Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ભારતની રાજદ્વારી કાર્યવાહી બાદ પાકિસ્તાનમાં ભય છે. દરમિયાન પાકિસ્તાનના સૂચના પ્રધાન અતાતુલ્લા તરારે બુધવારે દાવો કર્યો હતો કે ભારત આગામી 24 થી 36 કલાકમાં પાકિસ્તાનની અંદર લશ્કરી કાર્યવાહીની યોજના બનાવી રહ્યું છે.
શાહબાઝ સરકારના મંત્રી અતાતુલ્લા તરારે એક્સ પોસ્ટમાં કહ્યું, ‘પાકિસ્તાન પાસે વિશ્વસનીય ગુપ્ત માહિતી છે કે ભારત પહેલગામ ઘટનામાં સંડોવણીના પાયાવિહોણા અને બનાવટી આરોપોના બહાને આગામી 24-36 કલાકમાં પાકિસ્તાન વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી કરવા માગે છે.’ પાકિસ્તાનને આતંકવાદનો શિકાર ગણાવતા તરારે કહ્યું કે તેણે દુનિયામાં દરેક જગ્યાએ તેની નિંદા કરી છે.
તરારે ચેતવણી આપી
પાકિસ્તાની મંત્રીએ વધુમાં કહ્યું, ‘પાકિસ્તાને પુનરોચ્ચાર કર્યો કે ભારત દ્વારા કોઈપણ લશ્કરી સાહસનો દૃઢતા અને નિર્ણાયકતા સાથે જવાબ આપવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સમુદાયે એ વાસ્તવિકતા પ્રત્યે જાગૃત રહેવું જોઈએ કે તણાવ અને તેના પરિણામોની જવાબદારી સંપૂર્ણપણે ભારત પર રહેશે. રાષ્ટ્ર દરેક કિંમતે પાકિસ્તાનની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાની રક્ષા કરવાના તેના સંકલ્પને પુનરાવર્તિત કરે છે.
પીએમ મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે નવી દિલ્હીમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, CDS અનિલ ચૌહાણ, NSA અજીત ડોભાલ અને ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદને યોગ્ય ફટકો આપવાનો અમારો રાષ્ટ્રીય સંકલ્પ છે. અમને ભારતીય સશસ્ત્ર દળોની વ્યાવસાયિક ક્ષમતાઓમાં પૂરો વિશ્વાસ છે. સેનાએ આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહીની પદ્ધતિ, લક્ષ્ય અને સમય નક્કી કરવો જોઈએ.
પહેલગામમાં આતંકી હુમલા બાદ તણાવ વધ્યો છે
તાજેતરમાં પહેલગામમાં થયેલા હુમલામાં 26 લોકોના મોત થયા હતા. આનાથી પરમાણુ સશસ્ત્ર પડોશીઓ વચ્ચે લાંબા સમયથી ચાલતી દુશ્મનાવટ ફરી જાગી છે. ભારતે આ હુમલામાં પાકિસ્તાનની સંડોવણી અંગે ખુલ્લેઆમ ઈશારો કર્યો છે, જોકે ઈસ્લામાબાદે કોઈપણ ભૂમિકાનો ઈન્કાર કર્યો છે. ભારતે ઘણા કડક પગલાં લીધા છે. જેમાં પાકિસ્તાની નાગરિકોને તેમના દેશમાં પાછા મોકલવા અને સિંધુ જળ સંધિ કરાર રદ કરવાનો સમાવેશ થાય છે.