/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/08/Pakistan-America-Oil-Deal.jpg)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ (તસવીર - સોશિયલ મીડિયા)
Pakistan America Oil Deal : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન સાથે તેલની ડીલ કરી છે અને દાવો પણ કર્યો છે કે એક દિવસ પાકિસ્તાન ભારતને તેલ વેચશે. તેલ ડીલની વચ્ચે સવાલ એ ઉભો થયો કે ટ્રમ્પ પાકિસ્તાન સાથે ડીલ કરી રહ્યા છે, પરંતુ તેમણે એક દિવસ પહેલા જ ભારત પર 25 ટકા ટેરિફ કેમ લગાવ્યો?
આ ડીલ ઘણા લોકો માટે આશ્ચર્યજનક હતી કારણ કે પાકિસ્તાન સાઉદી અરેબિયા, ઇરાક અથવા વેનેઝુએલા જેટલું તેલ ઉત્પાદન અને સંશોધન માટે જાણીતું નથી. પાકિસ્તાન ઊર્જા આયાત પર આધાર રાખે છે, તેના હાઇડ્રોકાર્બન ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે, અને તેલ અને ગેસના સંશોધનમાં તેનો રેકોર્ડ નબળો છે. મોટી ઓઇલ કંપનીઓએ ત્યાં રોકાણ કરવાથી દૂર રાખ્યું છે.
આંકડા શું કહે છે?
આંકડા મુજબ પાકિસ્તાનનો ક્રૂડ ઓઈલનો ભંડાર 234થી 353 મિલિયન બેરલની વચ્ચે છે, જ્યારે ભારતનો આંકડો ઘણો સારો છે અને તે 4.8 થી 5 અબજ બેરલ છે. તે પાકિસ્તાન કરતા લગભગ 14 ગણા વધારે છે. તેલ ભંડારની વાત કરીએ તો પાકિસ્તાન દુનિયામાં 50 થી 55મા સ્થાનની વચ્ચે છે, જ્યારે ભારતની હાજરી લગભગ 20માં સ્થાન પર છે.
ભારત પાસે વધુ તેલ છે
જો પ્રાકૃતિક ગેસની વાત કરીએ તો ભારત પાસે 1.15 બિલિયન ક્યુબિક મીટર (બીસીએમ)નો પ્રમાણિત ભંડાર છે, જે પાકિસ્તાનના 0.43 બીસીએમથી 2.7 ગણો વધારે છે. તેલ ઉત્પાદનની દ્રષ્ટિએ એક અંદાજ મુજબ પાકિસ્તાન દરરોજ માત્ર 60 હજાર બેરલ તેલ કાઢે છે, જ્યારે ભારત દરરોજ 5,80,000 બેરલ તેલનું ઉત્પાદન કરે છે. આંકડા સ્પષ્ટ કરે છે કે ભારત પાકિસ્તાન કરતા ઘણું આગળ છે. આ આંકડાઓના આધારે ટ્રમ્પનું નિવેદન કે પાકિસ્તાન ભારતને તેલ વેચશે તે માત્ર હવાજન્ય જ લાગે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા પાકિસ્તાનના તેલ ભંડારને વિકસિત કરવા માટે ઈસ્લામાબાદ સાથે મળીને કામ કરશે, પરંતુ સવાલ એ છે કે પાકિસ્તાનમાં તે તેલના ભંડાર ક્યાં છે? શું પાકિસ્તાન પાસે ખરેખર એટલું તેલ છે?
બીજા બે મજબૂત સવાલો છે
પહેલું એ છે જો પાકિસ્તાન પાસે આટલા મોટા તેલના ભંડાર છે, તો ત્યાં પેટ્રોલ આટલું મોંઘું કેમ છે? પાકિસ્તાનમાં લોકો પેટ્રોલ માટે 272 રૂપિયા પ્રતિ લીટર ચૂકવી રહ્યા છે. બીજું પાકિસ્તાનના લોકોને ઈરાનથી તેલની દાણચોરી કરવાની ફરજ કેમ પડી રહી છે?
