Pahalgam Attack News in Gujartai: પહલગામ આતંકવાદી હુમલાની ઘટનાએ માનવતાને હચમચાવી દીધી હતી. 22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ હુમલો કરી 26 નિર્દોષ પ્રવાસીઓને બેરહેમીથી મોતને ઘાટ ઉતાર્યા હતા. આ હુમલા બાદ તપાસ ચાલી રહી છે ત્યારે આ હુમલો નજરે જોનાર સાક્ષીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ચશ્મદીદના જણાવ્યા અનુસાર જધન્ય હુમલો કર્યા બાદ આતંકવાદીઓએ હવામાં ચાર રાઉન્ડ ફાયરિંગ કરી જશ્ન મનાવ્યો હતો.
પહલગામ હુમલા અંગે ઇન્ડિયન એક્સપ્રેસના વિશેષ અહેવાલ અનુસાર, આ હુમલાને નજરે જોનારા આ સાક્ષીને NIA એ જમ્મુ કાશ્મીર પોલીસ અને સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીની મદદથી ટ્રેક કર્યો હતો. આ વ્યક્તિનો હુમલાની ગણતરીની મિનિટો બાદ બૈસરન ઘાટીના મેદાનમાં ત્રણ આતંકવાદીઓ સામે સામનો થયો હતો.
ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ આ વ્યક્તિને કલમો પઢવા કહ્યું હતું, જોકે આ વ્યક્તિએ સ્થાનિક ભાષા શૈલીમાં કલમો પઢવાનું શરુ કરતાં તેને છોડી મુક્યો હતો. ત્યાર બાદ આ આતંકવાદીઓએ હવામાં ગોળીબારી કરી આતંકી હુમલાની ઉજવણી કરી હતી. આતંકીઓએ હવામાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
ઘટના સ્થળેથી ચાર કારતૂસ મળ્યા
પહલગામ હુમલાની તપાસ કરી રહેલ સુરક્ષા ટીમોએ સાક્ષીના નિવેદન બાદ તપાસ કરતાં ઘટના સ્થળેથી ચાર કારતૂસ મળી આવ્યા હતા. જે જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે. સાક્ષીએ એ પણ જણાવ્યું કે, તેણે પરવેજ અને બશીરને કથિત રીતે પહાડી નજીક ઉભો રહી હુમલાખોરોના સામાનનું ધ્યાન રાખતાં પણ જોયો હતો.
લશ્કર એ તૈયબા સાથે કનેકશન
હુમલા અંગે તપાસ કરી રહેલ ટીમને કથિત રીતે આતંકવાદીઓને આશરો આપવાના આરોપસર બે સ્થાનિક લોકોને ઝડપી લીધા હતા. એનઆઇએના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, તેમણે ત્રણ આતંકવાદીઓની ઓળખ કરી છે અને તે લશ્કર એ તૈયબા સાથે જોડાયેલા પાકિસ્તાની છે.
આતંકવાદીઓ ઘરે આવ્યા, ખાવાનું માંગ્યું…
તપાસ એજન્સીએ આ હુમલા મામલે બશીર અને પરવેજને ઝડપી લઇ પુછપરછ કરી હતી. સેન્ટ્રલ એજન્સીના સુત્રોએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યા અનુસાર, પરવેજએ દાવો કર્યો હતો કે, ઘટનાના એક દિવસ પહેલા ત્રણ હુમલાખોરો બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં તેના ઘરે આવ્યા હતા અને ખાવાનું માંગ્યું હતું. તેમની પાસે હથિયારો હતા.
સિંદૂર જ્યારે બારુદ બની જાય ત્યારે શું થાય છે… PM મોદી
પ્રવાસન સ્થળ અને પર્યટકો વિશે પુછતા રહ્યા…
પરવેજના જણાવ્યા અનુસાર, ઘરે આવેલા આતંકવાદીઓએ ખાવાનું માંગતાં તેની પત્નિએ ખાવાનું આપ્યું હતું. આતંકવાદીઓ અંદાજે ચારેક કલાક રોકાયા હતા અને બૈસરન ઘાટી વિશે, સુરક્ષા ટીમો વિશે અને પર્યટકો વિશે વિવિધ સવાલો પુછ્યા હતા. આતંકવાદીઓએ પરવેજની પત્નિને કેટલાક મસાલા અને ચોખા પેક કરવાનું કહ્યું હતું અને પરિવારને 500 રુપિયાની પાંચ નોટો પણ આપી હતી.