pappu yadav : બિહારના પૂર્ણિયાથી સાંસદ પપ્પુ યાદવને લોરેન્સ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. થોડા દિવસ પહેલા તેમણે સલમાન ખાનના મુદ્દે વાત કરી હતી અને ગેંગસ્ટર લોરેન્સ પર પણ કટાક્ષ કર્યો હતો. હવે આ જ વાતથી ગુસ્સે ભરાયેલા લોરેન્સ ગેંગે પપ્પુ યાદવને ધમકી આપી છે. દાવો કરવામાં આવ્યો છે કે લોરેન્સના માણસોએ પપ્પુ યાદવના નિવાસસ્થાન નજીક રેકી કરી છે, તેમની સાથે વાત કરવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે.
પપ્પુ યાદવને શું ધમકી મળી છે?
થોડા દિવસ પહેલા પપ્પૂ યાદવે લોરેન્સની મજાક ઉડાવી હતી અને કહ્યું હતું કે તે તેને 24 કલાકમાં ખતમ કરી દેશે. ત્યાર બાદ તેમને સતત ધમકી આપવામાં આવી રહી છે. પૂર્ણિયા સાંસદે આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. તેમના મતે તેમની સાથે કોઇ પણ અનિચ્છનીય ઘટના બની શકે છે, સરકારે તેમની સુરક્ષા અંગે વિચારવું જોઇએ. આમ જોવા જઈએ તો પપ્પુ યાદવને અન્ય ઘણા સમૂહો તરફથી પણ ધમકીઓ મળી રહી છે.
સલમાન ખાનના મુદ્દે બોલવું ભારે પડ્યું?
અહેવાલ છે કે અમન ગેંગસ્ટરના નજીકના મયંક નામના વ્યક્તિએ પણ પપ્પુ યાદવને પોતાની હદમાં રહેવાની સલાહ આપી છે. જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હું પપ્પુ યાદવને સ્પષ્ટ રીતે કહું કે તમે તમારી હદમાં શાંતિથી રાજનીતિ કરવા પર ધ્યાન આપો. અહીં અને ત્યાં વધારે ટીઆરપી કમાવવાના ચક્કરમાં ન ફસાશો નહીંતર તમને રેસ્ટ ઇન પીસ કરી દઇશું.
આ પણ વાંચો – લોરેન્સ બિશ્નોઇ ગેંગના 7 શૂટરની ધરપકડ, દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલની ઘણા રાજ્યોમાં કાર્યવાહી
પપ્પુ યાદવે શું કહ્યું હતું?
તમને જણાવી દઈએ કે બાબા સિદ્દીકીની હત્યા બાદ પપ્પુ યાદવે કહ્યું હતું કે જો કાયદો અને વ્યવસ્થા તેમના હાથમાં આપવામાં આવશે તો તે લોરેન્સ જેવા બે ટકાના ગેંગસ્ટર્સનું આખું નેટવર્ક ખતમ કરી દેશે. એ નિવેદન બાદથી વિવાદ વધી ગયો હતો અને એવું માનવામાં આવી રહ્યું હતું કે પપ્પુ યાદવનો જીવ પણ જોખમમાં છે. આજ તકના રિપોર્ટ અનુસાર લોરેન્સ જેલમાં જામર લગાવીને સતત પપ્પુ યાદવનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ સાંસદે એક પણ વાર તેમનો ફોન ઉપાડ્યો નથી.





