ્ટ્રાઇક બાદ ભારતનો આ સૌથી મોટો સરહદ પારનો હુમલો છે. ભારતે આ કાર્યવાહી જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં કરી હતી. આ હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોત થયા હતા.
ભારતે HAMMER બોમ્બનો ઉપયોગ કર્યો
ભારતે પાકિસ્તાનમાં લશ્કર, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી ઠેકાણાઓને નિશાન બનાવવા માટે HAMMER બોમ્બનો ઉપયોગ કર્યો હતો. આ હુમલામાં ભારત દ્વારા હેમર ઉપરાંત લોઇટરિંગ મ્યુનિશન્સ, સ્કાલ્પ ક્રૂઝ મિસાઇલ અને અન્ય હથિયારોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
HAMMER (Highly Agile Modular Munition Extended Range)- હેમર બોમ્બનો ઉપયોગ લશ્કર અને જૈશ-એ-મોહમ્મદ દ્વારા ટ્રેનિંગ અને લોજિસ્ટિક્સ સેન્ટરના રૂપમાં ઉપયોગમાં લેવાતા મજબૂત બંકરો અને બહુમાળી ઇમારતો પર હુમલો કરવા માટે કરવામાં આવ્યો હતો. હેમર એક સ્ટેન્ડઓફ મ્યૂનિશન છે જે લોન્ચની ઉંચાઇના આધારે 50-70 કિલોમીટરના અંતરે આવેલા ટાર્ગેટ પર હુમલો કરવા માટે સક્ષમ છે.
આ પણ વાંચો – ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આ આતંકી અડ્ડાને બનાવ્યા નિશાન
આ ઉપરાંત હુમલામાં ઉપયોગમાં લેવાતા લોઇટરિંગ હથિયારોને “કામિકેજ ડ્રોન” ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ડ્રોન સિસ્ટમ લક્ષ્યને ઓળખીને તેમને નિશાન બનાવે છે.
આ આતંકી અડ્ડાઓને નિશાન બનાવવામાં આવ્યા
ભારતીય સેનાએ કહ્યું છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન નવ સ્થળો પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાંથી ચાર પાકિસ્તાનમાં અને પાંચ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં સ્થિત હતા. ભારતીય સેનાએ અહેવાલ આપ્યો છે કે પાકિસ્તાન અને પીઓકેમાં મરકઝ સુભાન અલ્લાહ- બહાવલપુર, મરકઝ તૈયબા- મુરીદકે, સરજાલ/તેહરા કલાં, મહમૂદ જોયા ફેસિલિટી-સિયાલકોટ, મરકઝ અહલે હદીસ બરનાલા- ભીમબેર, મરકઝ અબ્બાસ- કોટલી, મસ્કર રાહીલ શાહિદ-કોટલી અને મુઝફ્ફરાબાદમાં શાવઇ નાલા કૈમ અને મરકઝ સૈયદના બિલાલ છે.