PM Modi Lok Sabha Speech : લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર પીએમ નરેન્દ્ર મોદીએ ચર્ચાનો જવાબ આપ્યો હતો. જોકે પીએમ મોદી બોલવા માટે ઉભા થયા કે તરત જ વિપક્ષી સાંસદોએ હંગામો શરૂ કરી દીધો. હોબાળા વચ્ચે મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું કે હું રાષ્ટ્રપતિના સંબોધન માટે ખૂબ જ આભારી છું. હું કૃતજ્ઞતા વ્યક્ત કરવા હાજર છું. આટલું જ નહીં તેમણે આ દરમિયાન વિપક્ષી પાર્ટીઓને પણ આડે હાથ લીધી છે. જાણો પીએમ મોદીના સંબોધનના મહત્વના મુદ્દા…
પીએમ મોદીના સંબોધનના મહત્વના મુદ્દા
-પીએમ મોદીએ કહ્યું કે અમે દુનિયાને બતાવ્યું કે આ દુનિયાનું સૌથી મોટું ચૂંટણી અભિયાન હતું. વિશ્વના સૌથી મોટા ચૂંટણી પ્રચારમાં દેશની જનતાએ અમને પસંદ કર્યા છે. હું કેટલાક લોકોની પીડા સમજી શકું છું સતત ખોટું બોલવા છતા તેમનો કારમો પરાજય થયો.
-વડાપ્રધાને કહ્યું કે આ ચૂંટણી પ્રચારમાં દેશની જનતાએ અમને ત્રીજી વખત સેવા કરવાની તક આપી છે. વિશ્વ માટે આ ખૂબ જ ગર્વની ઘટના છે. દેશની જનતાએ અમારી પરીક્ષા કરીને અમને આ જનાદેશ આપ્યો છે. જનતાએ અમારા 10 વર્ષોનો કાર્યકાળ જોયો છે. જનતાએ જોયું કે અમે જે સમર્પણ સાથે ગરીબોના કલ્યાણ માટે કામ કર્યું તેના કારણે 10 વર્ષમાં 30 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા. આટલા ઓછા સમયમાં આટલા બધા લોકોને ગરીબીમાંથી બહાર આવતા જોવું એ અમારા માટે આશીર્વાદ સમાન હતું.
-પીએમ મોદીએ કહ્યું કે અમે તમામ ધર્મોની સમાનતા જાળવીને કામ કરવાનો પ્રયાસ કર્યો છે. દેશે લાંબા સમયથી તુષ્ટિકરણની રાજનીતિ જોઈ છે, તુષ્ટિકરણનું મોડલ પણ જોયું છે. આપણે તુષ્ટીકરણ નહીં સંતુષ્ટીકરણને લઇને ચાલીએ. અમે બધા માટે ન્યાયના સિદ્ધાંતને અનુસરીએ છીએ. દેશે 10 વર્ષ સુધી અમારી કસોટી કરી અને પછી અમને ફરીથી સમર્થન આપ્યું.
-પીએમ મોદીએ કહ્યું કે 2014 પહેલા એક સમય હતો જ્યારે મોટી બેંકોને તાળાં લાગતા હતા. 2014 પછી નીતિઓમાં ફેરફારો થયા અને નિર્ણયોમાં ગતિ આવી. આજે ભારતીય બેંકોએ વિશ્વની સારી બેંકોમાં સ્થાન મેળવ્યું છે. 2014 પહેલા એક એવો સમય હતો જ્યારે આતંકવાદીઓ દેશ પર હુમલા કરતા હતા. આજે 2014 પછીનું ભારત ઘરમાં ઘૂસીને મારે છે. એર સ્ટ્રાઇક કરે છે, સર્જિકલ સ્ટ્રાઇક કરે છે.
-પીએમએ કહ્યું કે આજે દેશનો દરેક નાગરિક જાણે છે કે તે કંઈ પણ કરી શકે છે. જમ્મુ અને કાશ્મીરમાં આર્ટિકલ 370એ કેવી સ્થિતિ બનાવી દીધી હતી? અહીં સંવિધાનને માથે રાખીને નાચતા લોકો ત્યાં બંધારણનો અમલ કરવામાં અચકાતા હતા. લોકો કહેતા હતા – જમ્મુ-કાશ્મીરનું કંઈ નહીં થઈ શકે. જમ્મુ-કાશ્મીરની દિવાલ તુટી ત્યારે બધું બદલાઈ ગયું. હવે લોકો ત્યાં રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવા આવી રહ્યા છે.
