India-Pakistan Conflict : ઓપરેશન સિંદૂરના ચાર મહિના બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે ભારત-પાકિસ્તાન સંબંધો અંગે મોટો ખુલાસો કર્યો છે. તેમણે દાવો કર્યો હતો કે ભારતે ક્યારેય પાકિસ્તાન સાથે કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થી સ્વીકારી નથી. ઇશાક ડારે કહ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન સીઝફાયરનો પ્રસ્તાવ અમેરિકા દ્વારા આવ્યો હતો પરંતુ ભારત સંમત થયું ન હતું.
વિદેશ મંત્રી ઇશાક ડારે જાહેરમાં સ્વીકાર્યું હતું કે ભારત ક્યારેય કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થતા માટે સંમત થયું નથી. તેમણે કહ્યું કે જ્યારે પાકિસ્તાને અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોને ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થતા વિશે પૂછ્યું ત્યારે રુબિયોએ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે ભારતે હંમેશા કહ્યું છે કે આ દ્વિપક્ષીય મુદ્દો છે.
અમેરિકાના વિદેશ મંત્રીએ મધ્યસ્થી વિશે વાત કરી હતી
ઇશાક ડારે કહ્યું કે પાકિસ્તાને ભારત સાથે વાતચીત માટે ઘણી પહેલ કરી છે. તેમણે દાવો કર્યો હતો કે 10 મેના રોજ સવારે 8:17 વાગ્યે અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોએ તેમને કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન ટૂંક સમયમાં સ્વતંત્ર સ્થળે વાતચીત કરશે પરંતુ બાદમાં 25 જુલાઈએ જ્યારે તેઓ વોશિંગ્ટનમાં રૂબિયાને મળ્યા ત્યારે તેમણે એક મહત્વપૂર્ણ જવાબ આપ્યો હતો. ઇશાક ડારે કહ્યું છે કે રૂબિયાએ તેમને કહ્યું હતું કે ભારતે ત્રીજા પક્ષની ભૂમિકાને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે આ માત્ર દ્વિપક્ષીય મામલો છે.
આ પણ વાંચો – પીએમ મોદીએ કહ્યું – કોંગ્રેસ-આરજેડીના લોકો ઘૂસણખોરોને બચાવવામાં લાગ્યા
ભારતે ના પાડી દીધી હતી
ઇશાક ડારે કહ્યું છે કે પાકિસ્તાનને ત્રીજા પક્ષની મધ્યસ્થતાથી કોઈ સમસ્યા નથી પરંતુ ભારતે હંમેશા કહ્યું છે કે આ દ્વિપક્ષીય મામલો છે. ડારે કહ્યું કે જ્યારે યુદ્ધવિરામનો પ્રસ્તાવ રુબિયો દ્વારા આવ્યો ત્યારે અમને ખાતરી આપવામાં આવી હતી કે ભારત સાથે વાતચીત થશે, પરંતુ બાદમાં એવું કહેવામાં આવ્યું કે ભારતે ના પાડી દીધી હતી.
ઇશાક ડારે કહ્યું છે કે અમે કોઈ પણ વસ્તુ માટે ભીખ માંગતા નથી. જો કોઈ દેશ વાતચીત ઇચ્છે છે, તો અમે ખુશ થઈશું, અમે સ્વાગત કરીએ છીએ. અમે શાંતિપ્રિય દેશ છીએ. અમે માનીએ છીએ કે વાતચીત એ આગળ વધવાનો માર્ગ છે, પરંતુ દેખીતી રીતે વાતચીત માટે બે લોકોની ઇચ્છાની જરૂર છે, તેથી જ્યાં સુધી ભારત વાતચીત નહીં કરે ત્યાં સુધી આવું નહીં થાય.





