/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/pakistan-bomb-blast-.jpg)
પાકિસ્તાનમાં આતંકી હુમલા થયો છે (તસવીર - સોશિયલ મીડિયા)
Pakistan Bomb Blast News: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અકોરા ખટ્ટક જિલ્લામાં આવેલ મદરેસા દારુલ ઉલૂમ હક્કાનિયામાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ઘટનાની માહિતી મળ્યા બાદ રેસ્ક્યૂ ઓપરેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા છે. જિલ્લા પોલીસ વડા અબ્દુલ રાશ્દે જણાવ્યું હતું કે અધિકારીઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલ પાકિસ્તાનમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી રમાઇ રહી છે.
લેડી રીડિંગ હોસ્પિટલ એમટીઆઈના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અકોરા ખટ્ટક બ્લાસ્ટમાં જાનહાનિની શક્યતાને કારણે એલઆરએચમાં ઇમરજન્સી સેવાઓ એલર્ટ પર રાખવામાં આવી છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા અને ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર આપવા માટે આખો સ્ટાફ સંપૂર્ણ રીતે તૈયાર છે. ડોનના કેપી બ્યૂરો ચીફ અલી અકબરે એ વાતની પુષ્ટિ કરી છે કે મદરેસાના મુખ્ય હોલમાં શુક્રવારની નમાઝ દરમિયાન મોટો વિસ્ફોટ થયો હતો. આ પછી અધિકારીઓએ નૌશેરામાં કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી.
મૌલાના હમીદુલ હક હક્કાની નિશાના પર હતા: ઇન્સ્પેક્ટર જનરલ
ઇન્સ્પેક્ટર જનરલ ઝુલ્ફિકાર હમીદે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ મુજબ આ આત્મઘાતી હુમલો હતો. કેટલાક લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે મૌલાના હમીદુલ હક હક્કાની ટાર્ગેટ પર હતા. શુક્રવારની નમાઝ પઢતી વખતે હુમલાખોર બાજુના દરવાજાથી મસ્જિદમાં પ્રવેશ્યો હતો.
સંસ્થાની વેબસાઈટ અનુસાર મદરેસાની સ્થાપના સપ્ટેમ્બર 1947માં ઈસ્લામિક વિદ્વાન મૌલાના અબ્દુલ હક્કાનીએ કરી હતી. આ પહેલા મદરેસા એ સમયે તપાસ હેઠળ આવી હતી જ્યારે તેના વિદ્યાર્થીઓ પર પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની હત્યામાં સામેલ હોવાનો આરોપ લાગ્યો હતો. જોકે મદરેસાએ શકમંદો સાથે કોઈપણ પ્રકારનો સંબંધ હોવાનો ઇનકાર કર્યો છે.
પાકિસ્તાની નેતાઓએ આ હુમલાની નિંદા કરી
પાકિસ્તાનના નેતાઓએ આ હુમલાની નિંદા કરી છે. વડા પ્રધાન શેહબાઝ શરીફે ઘાયલો માટે અને જાનમાલના નુકસાન થવા પર સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલોને તાત્કાલિક તબીબી સહાયની માંગ કરી હતી. રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ આ હુમલાને ક્રૂર અને માફ ન કરી શકાય તેવો ગુનો ગણાવ્યો હતો અને ગુનેગારોને દેશ, રાષ્ટ્ર અને માનવતાના દુશ્મન ગણાવ્યા હતા. પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝે આ હુમલાની નિંદા કરતા તેને ખુલ્લો આતંકવાદ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે પાકિસ્તાન આતંકવાદ સામેની લડતમાં એકજૂટ થઈને ઊભું રહેશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us