Operation Sindoor signals : મંગળવાર-બુધવારની વચ્ચેની રાત્રે ભારતે ફરી એકવાર દુનિયાને બતાવી દીધું કે જ્યારે રાષ્ટ્રીય સુરક્ષાની વાત આવે છે ત્યારે તે ન તો ચૂપ બેસે છે અને ન તો સરહદ સુધી સીમિત રહે છે. “ઓપરેશન સિંદૂર 2025” હેઠળ, ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પીઓકેમાં ફેલાયેલા નવ આતંકવાદી શિબિરોને નિશાન બનાવીને તેનો નાશ કર્યો હતો. આ માત્ર વળતો હુમલો ન હતો, પરંતુ વ્યૂહાત્મક સંદેશાઓથી ભરેલી કાર્યવાહી હતી. આ કાર્યવાહી 2016ની સર્જિકલ સ્ટ્રાઇક અને 2019ના બાલાકોટ એરસ્ટ્રાઇકથી આગળ નીકળી ગઇ હોય તેવું લાગી રહ્યું છે.
સંકેત 1: આ માત્ર પહેલગામનો બદલો નથી, આ છે બે દાયકાની પીડાનો જવાબ
પહેલગામમાં યાત્રાળુઓ પર થયેલો આતંકવાદી હુમલો આ ઓપરેશનનું તાત્કાલિક કારણ હતું, પરંતુ ભારતે સ્પષ્ટ કરી દીધું હતું કે આ કાર્યવાહી માત્ર એક ઘટનાનો જવાબ નથી. બુધવારની પ્રેસ બ્રીફિંગમાં 2001 ના સંસદ હુમલાથી લઈને 26/11 ના મુંબઇ હુમલા સુધીના આતંકવાદના સમગ્ર ઇતિહાસના પ્રતિક્રિયાના રુપમાં રજૂ કરવામાં આવ્યું હતું.
ભારતે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે હવે તે માત્ર ઘટના-દર-ઘટનાનો જ નહીં પરંતુ સમગ્ર ‘આતંકવાદી સિસ્ટમ’નો જવાબ આપશે. જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુઝાહિદ્દીન જેવા જૂથો પર કાર્યવાહી કરવામાં ભારતે એક સ્પષ્ટ પેટર્નને નિશાન બનાવી હતી. એક એવું નેટવર્ક કે જે દાયકાઓથી ભારતમાં લોહી વહાવી રહ્યું છે અને જેને પાકિસ્તાની સરકાર દ્વારા આશ્રય આપવામાં આવ્યો છે અથવા તેની અવગણના કરવામાં આવી છે.
ભારતે સાજીદ મીરનું ઉદાહરણ ટાંકીને દર્શાવ્યું છે તે જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય દબાણ ન હોય ત્યાં સુધી પાકિસ્તાનની સરકાર કાર્યવાહી કરતી નથી. જે આતંકવાદીને પહેલા પાકિસ્તાને મૃત જાહેર કર્યો હતો બાદમાં એફએટીએફની ભલામણોના દબાણમાં આવીને 2022માં તેની ધરપકડ કરવી પડી હતી.
એફએટીએફના દબાણ અને ભારતની રાજદ્વારી વ્યૂહરચનાએ આ આતંકવાદી સંગઠનોના નવા નામ જેવા ધ રેઝિસ્ટેન્સ ફ્રન્ટ (ટીઆરએફ) અને પીપુલ્સ એન્ટી-ફાસિસ્ટ ફોર્સ (પીએએફએફ) જેવા નવા નામો હેઠળ છુપાવવાની ફરજ પડી હતી. પરંતુ ઓપરેશન સિંદૂરે આ સંગઠનોની પોલ ખોલી નાખી છે.
સંકેત 2: લશ્કરી કાર્યવાહીથી દૂર નહીં, પરંતુ યુદ્ધ ઇચ્છતા નથી
ભારતે તેની કાર્ય કરવાની વ્યૂહરચનાને ખૂબ જ સંતુલિત રાખી છે – ઉશ્કેરણીનો જવાબ આપ્યો છે, પરંતુ યુદ્ધની સ્થિતિનું નિર્માણ કર્યું નથી. ભારતે જાણી જોઈને પાકિસ્તાની સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા ન હતા, માત્ર આતંકવાદી માળખાને નિશાન બનાવ્યું હતું. આ તે જ નીતિ છે જે 2016 અને 2019ની કાર્યવાહીમાં અપનાવવામાં આવી હતી.
વર્ષ 2016માં ભારતે નિયંત્રણ રેખા પાર આતંકી કેમ્પો પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી, 2019માં બાલાકોટના આતંકી કેમ્પને એર સ્ટ્રાઇકથી નિશાન બનાવવામાં આવ્યા હતા. પરંતુ 2025ની કાર્યવાહીમાં ભારતે પ્રથમ વખત નિયંત્રણ રેખાની પેલે પાર તેમજ આંતરરાષ્ટ્રીય સરહદની પેલે પાર પાકિસ્તાનની અંદર ઊંડે સુધી લક્ષ્યોને નિશાન બનાવ્યા હતા.
