Pahalgam Terrorist Attack: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પર્યટકો પર થયેલા આતંકવાદી હુમલાને રાજ્યના સીએમ ઓમર અબ્દુલ્લાએ ધૃણાસ્પદ કૃત્ય ગણાવ્યું છે. તેમણે કહ્યું કે તાજેતરના વર્ષોમાં નાગરિકો પરનો આ સૌથી મોટો આતંકવાદી હુમલો હતો. પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
એક વીડિયોમાં એક મહિલા કહે છે, હું અહીં હતી, ભેળપુરી ખાતી હતી, મારા પતિ સાઇડમાં હતા, એક વ્યક્તિએ આવીને તેમને ગોળી મારી દીધી હતી. તેણે કહ્યું કે કદાચ આ મુસ્લિમ નથી, તેણે તેમને ગોળી મારી દીધી હતી.
ઘણા લોકોના મોતની આશંકા
સમાચાર એજન્સી પીટીઆઈ દ્વારા થોડા સમય પહેલા આપવામાં આવેલી જાણકારી અનુસાર દક્ષિણ કાશ્મીરના પહેલગામમાં થયેલા આ હુમલામાં ઓછામાં ઓછા 20 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને ઘણા લોકો માર્યા ગયા છે. મૃતકોની સંખ્યા અંગે હજુ સુધી સ્પષ્ટતા કરવામાં આવી નથી. પહેલગામમાં આ આતંકી હુમલો એવા સમયે થયો છે જ્યારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી.વેંસ ભારતની મુલાકાતે છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આતંકી હુમલાના સ્થળે અનેક લોકો લોહીથી લથપથ હાલતમાં જમીન પર પડ્યા છે. જ્યારે મહિલા પર્યટકો રડતા રડતા પોતાના પ્રિયજનોને શોધતી જોવા મળી રહી છે.
આ પણ વાંચો – જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકીઓએ પર્યટકો પર ફાયરિંગ કર્યું, 20 લોકોના મોતની આશંકા
પહેલગામ હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું કે 12 ઇજાગ્રસ્ત પ્રવાસીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તે બધાની હાલત સ્થિર છે. એક મહિલાએ ફોન પર પીટીઆઈને જણાવ્યું હતું કે તેના પતિને માથામાં ગોળી વાગી હતી. એક પર્યટકે એક ટીવી ચેનલને જણાવ્યું કે હુમલા સમયે હુમલાના સ્થળે ઓછામાં ઓછા એક હજાર લોકો હાજર હતા.
પહેલગામ આતંકી હુમલો કેમ ચિંતાજનક છે?
કાશ્મીરના પહેલગામમાં થયેલો આ આતંકી હુમલો કેટલો ચિંતાજનક છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પીએમ નરેન્દ્ર મોદીએ આ ઘટનાની જાણકારી સાઉદી અરબથી લીધી છે. ગૃહમંત્રી અમિત શાહે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે અને તેઓ કાશ્મીર જવા રવાના થઈ ગયા છે.
નોંધઃ સમાચારમાં ઉલ્લેખિત વાયરલ વીડિયો ક્રુર હોવાના કારણે અમે તેને તમારી સાથે શેર કરી રહ્યા નથી





