/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Faiz-Hameed.jpg)
Faiz Hameed : પાકિસ્તાની સેનાએ આઈએસઆઈના પૂર્વ પ્રમુખ લેફ્ટિનેન્ટ જનરલ ફૈઝ હમીદની ધરપકડ કરી (ફાઇલ ફોટો)
Faiz Hameed : પાકિસ્તાની સેનાએ આઈએસઆઈના પૂર્વ પ્રમુખ લેફ્ટિનેન્ટ જનરલ ફૈઝ હમીદની ધરપકડ કરી છે. સેનાએ તેમની સામે કોર્ટ માર્શલની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે જમીન સાથે જોડાયેલા એક કેસ ઉપરાંત રિટાયરમેન્ટ બાદ પાકિસ્તાન આર્મી એક્ટના ઉલ્લંઘન મામલે ફૈઝ હમીદની ધરપકડનો આદેશ આપ્યો હતો. સેનાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે આ કાર્યવાહી સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કરવામાં આવી છે.
પાકિસ્તાની સેનાએ કેમ કરી આ કાર્યવાહી?
પાકિસ્તાન સેનાની મીડિયા વિંગ ઇન્ટર સર્વિસિઝ પબ્લિક રિલેશન્સ (આઇએસપીઆર)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરતા લેફ્ટિનેન્ટ જનરલ ફૈઝ હમીદ (રિટાયર્ડ) સામે ટોપ સિટી કેસમાં કરવામાં આવેલી ફરિયાદોની સત્યતા જાણવા માટે તપાસ કરવામાં આવી હતી. આ પછી આ કાર્યવાહી કરવામાં આવી છે. તેમની સામે પાકિસ્તાન આર્મી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ફૈઝ હમીદ પૂર્વ પીએમ ઈમરાન ખાનની ખૂબ નજીક છે
ફૈઝ હમીદને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ખૂબ નજીક માનવામાં આવતા હતા. ફૈઝ હમીદના નામની વ્યાપક ચર્ચા ત્યારે થઈ જ્યારે તેમણે જૂન 2019થી ઓક્ટોબર 2021 સુધી એએસઆઈના ડાયરેક્ટર જનરલ તરીકે સેવા આપી હતી. ઈમરાન ખાનની ઈચ્છા હતી કે તેઓ સેનાનો આગામી પ્રમુખ બને, પરંતુ તે પહેલા ઈમરાન ખાન ખુદ જેલમાં ગયા હતા. એવું માનવામાં આવે છે કે આઇએસઆઇના વડા તરીકે ફૈઝ હમીદે તાલિબાનને અફઘાનિસ્તાનમાં સત્તા મેળવવામાં મદદ કરી હતી.
આ પણ વાંચો - બાંગ્લાદેશ હિંસા : શેખ હસીનાનો મોટો ખુલાસો, પોતાની સરકારના પતન માટે અમેરિકાને જવાબદાર ગણાવ્યું
તાલિબાનના સત્તામાં આવ્યાના એક મહિના પછી જ ફૈઝ હમીદે કાબુલની મુલાકાત લીધી હતી અને અમેરિકાની પીછેહઠ પછી અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અંગે ચર્ચા કરી હતી. આઈએસઆઈમાં તેમના કાર્યકાળ પહેલા તેમણે રાવલપિંડીમાં જનરલ આર્મી હેડક્વાર્ટર્સમાં એડજ્યુટન્ટ જનરલ તરીકે સેવા આપી હતી. તેમણે નિવૃત્તિ પહેલા પેશાવર અને બહાવલપુર એકમોમાં કોર્પ્સ કમાન્ડર તરીકે પણ કામ કર્યું હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us