Pakistan Ranger In BSF Custody: રાજસ્થાન બોર્ડર પર પાકિસ્તાની રેન્જરની અટકાયત કરવામાં આવી છે, બીએસએફે આ મોટી કાર્યવાહી હાથ ધરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, રાજસ્થાનના શ્રીગંગાનગરમાં સુરક્ષાદળોને આ સફળતા મળી છે. પ્રાથમિક માહિતી મુજબ પાકિસ્તાની રેન્જર સરહદમાં પ્રવેશવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે બીએસએફે તેને અટકાવ્યો હતો અને તેને કસ્ટડીમાં લીધો હતો. હવે તે કયા હેતુથી સરહદ પાર કરી રહ્યો હતો, તે હજુ સ્પષ્ટ થયું નથી.
સીમા પર સુરક્ષા કડક, પાકિસ્તાનને મુશ્કેલી
હાલ પહેલગામ આતંકવાદી હુમલા બાદથી જ તણાવનો માહોલ છે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ઘણા ખરાબ થઈ ગયા છે. આવી સ્થિતિમાં, પાકિસ્તાનની દરેક પ્રવૃત્તિ પર નજીકથી નજર રાખવામાં આવે છે, સરહદ પર સુરક્ષા પણ વધારવામાં આવી છે. આ સુરક્ષાને કારણે શનિવારે રાત્રે પાકિસ્તાની રેન્જર પકડાયો હતો, હવે તેની વધુ પૂછપરછ કરવામાં આવશે. આમ જોવા જઈએ તો મોટી વાત એ છે કે થોડા દિવસ પહેલા પાકિસ્તાને પણ બીએસએફના એક જવાનને પકડ્યો હતો.
બીએસએફ સૈનિકને પાકિસ્તાને પકડ્યો
પંજાબના ફિરોઝપુર સેક્ટરમાં બીએસએફની 182મી બટાલિયનમાં તૈનાત પૂર્ણમ સાહુ યુનિફોર્મમાં હતો અને તેની પાસે પોતાની સર્વિસ રાઇફલ હતી. બુધવારે તેમણે કથિત રીતે અજાણતાં જ સરહદ પાર કરી લીધી હતી. બીએસએફના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટના ત્યારે બની જ્યારે સાહુ તેમની સાથે સીમા પાસે ખેડૂતોના એક સમૂહની સુરક્ષા માટે જઈ રહ્યો હતો. તે એક ઝાડ નીચે આરામ કરવા ગયો અને અજાણતાં જ પાકિસ્તાનની સરહદમાં પ્રવેશ્યો. પાકિસ્તાન રેન્જર્સ દ્વારા તેને તરત જ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
અધિકારીઓએ ગુરુવારે રાત્રે પુષ્ટિ કરી હતી કે ભારત અને પાકિસ્તાની સરહદના સૈનિકોએ સાહુની મુક્તિ અંગે ચર્ચા કરવા માટે ફ્લેગ મીટિંગ યોજી હતી, પરંતુ પરિવારને તેના વિશે વધુ માહિતી મળી નથી. હાલ તો ભારત તરફથી પાકિસ્તાન પર દબાણ કરવામાં આવી રહ્યું છે, બીએસએફ જવાનને સુરક્ષિત પરત લાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.