આ પણ વાંચો – શું છે HAMMER બોમ્બ, જેનો ઉપયોગ કરીને ભારતે પાકિસ્તાનમાં આતંકી અડ્ડાને ઉડાવ્યા?
આ વખતે જૈશના મરકઝ સુભાન અલ્લાહ (બહાવલપુર), લશ્કરના મરકઝ તૈયબા (મુરીદકે) અને હિઝબુલના મહમૂના ઝોયા (સિયાલકોટ) જેવા મોટા ટાર્ગેટ આ હુમલાના નિશાના પર હતા. આ એ જ જગ્યાઓ છે જે વર્ષોથી આ સંગઠનોની આતંકી ગતિવિધિઓનું કેન્દ્ર રહ્યું છે.
રક્ષા મંત્રાલયની પ્રેસ રિલીઝમાં પણ પુનરોચ્ચાર કરવામાં આવ્યો છે કે કોઈ પણ પાકિસ્તાની સૈન્ય સુવિધાને નિશાન બનાવવામાં આવી નથી. તેમનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે કે ભારત આતંકવાદ અને પરંપરાગત યુદ્ધને બાજુએ રાખીને સંઘર્ષને નિયંત્રણમાં રાખવા માંગે છે.
સંકેત 3: ભારત હવે ધમકીઓથી ડરતું નથી, પરંતુ દિશા નક્કી કરે છે
ઓપરેશન સિંદૂરના માધ્યમથી ભારતે આતંકીઓને માત્ર જવાબ જ નથી આપ્યો પરંતુ પાકિસ્તાનને ડિપ્લોમેટિક અને સ્ટ્રેટેજિક સ્તર પર પણ ચેતવણી આપી હતી. પાકિસ્તાને ભારતને 23 એપ્રિલથી 6 મે સુધી જે ધમકીઓ આપી હતી તેને હવે પોકળ રણનીતિ તરીકે જોવામાં આવી રહી છે. ભારતની કાર્યવાહીએ માત્ર પાકિસ્તાનની ‘ડિટરેન્સ કેપિસિટી’ ને ફક્ત પડકારી ન જ હતી, પરંતુ તેને લગભગ નાબૂદ કરી દીધી હતી. સ્પષ્ટ સંદેશ એ છે કે ભારત પૂર્ણ કક્ષાનું યુદ્ધ ઇચ્છતું નથી, પરંતુ પોતાના સ્વરક્ષણમાં હવે તે સંયમ નહીં રાખે.
હવે બોલ પાકિસ્તાનની કોર્ટમાં છે. જો ઇસ્લામાબાદ આ કાર્યવાહીને ઉશ્કેરણી તરીકે લે છે અને તેનો જવાબ આપવાનો પ્રયાસ કરે છે, તો ભારત પાસે તેના લશ્કરી મથકોને નિશાન બનાવવા માટે નૈતિક અને વ્યૂહાત્મક આધાર પણ હશે.
ઓપરેશન સિંદૂર માત્ર ભારતની સૈન્ય શક્તિનું પ્રદર્શન નથી, પરંતુ તેની વ્યૂહાત્મક ધૈર્ય, રાજદ્વારી સ્પષ્ટતા અને સુરક્ષા નીતિમાં નવેસરથી વિશ્વાસનું પ્રતીક પણ છે. ભારતે જણાવ્યું છે કે તે હવે આતંકને તેના તમામ સ્વરૂપોમાં ઓળખે છે – પછી ભલે તે ઉપનામો હેઠળ હોય, સરહદ પારથી હોય કે આંતરરાષ્ટ્રીય.
આગળ આવનારા સમયમાં ભારતે એ સુનિશ્ચિત કરવું પડશે કે આ કાર્યવાહી સાતત્યપૂર્ણ વ્યૂહરચનાનો ભાગ બને. આંતરિક સુરક્ષાની દિશામાં સુરક્ષા એજન્સીઓએ પણ સતર્ક રહેવું પડશે, કારણ કે હવે માત્ર સરહદ પર જ નહીં પરંતુ દેશની અંદર પણ પ્રતિક્રિયાઓ જોવા મળી શકે છે.
ભારતે આજે સાબિત કરી દીધું છે કે તે માત્ર ગોળીઓથી જ નહીં, પરંતુ નીતિ, ધૈર્ય અને વ્યૂહરચનાથી પણ જવાબ આપશે. ઓપરેશન સિંદૂર માત્ર ઓપરેશન નથી, ભારતની સુરક્ષા નીતિમાં એક નિર્ણાયક મોડ છે.