Indus Water Treaty: પહેલગામ હુમલા પછી પીએમ મોદીના નેતૃત્વમાં સીસીએસની બેઠક યોજાઈ હતી. પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી સીસીએસ બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે સીસીએસના નિર્ણયમાં સિંધુ જળ સંધિને રોકી દેવામાં આવી છે.
પાકિસ્તાનની જીવાદોરી કહેવાતી સિંધુ અને તેની સહાયક નદીઓના પાણી પર ભારત નિયંત્રણ મેળવતાંની સાથે જ ત્યાંના લોકો પાણી માટે તરસી જશે. સિંધુ અને તેની ઉપનદીઓ ચાર દેશોમાંથી વહે છે. એટલું જ નહીં 21 કરોડથી વધુ વસ્તીની પાણીની જરૂરિયાતોની પરિપૂર્ણતા આ નદીઓ પર આધારિત છે.આવી સ્થિતિમાં એ જાણવું મહત્વપૂર્ણ છે કે આ બંને પાડોશી દેશો વચ્ચે સિંધુ જળ સંધિ શા માટે કરવામાં આવી હતી? પાકિસ્તાન માટે કેમ આ જરૂરી છે.
19 સપ્ટેમ્બર, 1960ના રોજ ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ મોહમ્મદ અયુબ ખાને પાકિસ્તાનના કરાચીમાં સિંધુ નદી પર આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
સિંધુ નદી શું છે?
સિંધુ નદી સિંધુ ઘાટી સભ્યતાનો એક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. આ નદી દક્ષિણ-પશ્ચિમ તિબેટમાં માનસરોવર તળાવ નજીકથી નીકળે છે અને કાશ્મીર થઇને પંજાબના ખેતરોમાંથી અરબ સાગરમાં જાય છે. આ નદીની મુખ્ય ઉપનદીઓમાં ઝેલમ, ચિનાબ, રાવી અને વ્યાસનો સમાવેશ થાય છે.
સિંધુ જળ સંધિ
સિંધુ જળ સંધિ પર વિશ્વ બેંકની દેખરેખ હેઠળ 1960માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ અંતર્ગત રાવી, સતલજ અને બ્યાસ નદીઓના પાણી પર ભારતનો વિશેષ અધિકાર છે. જ્યારે સિંધુ, જેલમ અને ચિનાબ નદી પર પાકિસ્તાનનું નિયંત્રણ છે. ભારતને પશ્ચિમી નદીઓ પરના પ્રોજેક્ટ્સના નિર્માણ માટે મંજૂરી મળી ગઈ હતી. આ કરારના અમલીકરણ પર નજર રાખવા માટે સિંધુ જળ આયોગની રચના પણ કરવામાં આવી હતી અને તે દર વર્ષે મળે છે.
શું છે વિવાદ?
‘Indus Divided: India, Pakistan and the River Basin Dispute’ નામના પોતાના પુસ્તકમાં પર્યાવરણવાદી ઇતિહાસકાર ડેનિયલ હેંસ જણાવે છે કે 1948નું વર્ષ પાકિસ્તાનના પશ્ચિમી પંજાબના લોકો માટે પડકારોથી ભરેલું હતું. તેઓ સિંચાઈ માટે કૃત્રિમ રીતે બનાવેલી નહેરો પર આધાર રાખતા હતા. ત્યારે ત્યાંના લોકો પૂછતા હતા કે, કેનાલનું પાણી ક્યારે મળશે.
પરંતુ ઇજનેરોને આ નહેરોમાં નદીના પાણીને ફેરવવાની મંજૂરી આપતા હેડવર્કસ પૂર્વ પંજાબમાં સ્થિત હતા અને ભારતને પાકિસ્તાનના પાણી પુરવઠા પર નિયંત્રણ આપ્યું હતું.
આ પણ વાંચો – પાકિસ્તાનને બાલાકોટ જેવી જવાબી કાર્યવાહીનો ડર, સરહદ પર ટોહી વિમાન કરી રહ્યા છે પેટ્રોલિંગ
ભારતના નેતાઓએ તેમના ક્ષેત્રની અંદરની બધી નદીઓના પાણીને સંપૂર્ણ અધિકાર હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે ભારતના ઇજનેરો સતલજ નદી સાથે જે ઇચ્છે તે કરી શકે છે. પંજાબની નહેરોમાં સતલજ નદીમાંથી પાણી મળતું હતું. પરંતુ પાકિસ્તાને સતલજના પાણી પર દાવો કર્યો કારણ કે તે પાકિસ્તાનની બે મુખ્ય સિંચાઈ યોજનાઓ – રાવી પર માધોપુર અને સતલજ પર ફિરોઝપુર માટે નિર્ણાયક હતું. આ બન્ને નદીઓ ભારતમાં સ્થિત છે.
ધીમે ધીમે આ વિવાદ વધતો ગયો અને તેમાં સિંધુ, ઝેલમ, ચેનાબ, રાવી, બ્યાસ અને સતલજ નદીઓનો સમાવેશ થતો ગયો. 1947માં ભારતના ભાગલા બાદ નવી આંતરરાષ્ટ્રીય સરહદની રચના થઇ હતી, જેમાં ઉત્તરીય પર્વતીય વિસ્તારોને વિભાજિત કરવામાં આવ્યા હતા. મોટાભાગની નદીઓ દક્ષિણના ડેલ્ટામાંથી નીકળે છે, પરંતુ આ નદીઓ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષનું કારણ બની હતી.
ઇન્ટરનેશનલ બેન્ક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ (વર્લ્ડ બેન્ક)ના લાંબા પ્રયાસો બાદ 19 સપ્ટેમ્બર, 1960ના રોજ સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર થયા હતા. આ સંધિ હેઠળ, ભારતને પૂર્વીય નદીઓ – સતલજ, બ્યાસ અને રાવી પર એકાધિકાર મળ્યો હતો જ્યારે પશ્ચિમી નદીઓ – સિંધુ, જેલમ અને ચિનાબના પાણી પર પાકિસ્તાનનો કબજો હતો.
યુદ્ધ પછી પણ આ કરારનું પાલન કરવામાં આવ્યું હતું
ભારત અને પાકિસ્તાન વચ્ચે પાણીની વહેંચણીને લઈને વિવાદ ન થાય તે માટે સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ બંને પાડોશી દેશો વચ્ચે શાંતિ જળવાઈ રહે તે માટે સિંધુ જળ સંધિ મહત્વની ભૂમિકા ભજવે છે. આ બંને દેશો અણુશસ્ત્રોથી સજ્જ છે અને 1965 અને 1971ના યુદ્ધ છતાં બંને દેશોએ સતત આ સંધિનું પાલન કર્યું છે.