આ પણ વાંચો – રાહુલ ગાંધીના જે ભાષણના ગદગદ થઈ રહ્યો છે વિપક્ષ, સ્પીકરે ચલાવી કાતર
-પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે લોકોનો આ વિશ્વાસ સંકલ્પ દ્વારા સિદ્ધિનો વિશ્વાસ છે. જ્યારે આઝાદીની લડાઈ ચાલી રહી હતી ત્યારે લોકો આઝાદી મેળવવા માટે ઉત્સાહિત હતા. આજે લોકો માને છે કે ભારત વિકાસ કરતું રહેશે. આ ચૂંટણીએ તેનો પાયો નાખ્યો છે. તેમણે કહ્યું કે આજે ભારતના લક્ષ્યો ઘણા મોટા છે. આજે છેલ્લા 10 વર્ષોમાં, ભારત એવી સ્થિતિમાં પહોંચ્યું છે જ્યારે આપણે આપણા પોતાના રેકોર્ડ સાથે સ્પર્ધા કરી રહ્યા છીએ. આજે આપણું કામ એક માપદંડ બની ગયું છે. હું માનું છું કે અમે તે જ ગતિએ વિકાસ કાર્યોને પૂર્ણ કરીશું અને તેને આગલા સ્તર પર લઈ જઈશું. અમે દેશની અર્થવ્યવસ્થાને વિશ્વમાં નંબર 3 પર લઈ જઈશું.
-વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કૌભાંડોનો એક સમય હતો જ્યારે જાહેરમાં સ્વીકારવામાં આવ્યું હતું કે જો દિલ્હીથી 1 રૂપિયા મોકલવામાં આવે તો માત્ર 15 પૈસા પહોંચે છે. 1 રૂપિયામાં 85 પૈસાનું કૌભાંડ છે. કૌભાંડોની આ દુનિયાએ દેશને નિરાશાની ગર્તામાં ધકેલી દીધો હતો. ગેસ કનેક્શન માટે લોકોએ સાંસદોના ચક્કર લગાવવા પડ્યા હતા અને તેમ છતાં ગેસ કનેક્શન મળ્યું નથી.
-પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે 1984ની ચૂંટણીને યાદ કરો. ત્યારથી લઈને અત્યાર સુધી 10 લોકસભા ચૂંટણી થઈ છે. ત્યારપછી કોંગ્રેસ 250ના આંકડાને સ્પર્શી શકી નથી. આ વખતે આપણે 99ની જાળમાં ફસાઈ ગયા છીએ. મને એક ઘટના યાદ આવે છે. એક બાળક 99% માર્ક્સ લઇને ફરી રહ્યો હતો. લોકોની શાબાસી લઇ રહ્યો હતો. શિક્ષકે કહ્યું કે 100માંથી 99 નંબર નથી આવ્યા, 543માંથી આવ્યા છે.
-પીએમએ કહ્યું કે કોંગ્રેસના નેતાઓએ ફિલ્મ શોલેને પણ પાછળ છોદી દીધી છે. આ લોકો કહી રહ્યા છે – તેઓ માત્ર ત્રીજી વખત હાર્યા છે. અરે મૌસી 13 રાજ્યોમાં ઝીરો સીટ છે, પણ તે હીરો છે ને? અરે મૌસી પાર્ટી ડૂબી ગઈ છે, પણ પાર્ટી શ્વાસ તો લઈ રહી છે. હું કહીશ કે નકલી વિજયની ઉજવણી કરશો નહીં. ઈમાનદારીથી દેશમાં આપવામાં આવેલા જઆદેશને સમજવાનો પ્રયાસ કરો અને તેને સ્વીકારો.
-પીએમ મોદીએ કહ્યું કે મને ખબર નથી કે કોંગ્રેસના સહયોગીઓએ ચૂંટણીનું વિશ્લેષણ કર્યું છે કે નહીં. કોંગ્રેસ પાર્ટી 2024થી પરોપજીવી પાર્ટી તરીકે ઓળખાશે. પરોપજીવી તે છે જે તે શરીર સાથે રહે છે તેને જ ખાય છે. કોંગ્રેસ જેની સાથે રહે છે તેના વોટ ખાય છે. જ્યારે હું કોંગ્રેસને પરોપજીવી કહું છું તે આંકડા સાથે કહું છું.





