Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિક પહેલા જ ફ્રાન્સમાં બદમાશોએ હંગામો મચાવ્યો છે. સ્થિતિ એવી છે કે, રેલ નેટવર્ક અને સેવાઓ ખરાબ રીતે નિષ્ફળ થઈ રહી છે. એટલું જ નહીં અનેક રેલવે ટ્રેનોમાં આગચંપીનાં બનાવો પણ સામે આવ્યા છે. આ ઘટનાથી લગભગ 8 લાખ મુસાફરો પ્રભાવિત થયા છે.
પેરિસ ઓલિમ્પિક સમારોહ પહેલા જ ન્યૂઝ એજન્સી AFPએ સમગ્ર મામલાની માહિતી આપી છે કે, ફ્રાન્સની ટ્રેન ઓપરેટર કંપની SNCF ના જણાવ્યા અનુસાર, ફ્રાન્સની હાઈ સ્પીડ ટ્રેનોમાં આગચંપી થઈ છે. જેના કારણે સમગ્ર રેલવે તંત્ર ખોરવાઈ ગયું છે. ટ્રેન ઓપરેટરના જણાવ્યા મુજબ, SNCF ગઈકાલે રાત્રે ઘણી વખત આ દુર્ભાવનાપૂર્ણ હુમલાનો શિકાર બની હતી. આ હુમલામાં રેલવે લાઇનની એટલાન્ટિક, ઉત્તરી અને પૂર્વીય લાઇન ખરાબ રીતે પ્રભાવિત થઈ છે.
SNCF એ આ હંગામા વિશે માહિતી આપી છે કે, આ કારણે મુસાફરી કરી રહેલા મુસાફરોને ટ્રેન સ્ટેશનોથી દૂર રહેવા માટે વિનંતી કરવામાં આવી છે. આ હુમલો ઓલિમ્પિક સમારોહની તૈયારીઓ દરમિયાન થયો હતો. આ ઓલિમ્પિકમાં 7500 એથ્લેટ, 300,000 દર્શકો અને વીઆઈપી હાજરી આપવાના છે. ઘટનાની તપાસ કરી રહેલા એક સૂત્રએ સમાચાર એજન્સી AFP ને જણાવ્યું કે, TGV નેટવર્ક (Turbotrain Grande Vitesse) પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
લંડન અને પેરિસ વચ્ચેની રેલ સેવાઓ ખોરવાઈ ગઈ
આ ઘટનાને કારણે લંડન અને પેરિસ વચ્ચેની ટ્રેન સેવા બંધ કરી દેવામાં આવી છે. france24.com ના રિપોર્ટ અનુસાર રેલ કંપની યુરોસ્ટારે કહ્યું કે, લંડન અને પેરિસ વચ્ચે ચાલતી ટ્રેનોમાં તોડફોડની ઘટનાઓ સામે આવી છે. જેના કારણે આ ટ્રેન રૂટ ખોરવાઈ ગયો છે. જેના કારણે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે.





