Pahalgam Attack Impact On Air India: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતીય વિમાન માટે પાકિસ્તાને પોતાની એરસ્પેસ બંધ કરી દીધી છે. આ કારણે એર ઇન્ડિયાને 60 કરોડ ડોલર સુધીનો વધારાનો ખર્ચ ઉઠાવવો પડી શકે છે તેવો અંદાજ છે. કંપનીએ આ અંગે સરકારને પત્ર લખીને નુકસાનની ભરપાઈ કરવા માટે સબસિડીની માંગ કરી છે.
ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા પ્રમાણે પત્રમાં કહેવામાં આવ્યું છે કે, આવતા વર્ષ સુધીમાં ખર્ચમાં વધારો થઈ શકે છે કારણ કે માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનની એરસ્પેસ તેના માટે બંધ છે. આવી સ્થિતિમાં, લાંબી ફ્લાઇટ્સના રિ-રૂટિંગને કારણે ઇંધણ ખર્ચમાં વધારો થઈ શકે છે. સાથે જ એરલાઈને ચેતવણી આપી છે કે, જો લાંબા સમય સુધી એર સ્પેસ બંધ રહી તો મુસાફરોને પણ અસર થઈ શકે છે.
એર ઇન્ડિયા એ સરકાર પાસેથી સબસિડી માંગી
રોયટર્સના જણાવ્યા અનુસાર, એર ઇન્ડિયાને પ્રતિબંધના પ્રત્યેક વર્ષ માટે 59.1 કરોડ ડોલરથી વધુનું નુકસાન થવાની સંભાવના છે. ઈન્ટરનેશનલ એરલાઇન્સ પર તેની કોઈ અસર નહીં પડે. તેથી એર ઇન્ડિયાએ ઉડ્ડયન મંત્રાલયને લખેલા પત્રને ટાંકીને જણાવ્યું હતું કે, એર ઇન્ડિયાએ સરકાર પાસેથી પ્રમાણસર સબસિડી માંગી છે.
એર ઇન્ડિયાએ કહ્યું છે કે, અસરગ્રસ્ત ઈન્ટરનેશનલ ફ્લાઇટ માટે સબસિડી એક સારો, ચકાસી શકાય તેવો અને વાજબી વિકલ્પ છે. જ્યારે સ્થિતિ સુધરે ત્યારે સબસિડી પાછી ખેંચી શકાય છે. જો કે આ મામલે એર ઇન્ડિયા સરકાર તરફથી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
અન્ય એરલાઇન્સ કંપનીઓને પણ નુકસાન
માત્ર એર ઇન્ડિયા જ નહીં, પરંતુ ઈન્ડિગોએ પણ તેની ફ્લાઈટ્સને અસર થઈ હોવાની ફરિયાદ કરી છે. દાખલા તરીકે, ગુરુવારે તેની નવી દિલ્હી-બકુ (અઝરબૈજાન)ની ફ્લાઇટમાં 5 કલાક અને 43 મિનિટનો સમય લાગ્યો હતો, જે સામાન્ય કરતા 38 મિનિટ વધારે હતો.
જો કે એર ઇન્ડિયા પર તેની અસર વધુ થવાની શક્યતા છે કારણ કે તે ઈન્ટરનેસનલ ફ્લાઇટની વધુ સંખ્યાનું સંચાલન કરે છે જે સામાન્ય રીતે તેના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે પાકિસ્તાનમાંથી પસાર થાય છે.