ઈમરાન ખાને શું કહ્યું હતું?
પાકિસ્તાનના કયા ભાગમાં આ તેલના ભંડારો છે તે ચોક્કસ જાણી શકાયું નથી અને તેના પર કામ કર્યા પછી અમેરિકા કે પાકિસ્તાનને આનો લાભ કેવી રીતે મળશે? અહીં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના જૂના નિવેદનનો ઉલ્લેખ કરવો પડશે.
ઈમરાન ખાને 2019માં દાવો કર્યો હતો કે પાકિસ્તાનના સમુદ્ર કિનારે મોટા પ્રમાણમાં તેલ અને ગેસ ભંડાર છે. તેમણે ત્યાં સુધી કહ્યું કે એશિયામાં તેની પાસે સૌથી મોટો તેલ અને ગેસનો ભંડાર છે. જો કે ઈમરાન ખાનની આ જાહેરાત બાદ ત્યાંના પેટ્રોલિયમ ડિવિઝને આ વાતને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે ખોદકામમાં તેને આવું કંઈ મળ્યું નથી.
આ પણ વાંચો - ટ્રમ્પના 25 ટકા ટેરિફ પર કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલનું લોકસભામાં પ્રથમ નિવેદન, કહી આવી વાત
અમેરિકા માટે પાકિસ્તાન સાથેની આ ડીલ આગળ વધારવી મુશ્કેલ બનશે કારણ કે પાકિસ્તાનમાં મોટા ભાગના તેલ ભંડાર બલુચિસ્તાનમાં છે, પરંતુ બલુચિસ્તાનમાં ત્યાંના બળવાખોર લડવૈયાઓએ સરકાર અને સેના વિરુદ્ધ યુદ્ધ જાહેર કરી દીધું છે. પાકિસ્તાનના અખબાર ધ ડોને 2024 માં કહ્યું હતું કે મોટી તેલ કંપનીઓ - ટોટલ, શેલ અને એની પાકિસ્તાનની બહાર નીકળી ગઈ છે.
આ સિવાય ઈરાનથી મોટા પાયે પાકિસ્તાનમાં તેલની દાણચોરી કરવામાં આવે છે અને દરરોજ મોટી સંખ્યામાં લોકો પોતાના વાહનોમાં ઈરાનથી તેલ લઈને પાકિસ્તાન આવે છે. જો પાકિસ્તાનમાં આટલું તેલ છે તો પછી લોકો તેની દાણચોરી કરવા માટે કેમ મજબૂર છે?
પેટ્રોલના ભાવ પર લોકો ભડક્યા
ઉલ્લેખનીય છે કે આ વર્ષે જુલાઈમાં જ્યારે પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવમાં 5.36 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, ત્યારે ત્યાં ઉગ્ર બળવો થયો હતો. લોકોએ પૂછ્યું કે તે તેલ માટે આટલી મોંઘી કિંમત કેમ ચૂકવે છે?
પાકિસ્તાન પેટ્રોલિયમ ઈન્ફર્મેશન સર્વિસીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ છેલ્લા કેટલાક મહિનાઓમાં દેશમાં તેલ ઉત્પાદનમાં 11 ટકાનો ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે શું અમેરિકાએ પાકિસ્તાન સાથે કરેલી ઓઈલ ડીલનો કોઈ મતલબ છે?
તેલના સંશોધન અને ઉત્પાદનમાં ઘણા પૈસા તેમજ સમય લાગે છે. ખૂબ જ ખરાબ આર્થિક તબક્કામાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાન માટે તેલ શોધવું અને ઉત્પાદન કરવું સરળ રહેશે નહીં. તેલના ભંડારની શોધ બાદ તેમાંથી તેલ કાઢવા માટે પણ અબજો ડોલરની જરૂર પડે છે અને પાકિસ્તાન માટે આવું કરવું ઘણું મુશ્કેલ છે કારણ કે તેની પાસે આટલા પૈસા નથી. હવે જોવાનું એ રહે છે કે આ કામમાં અમેરિકા તેમને કેટલી મદદ કરશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us