Parliament Winter Session: સંસદ શિયાળુ સત્રમાં સંવાદ થશે કે સંઘર્ષ ! કેન્દ્ર સરકાર આ 10 બિલ રજૂ કરશે

Parliament Winter Session : સંસદનું શિયાળુ સત્ર 1 થી 19 ડિસેમ્બર, 2025 સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન, 15 બેઠકો થશે અને કેન્દ્ર સરકાર દ્વારા 10 નવા બિલ રજૂ કરવામાં આવશે. વિપક્ષ SIR, દિલ્હી વિસ્ફોટ સહિત વિવિધ મુદ્દાઓ ચર્ચાની માંગણી કરી રહ્યું છે.

Written by Ajay Saroya
December 01, 2025 09:04 IST
Parliament Winter Session: સંસદ શિયાળુ સત્રમાં સંવાદ થશે કે સંઘર્ષ ! કેન્દ્ર સરકાર આ 10 બિલ રજૂ કરશે
Parliament : સંસદ ભવન. (Photo: @sansad_tv)

Parliament Winter Session : સંસદનું શિયાળુ સત્ર આજે એટલે કે 1 ડિસેમ્બરથી શરૂ થયું છે, જે 19 ડિસેમ્બર સુધી ચાલશે. એવું માનવામાં આવે છે કે આ વખતે પણ સંસદનું શિયાળુ સત્ર બહુ જ તોફાની હોઈ શકે છે. વિપક્ષ ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મક્કમ છે, જ્યારે સરકાર વાતચીતની વાત કરી રહી છે, પરંતુ કોઈ પણ પ્રકારનો અવરોધ ન ઉભો કરવાની અપીલ કરતી પણ જોવા મળી રહી છે.

તમને જણાવી દઇયે કે, 18મી લોકસભાનું આ છઠ્ઠું સત્ર છે, જે 1 ડિસેમ્બરથી 19 ડિસેમ્બર સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન, 15 બેઠકો થશે અને સરકાર દ્વારા 10 નવા બિલ રજૂ કરવામાં આવશે. બિહાર ચૂંટણીમાં એનડીએની જીત પછી, આ સત્ર વધુ રાજકીય રંગ લઈ રહ્યું હોય તેવું લાગે છે. મત ચોરી અને એસઆઈઆર જેવા મુદ્દાઓ ફરી એકવાર અગ્રણી બનવા જઈ રહ્યા છે.

દૈનિક ભાસ્કરના એક અહેવાલ મુજબ આ સત્રમાં વિપક્ષ ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ લાવે તેવી શક્યતા છે. તો અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્મા પર ચાલી રહેલા મહાભિયોગ પર રચાયેલી વિશેષ સમિતિ પણ આ સત્રમાં પોતાનો અહેવાલ રજૂ કરી શકે છે. આ સિવાય 10 નવેમ્બરે દિલ્હીમાં થયેલા વિસ્ફોટના મામલે કેન્દ્ર સરકાર સામે પણ સવાલો ઉઠાવી શકાય છે.

સંસદ શિયાળુ સત્રમાં રજૂ થનાર 10 બિલ

ક્રમબિલ/ ખરડો
1પરમાણુ ઊર્જા બિલ
2ભારતીય ઉચ્ચ શિક્ષણ પંચ બિલ (હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઈન્ડિયા બિલ)
3રાષ્ટ્રીય ધોરીમાર્ગ (સુધારા) બિલ (નેસનલ હાઇવે એમેન્ડમેન્ટ બિલ)
4કોર્પોરેટ લો (સુધારા) બિલ
5સિક્યોરિટીઝ માર્કેટ કોડ બિલ (SMC)
6મેન્યુફેક્ચરર્સ એન્ડ સર્વિસ ટેક્સ (સુધારા) બિલ
7બંધારણ (131મો સુધારા) બિલ
8રદ અને સુધારા વિધેયક
9આર્બિટ્રેશન એન્ડ કન્સિલિએશન (સુધારા) બિલ
10વીમા કાયદો (સુધારા) બિલ

આમ તો રવિવારે સર્વપક્ષીય બેઠક બાદ લોકસભા અને રાજ્યસભાની બિઝનેસ એડવાઈઝરી કમિટી (બીએસી)ની બેઠકો યોજાઈ હતી, જેમાં વિપક્ષે ચૂંટણી સુધારણાના વ્યાપક મુદ્દા પર ચર્ચા કરવાની માંગ કરી હતી. સરકારે વિપક્ષને ખાતરી આપી હતી કે તે ટૂંક સમયમાં આ અંગે પોતાનો અભિપ્રાય આપશે. સરકારે વંદે માતરમની રચનાની 150મી વર્ષગાંઠ પર ચર્ચા કરવાનો આગ્રહ રાખ્યો હતો, પરંતુ ઘણા વિપક્ષી પક્ષોએ આ અંગે ઉત્સાહ દર્શાવ્યો ન હતો.

વિપક્ષી દળોના નેતાઓએ કહ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે સોમવારે બપોરે બે વાગ્યે એસઆઈઆર પર ચર્ચા શરૂ થાય, પરંતુ સરકાર તેના માટે તૈયાર નથી. વિપક્ષી દળોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈપણ અવરોધ માટે સરકાર જવાબદાર રહેશે.

આ પણ વાંચો | સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ; SIR, દિલ્હી બ્લાસ્ટ સહિત ઘણા મુદ્દાઓ ચર્ચા કરવા વિક્ષપની માંગ

સંસદના ચોમાસું સત્રમાં શું કામગીરી થઇ હતી

જો આપણે સંસદના ચોમાસું સત્રની વાત કરીએ તો તે 21 જુલાઈથી 21 ઓગસ્ટ સુધી ચાલ્યું. તે દરમિયાન કુલ 21 બેઠકો યોજાઈ હતી. લોકસભામાં 120 કલાકની ચર્ચામાંથી માત્ર 35 કલાકની ચર્ચા થઈ હતી, જ્યારે રાજ્યસભામાં આ આંકડો 41 કલાક હતો. ચોમાસુ સત્રમાં લોકસભામાં 12 અને રાજ્યસભામાં 15 વિધેયક પસાર થયા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