Pahalgam terror attack : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ આતંકી હુમલો થયો હતો. જેમાં 26 નિર્દોષ નાગરિકોના જીવ ગયા હતા. હવે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) આ આતંકી હુમલાની તપાસ કરી રહી છે. પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાના લગભગ 15 દિવસ પહેલા એક સ્થાનિકે તેની દુકાન ખોલી હતી અને ઘટનાના દિવસે તેની દુકાન ખોલી ન હતી. ધ ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ એનઆઈએ સહિત અનેક કેન્દ્રીય એજન્સીઓના અધિકારીઓ તેની પૂછપરછ કરી રહ્યા છે.
એનઆઈએની ટીમે 100 સ્થાનિક લોકોની પૂછપરછ કરી
એનઆઈએ તેની તપાસના ભાગ રૂપે લગભગ 100 સ્થાનિક લોકોની પૂછપરછ કરી ચૂકી છે. પૂછપરછ દરમિયાન જ કેન્દ્રીય એજન્સીને તે વ્યક્તિ વિશે જાણ થઈ હતી જેણે ઘટનાના દિવસે તેની દુકાન ખોલી ન હતી. એક સૂત્રએ જણાવ્યું હતું કે હવે કેન્દ્રીય એજન્સીઓ અને એનઆઈએના અધિકારીઓ તેની પૂછપરછ કરી રહ્યા છે અને કેટલીક કડીઓ મેળવવા માટે તેના ઇન્ટરનેટ પ્રોટોકોલની વિગતોના રેકોર્ડને પણ સ્કેન કરી રહ્યા છે.
કેન્દ્રીય એજન્સીઓના સૂત્રોએ જણાવ્યું હતું કે એનઆઈએની ટીમે તે સમયે સ્થળ પર હાજર રહેલા તમામ સ્થાનિક લોકોની યાદી તૈયાર કરી છે અને હવે તેમની પૂછપરછ કરી રહી છે. સૂત્રએ જણાવ્યું હતું કે આ કેસ એનઆઈએ પાસે હોવાથી, અમે મદદ પૂરી પાડી રહ્યા છીએ અને તમામ સ્થાનિક લોકોને તેમની પાસે મોકલી રહ્યા છીએ. તેઓએ અત્યાર સુધીમાં ટટ્ટુ સંચાલકો, દુકાનદારો, ફોટોગ્રાફરો અને એડવેન્ચર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓમાં કાર્યરત લોકો સહિત 100 સ્થાનિક લોકોની પૂછપરછ કરી છે. તેમાંથી કેટલાકે તપાસકર્તાઓને જણાવ્યું છે કે તેઓને તેમના ઉચ્ચારોના આધારે અથવા હુમલાખોરોએ તેમના ધર્મની જાણ કર્યા પછી જવા દેવામાં આવ્યા હતા.
એનઆઈએએ ઝિપલાઇન ઓપરેટરની પણ પૂછપરછ કરી
આ અઠવાડિયાની શરૂઆતમાં એનઆઈએએ એક ઝિપલાઇન ઓપરેટરની પૂછપરછ કરી હતી અને તેને ક્લિનચીટ આપી હતી, જે એક પર્યટક દ્વારા રેકોર્ડ કરવામાં આવેલા એક વીડિયોમાં અલ્લાહુ અકબર બોલતો જોવા મળ્યો હતો. અન્ય એક સૂત્રએ જણાવ્યું હતું કે પૂછપરછ પછી તે બહાર આવ્યું હતું કે જ્યારે તે અલ્લાહુ અકબર બોલી રહ્યો હતો ત્યારે તે ડરી ગયો હતો અને તરત જ સ્થળ છોડીને ચાલ્યો ગયો હતો. ઘરે પહોંચ્યા બાદ પણ તેણે પોલીસ સહિત કોઇને જાણ કરી ન હતી. તેણે સાંજે તેના મિત્રને ફોન કર્યો હતો.
આ પણ વાંચો – ફારૂક અબ્દુલ્લાએ કહ્યું – સિંધૂ આપણી નદી, પાણી પર આપણો પણ અધિકાર
ગયા મહિને એનઆઈએએ એફઆઈઆર નોંધી હતી, જ્યારે તેમને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સરહદ પારથી રચવામાં આવેલા એક મોટા કાવતરાની તપાસ માટે જમ્મુ-કાશ્મીર પોલીસ પાસેથી પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ સંભાળવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. એજન્સીઓ એ પણ તપાસ કરી રહી છે કે ઓગસ્ટ 2023 માં દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સેનાના ત્રણ જવાનોની હત્યામાં પણ આ જ જૂથ સામેલ હતું કે કેમ. આ આંતકવાદીઓ પર ગયા વર્ષે મે મહિનામાં જમ્મુના પૂંછ જિલ્લામાં થયેલા હુમલામાં સામેલ હોવાની પણ આશંકા છે, જેમાં વાયુસેનેના એક જવાનનું મોત થયું હતું અને ચાર અન્ય ઘાયલ થયા હતા.
સૂત્રએ જણાવ્યું હતું કે કેન્દ્રીય એજન્સીઓ અને એનઆઈએ અગાઉના તમામ કેસોની ફરીથી તપાસ કરી રહી છે અને કોઈ કડીઓ શોધવાનો પ્રયાસ કરી રહી છે જેથી આ હુમલાખોરો સામે મજબૂત કેસ બનાવી શકાય.
પહેલગામ આતંકી હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો તંગ બન્યા છે. ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી છે અને પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવતા તમામ વિઝા રદ કરી દીધા છે. અટારીમાં ચેક પોસ્ટ બંધ કરી દેવામાં આવી છે અને રાજદ્વારીઓને હાંકી કાઢવામાં આવ્યા છે. આ અઠવાડિયે ભારતે પાકિસ્તાનથી આવતા કે નિકાસ થતા તમામ સામાનની આયાત કે પરિવહન પર તાત્કાલિક પ્રતિબંધ લગાવી દીધો હતો.