Operation Sindoor Updates : ગુરુવારે વિદેશ સચિવ વિક્રમ મિસરી, ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી અને ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ પ્રેસ બ્રીફિંગ કરી હતી.. ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે તેની સૈન્ય કાર્યવાહી કેન્દ્રિત, માપવામાં આવેલી અને બિન-ઉશ્કેરણીજનક હતી, જેનો ઉદ્દેશ માત્ર સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો, યુદ્ધ વધારવાનો નહીં. વિદેશ સચિવે બ્રીફિંગ દરમિયાન તસવીર બતાવીને પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો હતો.
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે એ પણ અજીબ છે કે નાગરિકોના અંતિમ સંસ્કાર તેમના રાષ્ટ્રધ્વજમાં લપેટાયેલા તાબુતમાં કરવામાં આવી રહ્યા છે અને તેમને રાજકીય સન્માન આપવામાં આવી રહ્યું છે. સેનાના અધિકારીઓ જોડાઈ રહ્યા છે. ગઈ કાલે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં શીખ સમુદાય પર લક્ષિત હુમલો કર્યો હતો. તેમણે પૂંછમાં એક ગુરુદ્વારા પર હુમલો કર્યો હતો અને શીખ સમુદાયના સભ્યોને નિશાન બનાવ્યા હતા અને આ હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા હતા. પૂંછમાં કુલ 16 નાગરિકોના મોત થયા છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે.
પાકિસ્તાન વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર રહ્યું છે
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે પાકિસ્તાનના સૂચના મંત્રી દ્વારા દાવો કે અમારી પાસે કોઇ આતંકી નથી, તે સંપૂર્ણપણે ખોટો અને ભ્રામક છે. પાકિસ્તાન હજુ પણ વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર છે. ત્યાં ઓસામા બિન લાદેન મળી આવ્યો હતો અને પાકિસ્તાને તેને શહીદ કહ્યો હતો.
આ પણ વાંચો – ભારતે લાહોરની એર ડિફેન્સ સિસ્ટમ નષ્ટ કરી, ડ્રોન હુમલા પણ બનાવ્યા નિષ્ફળ
તેમણે કહ્યું કે ભારતે 26/11 અને પઠાણકોટ હુમલા જેવી તપાસમાં સહકાર આપ્યો હતો પરંતુ પાકિસ્તાને આ કેસોને કોરાણે મુકી દીધા હતા. મુંબઈ હુમલા અંગે વિસ્તૃત પુરાવા આપવા છતાં કોઈ નક્કર પગલાં લેવાયાં ન હતા. પઠાણકોટ કેસમાં પાકિસ્તાનની ટીમને ડીએનએ એનાલિસિસ, આતંકવાદી સંગઠનોના અધિકારીઓ વિશેની માહિતી આપવામાં આવી હતી, પરંતુ તેમ છતાં કોઈ પ્રગતિ થઈ ન હતી.
આતંક સામે ભારતે દુનિયાને કરી અપીલ
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ વિશ્વ સમુદાયને અપીલ કરી હતી કે તેઓ પાકિસ્તાનની છેતરપિંડી અને આતંકની નીતિને ઓળખે અને તેની સાથે કડક કાર્યવાહી કરે. પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે. દુનિયાભરના ઘણા આતંકવાદી હુમલામાં તેમના નામ મળી આવ્યા છે.
વિદેશ સચિવે પાકિસ્તાનની એ દલીલને નકારી કાઢી હતી કે 7 મેના રોજ ભારતના હુમલામાં માત્ર નાગરિકો જ માર્યા ગયા હતા. આ સિવાય તેમણે કહ્યું કે નીલમ-ઝેલમ ડેમ પ્રોજેક્ટને નિશાન બનાવવાના આક્ષેપો ખોટા અને ઉપજાવી કાઢેલા છે. ભારતે માત્ર આતંકવાદી માળખાગત સુવિધાઓને જ નિશાન બનાવી છે. જો આ ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવાનું બહાનું હોય તો ભારતના જવાબના પરિણામ માટે પાકિસ્તાન જવાબદાર રહેશે.





