Bihar Government : બિહાર સરકારને પટના હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. પટના હાઈકોર્ટે બિહારમાં સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે જાતિ આધારિત અનાનતને 65 ટકા કરવાના કાયદાને રદ કર્યો છે. બિહાર સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી કરી હતી અને તે પછી આ આધાર પર ઓબીસી, ઇબીસી, દલિતો અને આદિવાસીઓની અનામત વધારીને 65 ટકા કરી હતી. જોકે હવે પટના હાઈકોર્ટમાં તેને રદ કરી દેવામાં આવી છે.
બિહારમાં ક્વોટામાં વધારા પછી 75 ટકા અનામત થયું હતું
જ્યારે બિહારમાં 65 ટકા અનામત આપવામાં આવી હતી, તે પછી આર્થિક રીતે પછાત લોકોને 10 ટકા અનામત આપવામાં આવી હતી. આ સાથે જ બિહારમાં નોકરી અને એડમિશનનો ક્વોટા વધીને 75 ટકા થઈ ગયો હતો. આ પછી યુથ ફોર ઇક્વાલિટી નામની સંસ્થાએ તેને પટના હાઇકોર્ટમાં પડકાર્યો હતો અને તેના પર સુનાવણી શરૂ થઇ હતી. હાઈકોર્ટના ચીફ જસ્ટિસની બેન્ચે આ કાયદો રદ કર્યો છે.
પટના હાઈકોર્ટે 65 ટકા અનામતને ગેરબંધારણીય ગણાવ્યું છે. હવે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અતિ પછાત વર્ગ અને અન્ય પછાત વર્ગોને શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં 65 અનામત નહીં મળે. 50 ટકા અનામતની જૂની વ્યવસ્થા લાગુ થઇ જશે.
આ પણ વાંચો – ખેડૂતો માટે ખુશખબર, 14 ખરીફ પાકના ટેકાના ભાવમાં વધારો, જાણો હવે કેટલા રૂપિયા મળશે
11 માર્ચ 2024ના રોજ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો
જણાવી દઈએ કે હાઈકોર્ટે આ કેસની સુનાવણી કરી હતી અને 11 માર્ચ 2024 ના રોજ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ કે.વી.ચંદ્રનની ડિવિઝન બેંચ અને અન્ય અરજીઓ પર લાંબી ચર્ચા થઈ હતી. રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ પી.કે.શાહીએ દલીલ કરી હતી. સુનાવણી દરમિયાન તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારે આ અનામત તે વર્ગોના પર્યાપ્ત પ્રતિનિધિત્વ ના હોવાને કારણે આપી હતી અને રાજ્ય સરકારે આ અનામત ભાગીદારી પર આપી ન હતી.
બિહાર સરકારે જાતિ સર્વેક્ષણના તારણોના આધારે અનુસૂચિત જાતિ (એસસી) માટે 20 ટકા, અનુસૂચિત જનજાતિ (એસટી) માટે 2 ટકા, અત્યંત પછાત વર્ગો (ઇબીસી) માટે 25 ટકા અને અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટે 18 ટકાનો ક્વોટા વધાર્યો હતો.





