Islamabad District court car blast : પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં કોર્ટ સંકુલની બહાર મંગળવારે થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટ કારની અંદર થયો હતો. પોલીસે આ જાણકારી આપી છે. કોર્ટ સંકુલમાં સામાન્ય રીતે સુનાવણી માટે સેંકડો લોકો આવે છે અને આ કારણે ત્યાં ભીડ હતી. ઇસ્લામાબાદના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ પાકિસ્તાની સમાચાર એજન્સી ડોનને પુષ્ટિ આપી છે કે 12 લોકોના મોત થયા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં સુરક્ષા બેરિકેડની પાછળ પાર્ક કરેલા વાહનોને આગ લાગતી જોવા મળી રહી છે. વાહનોના કાટમાળમાંથી આગની જ્વાળાઓ અને ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો હતો. ડોનના જણાવ્યા અનુસાર વિસ્ફોટનો અવાજ છ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. પોલીસ અધિકારીઓએ આ ઘટનાની તપાસ શરૂ કર્યા બાદ આ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.
આર્મી કોલેજમાં પણ આતંકી હુમલો
આ સિવાય ડેરા ઇસ્માઇલ ખાનમાં પાકિસ્તાની સુરક્ષા દળોએ આર્મી કોલેજમાં કેડેટ્સને બંધક બનાવવાના આતંકીઓના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. સોમવારે સાંજે આતંકીઓએ કોલેજ પર હુમલો કર્યો હતો.
સ્થાનિક પોલીસ વડા આલમગીર મહેસૂદના જણાવ્યા અનુસાર બે આતંકીઓને સૈનિકોએ તરત જ ઠાર માર્યા હતા, જ્યારે ત્રણ અંદર પ્રવેશવામાં સફળ રહ્યા હતા. મહેસૂદે જણાવ્યું હતું કે મંગળવારે પણ બંને પક્ષો તરફથી ગોળીબાર ચાલુ રહી હતી. મહેસૂદે કહ્યું કે તમામ કેડેટ્સ, પ્રશિક્ષકો અને સ્ટાફ સલામત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોલેજમાં તૈનાત સૈનિકોએ હુમલાખોરોને કોલેજની મુખ્ય ઇમારત સુધી પહોંચતા અટકાવ્યા હતા.
16 લોકો ઇજાગ્રસ્ત થયા હતા
પોલીસ વડાએ જણાવ્યું હતું કે આત્મઘાતી હુમલામાં કોલેજ નજીકના ડઝનેક મકાનોને નુકસાન થયું હતું અને ઓછામાં ઓછા 16 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ સિવાય કેટલાક જવાન પણ ઇજાગ્રસ્ત થયા છે. સેનાએ કહ્યું છે કે આ હુમલો તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન અથવા ટીટીપીના આતંકીઓએ કર્યો હતો.
આ પણ વાંચો – રાજધાની દિલ્હીમાં ક્યારે-ક્યારે થયા બ્લાસ્ટ, જાણો પુરી ટાઇમલાઇન
યુએસ અને યુનાઇટેડ નેશન્સ બંને દ્વારા ટીટીપીને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. ટીટીપીએ આ હુમલામાં સંડોવણીનો ઇનકાર કર્યો છે.
ટીટીપીની તાકાત વધી
2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા પછી ટીટીપી વધુ મજબૂત બની છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. અફઘાનિસ્તાને કાબુલમાં 9 ઓક્ટોબરના રોજ થયેલા ડ્રોન હુમલા માટે ઇસ્લામાબાદને દોષી ઠેરવ્યા હતા. આ પછી બંને દેશોના સૈનિકો વચ્ચે સરહદ પારની લડાઈમાં ડઝનેક સૈનિકો, નાગરિકો અને આતંકવાદીઓ માર્યા ગયા હતા. ત્યારબાદ કતરે 19 ઓક્ટોબરે સીઝફાયરની મધ્યસ્થી કરી હતી.





