chhattisgarh bilaspur train accident : છત્તીસગઢના બિલાસપુરમાં એક લોકલ ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર થઇ છે. આ ટક્કરમાં 5 લોકોના મોત થયા છે ઘણા ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર ટક્કર એટલી ગંભીર હતી કે લોકલ ટ્રેન માલગાડી પર ચડી ગઈ હતી. અકસ્માતની માહિતી મળતા જ રેલવે ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.
સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે બિલાસપુર સ્ટેશન નજીક લગભગ 4:00 વાગ્યે MEMU ટ્રેનનો એક ડબ્બો માલગાડી સાથે અથડાઈ ગયો હતો. આ ઘટનામાં બે લોકો ઘાયલ થયા છે. રેલવેએ તમામ સંસાધનો કામે લગાવી દીધા છે અને ઘાયલોની સારવાર માટે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.
દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે (SECR) તરફથી મળેલી પ્રાથમિક માહિતી અનુસાર આ અકસ્માત MEMU ટ્રેનના સિગ્નલને ઓવરશૂટ કરવાથી થયો હોવાનું માનવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેન નિર્ધારિત સિગ્નલને અવગણીને માલગાડીના પાછળના ભાગ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે MEMU ટ્રેનનો એક કોચ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો છે.
મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 5 લાખ રૂપિયા અને સામાન્ય ઇજાઓવાળા મુસાફરોને 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.
રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે MEMU લોકલ ટ્રેને સિગ્નલને ઓવરશૂટ કર્યો હતો, જેના કારણે તે ઉભેલી માલગાડીના પાછળના ભાગ સાથે અથડાઈ હતી.
આ પણ વાંચો – બિહારમાં કોની બનશે સરકાર? મતદાન પહેલા ઓપિનિયન પોલમાં ચોંકાવનારો દાવો
રૂટ પર કામગીરી ખોરવાઈ
રેલવેએ જણાવ્યું હતું કે ઘટનાના કારણની તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી છે અને ટેકનિકલ નિષ્ણાતો ઘટનાસ્થળે છે. સ્ટેશનની આસપાસ રેલ અવરજવર થોડા સમય માટે પ્રભાવિત થયો છે. સ્થિતિને સામાન્ય કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. રેલવેએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. રેલવે સલામતી કમિશનર બિલાસપુર ટ્રેન અકસ્માતની તપાસ કરશે.
રેલવેએ હેલ્પલાઇન નંબરો જાહેર કર્યા
- બિલાસપુર– 7777857335, 7869953330
- ચંપા – 8085956528
- રાયગઢ – 9752485600
- પેન્દ્રા રોડ– 8294730162
- ઈસલાપુર-7777857338
ટક્કરથી ઓવરહેડ વાયર અને સિગ્નલ સિસ્ટમને ભારે નુકસાન થયું છે, જેના કારણે રૂટ પર કામગીરી ખોરવાઈ ગઈ છે. ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે અથવા ડાયવર્ટ કરવામાં આવી છે. હાલમાં રેલવે વહીવટીતંત્રે મુસાફરોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને ફક્ત સત્તાવાર માહિતી પર આધાર રાખવાની અપીલ કરી છે.





